પ્લેન ક્રેશનું કાવતરું નોકરી પહેલા જ ઘડાયું હતું

તાજા સમાચાર LATEST NEWS
Spread the love



ફ્લાયદુબઈની ફ્લાઇટમાં સવાર એક ભારતીય પાઇલટ પર થયેલા હુમલા અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. રોઇટર્સના અહેવાલ મુજબ ઓમાની કો-પાઇલટે એરલાઇનમાં નોકરી મેળવતા પહેલાં જ તેલ અવીવ જતી ફ્લાઇટને ક્રેશ કરવાનું કાવતરું ઘડ્યું હતું.

ગયા અઠવાડિયે ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 દુબઈથી 174 મુસાફરો અને છ ક્રૂ મેમ્બર્સ સાથે રવાના થઈ હતી. ફ્લાઇટ દરમિયાન કો-પાઇલટે કથિત રીતે ભારતીય પાઇલટ સ્મિત મચ્છર પર હુમલો કર્યો અને વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો. જોકે કેપ્ટન સ્મિત મચ્છર કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા અને મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સે મળીને આરોપીને કાબૂમાં લીધો.

નોકરી પહેલાં જ કાવતરું ઘડાયું હતું

બે ઇઝરાયેલી અધિકારીઓને ટાંકીને રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે કો-પાઇલટ હમામ અલ-હમ્મામીએ પૂછપરછ દરમિયાન યુએઈ (UAE) સત્તાવાળાઓને કથિત રીતે જણાવ્યું હતું કે તેણે ફ્લાયદુબઈમાં જોડાતા પહેલાં જ આ હુમલાનું આયોજન કર્યું હતું. તેણે તેલ અવીવ માટે ફ્લાઇટ્સ ચલાવતી વિવિધ એરલાઇન્સ વિશે પણ માહિતી એકત્રિત કરી હતી.

ઇઝરાયેલી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફ્લાયદુબઈમાં નોકરી માટે અરજી કરતા પહેલાં હમામે તેલ અવીવના બેન ગુરિયન ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ફ્લાઇટ્સ ચલાવતી એરલાઇન્સ વિશે સંશોધન કર્યું હતું. તેનો કથિત ઉદ્દેશ્ય વિમાનને તેલ અવીવ લઈ જઈને તેને ક્રેશ કરવાનો હતો.

તેલ અવીવ જતી અન્ય ફ્લાઇટને પણ નિશાન બનાવવાનો ઈરાદો

અહેવાલ મુજબ હમામે આ વર્ષની શરૂઆતમાં તેલ અવીવ માટે અન્ય એક ફ્લાઇટ પણ ઉડાવી હતી. તે સમયે પણ તેણે કથિત રીતે વિમાનનું અપહરણ કરીને તેને ક્રેશ કરવાનો ઈરાદો રાખ્યો હતો, પરંતુ અંતે તેણે તેમ કર્યું નહીં.

આ પણ વાંચો: ‘ઓપ્ટોજેનેટિક્સ’ પર કામ કરતા 3 વૈજ્ઞાનિકોને 2026 નો મેડિસિનમાં નોબેલ પુરસ્કાર

રોઇટર્સના જણાવ્યા અનુસાર, તે ફ્લાઇટ દરમિયાન તેણે પોતાનો કથિત ઈરાદો કેમ બદલ્યો તે અસ્પષ્ટ છે. જોકે અધિકારીઓનું માનવું છે કે તે વિમાનમાં સવાર કોઈ વ્યક્તિને ઓળખતો હતો.

ભારતીય પાઇલટ પર કથિત હુમલો

યુએઈના પ્રોસિક્યુટર જનરલના જણાવ્યા અનુસાર, ઓમાની કો-પાઇલટે ઇમરજન્સી ક્રેશ એક્સ (કટોકટીના સમયે વપરાતી કુહાડી)નો ઉપયોગ કરીને ભારતીય પાઇલટ સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. યુએઈના અધિકારીઓએ આ ઘટનાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. જોકે વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. વિમાનની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ કેપ્ટન સ્મિત મચ્છરને હીરો તરીકે બિરદાવવામાં આવ્યા છે. 

ફ્લાયદુબઈની ભરતી પ્રક્રિયા અંગે સવાલો ઉઠ્યા

ફ્લાયદુબઈની કર્મચારીઓની ચકાસણી અને ભરતી પ્રક્રિયા અંગે હવે સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એરલાઇનની તપાસ પ્રક્રિયા કો-પાયલટના કથિત ઈરાદાઓને અગાઉથી કેમ પારખી શકી નહીં.

આ ઉપરાંત ઈઝરાયેલની સુરક્ષા પ્રોટોકોલ અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. ઈઝરાયેલી અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિદેશી એરલાઇન્સ સાથે એવા કરારો કરવામાં આવ્યા છે જે અંતર્ગત ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો ન ધરાવતા દેશોના પાયલટોને તે દેશ માટે ફ્લાઇટ ચલાવતા અટકાવવામાં આવે છે. ઓમાન અને ઈઝરાયેલ વચ્ચે કોઈ ઔપચારિક રાજદ્વારી સંબંધો નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *