Energy Hall: સુરેન્દ્રનગરની ઘટના બાદ કયા કલેક્ટર CMના રડારમાં? ‘આ DFO વિચિત્ર પ્રાણી..,’ ભાજપના સાંસદે આવું કેમ કહ્યું?

Energy Hall: સુરેન્દ્રનગરની ઘટના બાદ કયા કલેક્ટર CMના રડારમાં? ‘આ DFO વિચિત્ર પ્રાણી..,’ ભાજપના સાંસદે આવું કેમ કહ્યું?

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


ગાંધીનગર: સુરેન્દ્રનગર પછી હવે કોનો વારો? તો એ વારો ગાંધીનગર નજીકના જ એક જિલ્લા કલેક્ટરનો નીકળવાનો છે એ નિશ્ચિત છે. સૂત્રોનું માનીએ તો આ કલેક્ટર સીધા સીએમના રડારમાં છે. જેથી ટૂંક જ સમયમાં તેમની તપાસ સોંપાશે અથવા તો ખૂણાની જગ્યા પર ટ્રાન્સફર કરાશે. અંદરખાને તેમની તપાસ સોંપાઈ ચૂકી હોય તો પણ નવાઈ નહીં, કારણકે સુરેન્દ્રનગરના કલેક્ટરને જુમ્મે જુમ્મે સરકારમાં સાતેક વર્ષ થયેલાને તોય તેમણે આટલા મોટા કાંડ કરવાની હિંમત કરી છે. જેથી અન્ય જે કલેક્ટર રડારમાં છે તે પણ આ પ્રકારે નવોદિત કહી શકાય એ પ્રકારના જ છે, આમ કરિયરની શરૂઆતમાં જ આવા કાંડ કરનારા પર સીએમ જોરદાર ભડક્યા છે.

સુરેન્દ્રનગર કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલના કૌભાંડને પગલે જ હવે ગુજરાતના 33 જિલ્લા કલેક્ટરોની ઊંઘ હરામ થઈ ચૂકી છે. કારણ કે CMએ ઓફિસ છોડી તમામને ફિલ્ડ વિઝિટ કરવા આદેશ આપ્યો છે. તેમને કહેવામાં આવ્યું છે કે, લોકોની રજૂઆતો સાંભળી તેના જિલ્લા સ્તરે ઝડપથી અને પ્રામાણિકતાથી નિવારણ માટે વધુ સારી વ્યવસ્થા કરવાની છે. તેમણે એવી પણ ટકોર કરી છે કે, નાના-નાના કામો માટે કોઈપણ અરજદાર સચિવાલય સુધી આવવા ન જોઈએ. જિલ્લાના પ્રશ્નો જિલ્લામાં ઉકેલવા માટે પ્રયાસ કરો.

ઓનેસ્ટી, ઇન્ટિગ્રિટી, કોમ્પિટન્સ અને ઇફેક્ટિવનેસના આધાર ઉપર સમગ્ર જિલ્લાની કામગીરીનું નેતૃત્વ કરવા કલેક્ટરોને કહેવાયું છે. કલેક્ટર કોન્ફરન્સમાં પણ પહેલીવાર કલેક્ટરોને કહેવામાં આવ્યું છે કે, સરકારની જેમ તેઓ પણ તેમના જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનું મિશન ઉપાડશે તો ખેડૂતો અને લોકોનું કલ્યાણ થશે. સીએમ દ્વારા આ ઇશારો ઉચ્ચકક્ષાએથી પ્રમાણિકતા શબ્દ વાપરીને કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, અધિકારીઓને ચેતવણી પણ આપવામાં આવી છે.

