Navaratri 2026 : નવરાત્રી ભારતના મુખ્ય તહેવારોમાંથી એક છે, જે દેશભરમાં ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વખતે નવરાત્રી 11 ઓક્ટોબરથી શરુ થઇ રહી છે. નવરાત્રી પહેલા મંદિરની સફાઈ પણ જરૂરી છે. ઘરના મંદિરની જાળીમાં ધૂળ અને ગંદકી જમા થાય છે. આ સિવાય દીવા, અગરબત્તી અને ધૂપની જ્વાળાઓ ઉપરની સપાટીને કાળી પાડે છે. મંદિરની સફાઈમાં ઘણો સમય લાગે છે. જોકે કેટલીક સરળ રીતો છે જે સફાઈને સરળ બનાવવામાં મદદ કરી શકે છે.
મૂર્તિઓ અને બીજી વસ્તુઓ દૂર કરો
સૌ પ્રથમ મંદિરમાંથી ભગવાનની મૂર્તિઓ અને તસવીરોને કાળજીપૂર્વક દૂર કરો અને તેમને અલગ રાખો. મંદિરને આખું ખાલી કરી દો. જેથી સફાઇ કરવામાં સરળતા રહે.
ધૂળ-માટી સાફ કરો
મંદિર સંપૂર્ણપણે ખાલી થઈ જાય પછી તેનો શેલ્ફ અને આસપાસના સ્થળની ધૂળ એક સુતરાઉ કાપડનો ઉપયોગ કરી સાફ કરો. લાકડાના મંદિરો માટે મુલાયામ, સૂકા કપડાનો ઉપયોગ કરો. જાળીને પણ કપડાથી સારી રીતે સાફ કરો. આ પછી ભગવાનની મૂર્તિઓ પર ધૂળ છે તો તેને પણ મુલાયમ અને સ્વચ્છ કપડાની મદદથી સાફ કરો.
ડાઘ દૂર કરવાની પદ્ધતિ
લાકડાના મંદિરમાંથી ડાઘ દૂર કરવા માટે પહેલા એક કપડું ભીનું કરો. હવે તેનાથી મંદિરની સપાટી લુછી લો. આ પછી સૂકા કપડાથી તરત જ ભેજ દૂર કરો. આનાથી હળવા ડાઘ દૂર થઈ શકે છે.
નકામા પડી રહેલા ઓશીકાના કવરથી પંખાની સફાઇ કરો, આ રીતે ચીકાશ વાળી ગંદકી હટાવો
જાળી અને કોતરણી સાફ કરવી
મંદિરના ખૂણા, કોતરણી, જાળી અને નાની-નાની જગ્યાઓમાં ધૂળ ઝડપથી જમા થાય છે. આથી તેને સાફ કરવા માટે મુલાયમ બ્રશનો ઉપયોગ કરી શકાય છે. બ્રશથી ધૂળ દૂર કર્યા પછી આખા મંદિરને નરમ કપડાથી સાફ કરો.
હઠીલા ડાઘ દૂર કરવાની સરળ રીત
જો મંદિર પર દીવા કે અગરબત્તીથી કાળા ડાઘ હોય તો તેને સાફ કરવા માટે હૂંફાળા પાણીમાં થોડો લિક્વિડ સાબુ વાપરી શકો છો. તેનું દ્રાવણ બનાવી તેમાં નરમ કપડું પલાળી દો અને ડાઘવાળી જગ્યા સાફ કરો. આ પછી તેને સૂકા કપડાથી સારી રીતે સાફ કરો. જો મંદિરમાં દરવાજા હોય તો સફાઈ કર્યા પછી તેને ખુલ્લા છોડી દો જેથી બધો ભેજ નીકળી જાય. આ રીતે તમે નવરાત્રી પહેલા મંદિરને ઝડપથી સાફ કરી શકો છો.