ભાઈસાબ હવે તો પોસ્ટિંગ આપો! પોસ્ટિંગ વગર નવરા ફરતા તમામ આઇપીએસ ભેગા મળીને ડે.સીએમ પાસે પહોંચ્યા

ગુજરાત પોલીસ વિભાગમાં SPથી DIGનું પ્રમોશન મેળવનારા 10 આઇપીએસ અધિકારીઓ હજુ પોસ્ટિંગ વિહોણા રાખ્યા છે. 2011ની બેચના આ તમામ ઓફિસરોને પહેલાં તો આઠ મહિના યથાવત રાખવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં થયેલી બદલી પછી પણ હજુ સુધી તેઓને પોસ્ટિંગ મળી શક્યા નથી. ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 13 મહિનાથી આ ઓફિસરોને પોસ્ટિંગ મળ્યું નહીં હોવાથી તેઓ તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રીને મળ્યા હતા અને પોસ્ટિંગ માટે રજૂઆત કરી હતી.

આ અધિકારીઓમાં હિતેશ જોયસર, તરૂણ દુગ્ગલ, ચૈતન્ય માંડલિક, સરોજ કુમારી, આરવી ચુડાસમા, આરપી બારોટ, જીએ પાંડે, આરટી સુસારા, સુધા પાંડે અને સુજાતા મજમુદારનો સમાવેશ થાય છે. આ પછી સરકારે 2012ના છ અધિકારીઓને પણ ડીઆઇજી તરીકે પ્રમોશન આપ્યાં છે. એવું સંભળાય છે કે ટેકનિકલ કારણોસર પોસ્ટિંગ વિહોણાં અધિકારીઓને હજીપણ વધારે રાહ જોવી પડે તેમ છે. રાજ્યના ગૃહ વિભાગમાં આ કિસ્સો વધારે ચર્ચાસ્પદ બન્યો છે. ખૂબ ઝડપથી સરકાર આ આઇપીએસ અધિકારીઓના રેગ્યુલર પોસ્ટિંગ કરીને તેમની સેવાઓનો લાભ લઈ શકે તેવી આશા વિભાગના અન્ય અધિકારીઓ રાખી રહ્યાં છે.

ભાજપના સાંસદે બળાપો ઠાલવ્યો! આ DFO વિચિત્ર પ્રાણી..

ભાજપના ભરૂચના સંસદસભ્ય મનસુખ વસાવા આખા બોલા છે અને સરકારને ઘણીવાર બેકફૂટ ઉપર લાવી દેતા નિવેદનો કરે છે. હવે તેમણે જંગલ વિભાગના અધિકારીઓને આડેહાથ લીધા છે. રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વિકાસના કામોમાં વન વિભાગ દ્વારા કરવામાં આવતા વિલંબનું કારણ બતાવીને તેમણે અધિકારીઓનો ઉધડો લઈ લીધો હતો.

આ મામલે મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતાં તેમણે ઓનરેકોર્ડ કહ્યું હતું કે, ‘આ વિભાગના DFO વિચિત્ર પ્રકારના પ્રાણીઓ છે. વિકાસના કામોમાં બહાના કાઢીને અડચણો ઊભી કરે છે.’ આ સાંસદે તેમને ક્રેક મગજના ગણાવીને સવાલ કર્યો હતો કે, ‘શું તમે લોકો આદિવાસીઓના વિરોધી છો? જંગલ વિસ્તારના રસ્તાઓ અટકાવી દેવામાં આવ્યા છે તો વિકાસ કેવી રીતે કરવો?’ તેવો સવાલ પણ તેમણે કર્યો હતો. સરકારે જેનું ભૂમિપૂજન કર્યું છે તેવા કામો અટકાવી અધિકારીઓએ કોન્ટ્રાક્ટરોના સાધનો પણ જપ્ત કરી લીધા છે. સત્તાધારી પાર્ટીના સાંસદનું આવું નિવેદન વન વિભાગના અધિકારીઓમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

કૌન બનેગા કરોડપતિ જેવો એક સવાલ..! રાવ સાહેબના નસીબ ફાઇનલી ચમકી જશે?

હાલ આઇપીએસ સમશેર સિંહને હોમગાર્ડ dept. સોંપાવાની સંભાવના છે, ત્યારે સસ્પેન્સમાં માહિર ભાજપ સરકારે નવા ડીજીપી મામલે હજુ સુધી ‘મગનું નામ મરી પાડયું નથી..’ ને ભાજપ સરકાર ધારે તો કંઈપણ કરી શકે, અણધાર્યા નિર્ણયો પણ લઈ શકે, તેવી છાપ છે જેને પગલે નવા ડીજીપી તરીકે રાવ કે શમશેર સિંહ? એમ કૌન બનેગા ડીજીપીનો સવાલ કૌન બનેગા કરોડપતિ જેવો સાબિત થઈ રહ્યો છે.

ગુજરાતના 1991ની બેચના આઇપીએસ અધિકારી શમશેરસિંહને ગુજરાત કેડરમાં પાછા બોલાવી લેવામાં આવ્યા છે. તેમને પાછા બોલાવ્યા પછી પણ પોસ્ટિંગ વિહોણા રાખવામાં આવ્યા છે. તેઓ બીએસએફના એડિશનલ ડાયરેક્ટર જનરલ હતા અને તેમની નિવૃત્તિમાં ત્રણ મહિનાનો સમય બચ્યો છે. આમ જુઓ તો તેઓ રાજ્યના પોલીસ વડા બની શકે તેમ નથી કારણ કે તેઓ માર્ચ 2026માં નિવૃત્ત થઈ રહ્યાં છે. તેમને પાછા બોલાવવાનું કારણ શું હોઈ શકે છે તેની ચર્ચા પોલીસ વિભાગમાં તેજ બની છે.

ભૂતકાળમાં વડોદરાના પોલીસ કમિશનર રહી ચૂકેલા આ અધિકારીને એક વર્ષ પહેલાં જ બીએસએફમાં મોકલી દેવામાં આવ્યા હતા. હકીકતમાં તેઓ રાજ્યના પોલીસ વડા બની શકે તેવા સિનિયર અધિકારી હતા. સરકારે તેમને ગુજરાત પાછા લાવતા પહેલાં રાજ્યના પોલીસ વડા તરીકે સિનિયર આઇપીએસ અધિકારી કે, એલએન રાવને પસંદ કર્યા હતા. એવું જાણવા મળ્યું છે કે શમશેરસિંહ જીડી તરીકે નિવૃત્ત થઈ શકે તે હેતુથી તેમની વિનંતી પર તેમને પાછા લાવવામાં આવ્યા છે.

પરંતુ હાલમાં સંભળાય છે કે સરકાર શમશેરસિંહને ડીજીપી હોમગાર્ડ તરીકે નિયુક્ત કરશે. તેઓ નિવૃત્ત થયા પછી રાવ આપોઆપ સિનિયર બનશે અને 1લી એપ્રિલ 2026થી તેઓ નિયમિત ડીજીપી બની જશે. એટલે કે સિનિયોરિટીની કોઈ ટક્કર જોવા મળશે નહીં. તો પણ હજુ સુધી શમશેર સિંહનું પોસ્ટિંગ જાહેર ન થયું હોવાને કારણે આઇપીએસ લોબી અસમંજસમાં છે કારણ કે, સૌને ખબર છે કે કાયદો કે નિયમ ગમે તે કહે, સરકારે જે ધાર્યું હશે તે જ કરશે!

સચિવાલયમાં માત્ર બજેટ.. બજેટ અને બજેટ…! નાણાં વિભાગના અધિકારીઓને 16 ફેબ્રુ. સુધી ઉજાગરા

ગુજરાત સરકારનું બજેટ સત્ર 16મી ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે. ત્યારે અત્યારે સચિવાલયમાં બજેટની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નાણા વિભાગ અન્ય વિભાગો તેમજ સરકારની અન્ય કચેરીઓના સંપર્કમાં છે. નવી જોગવાઈઓ, નવી યોજનાઓ અને વિભાગોની માગણીઓ અંગે ડોક્યુમેન્ટેશન ફાઈનલ સ્ટેજમાં પહોંચ્યું છે.

રાજ્યમાં બજેટ સત્ર પછી ગમે તે સમયે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ આવતી હોવાથી સરકાર કોઈપણ પ્રકારના કરવેરા લાદવાના મૂડમાં નથી. જોકે બજેટમાં નહીંવત રાહતો મળવાની શક્યતા જોવાય છે. આ વખતે બજેટના કદમાં 12થી 15 ટકા જેટલો વધારો થવા સંભવ છે, એટલું જ નહીં ચાલુ વર્ષની જેમ શહેરી વિકાસ, આરોગ્ય અને શિક્ષણ પાછળ વધુ રકમ ખર્ચવામાં આવે તેવો અણસાર દેખાઈ રહ્યો છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં કોમનવેલ્થ ગેઇમ્સ અને ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય રમતો આવી રહી હોવાથી કેન્દ્ર અને ગુજરાત સરકારમાં સ્પોર્ટ્સ ક્ષેત્રનું બજેટ વધવા સંભવ છે. નાણા વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ટી. નજરાજન અને તેમના વિભાગના ટોચના 15થી 18 જેટલા ચૂનંદા ઓફિસરો બજેટ પ્રકાશનો તૈયાર કરતા હોય છે. આ તમામ ઓફિસરોને બજેટની રજૂઆત પહેલાં 16મી ફેબ્રુઆરી સુધી ઉજાગરા કરવા પડશે.

માધુપુરા સહકારી બેન્કના કૌભાંડ બાદ હવે કઈ બેન્કનું કૌભાંડ?

સહકારી ક્ષેત્રમાં સુધારા કરવામાં આવ્યા હોવાની દુહાઈ દેવામાં આવે છે, પરંતુ જિલ્લાઓની સહકારી સંસ્થાઓમાં કેવા કરતૂતો ચાલે છે તેની જાણ સરકારને ઘણી મોડી થાય છે. એવો જ એક કિસ્સો ભાવનગર જિલ્લા ડિસ્ટ્રીક્ટ કોઓપરેટિવ બેન્કનો જોવા મળ્યો છે, જેમાં ખેડૂતોની મહેનત ઉપર ભ્રષ્ટાચારીઓ હાવી બન્યાં છે. આ બેન્કની જલાલપુર સ્થિત શાખામાં ખેડૂતોએ પોતાના બાળકોના ભવિષ્ય માટે ભેગા કરેલા રૂપિયા અનસેફ બની ગયા છે.

સ્થાનિકોના આક્ષેપ એવા છે કે 50થી વધુ ખેડૂતોના ખાતામાંથી ચાર થી પાંચ કરોડ ઉપાડી લેવામાં આવ્યા છે. ચાર ચાર મહિના સુધી પાસબુકમાં એન્ટ્રી આપવામાં આવતી ન હતી. પછી અચાનક કેશિયર ગાયબ થઈ ગયો. જેથી ખેડૂતો લૂંટાયા છે. બેન્કના સ્ટાફમાં લાગવગશાહી અને પરિવારવાદના કારણે આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. અમદાવાદની માધુપુરા કોઓપરેટિવ બેન્કના વિશાળકાય કૌભાંડને યાદ અપાવી જાય તેવો આ કિસ્સો છે. સરકારે આ દિશામાં ચોક્કસ પગલાં લઈને ઉચાપત કરનારા લોકોને કડક સજા કરવી જોઈએ કે જેથી ખેડૂતોની પરસેવાની કમાણી તેમને પાછી મળે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ચાર દિવસ માટે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા દાવોસ રવાના!

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે(18મી જાન્યુઆરીએ) રાત્રે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાનાર “વર્લ્ડ ઇકોનોમિક ફોરમ–2026”માં ભાગ લેવા રવાના થશે. તેઓ 23 જાન્યુઆરીએ ભારત પરત ફરશે. દાવોસમાં યોજાનારા આ વૈશ્વિક મંચ પર સંઘવી વિવિધ દેશોના પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ અને બહુરાષ્ટ્રીય કંપનીઓના વડાઓ સાથે મહત્વપૂર્ણ મુલાકાતો કરશે.

માહિતી મુજબ, ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં નવી મૂડીરોકાણ તકો ઊભી કરવાનો છે. ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર, ફિનટેક, સ્માર્ટ સિટી, લોજિસ્ટિક્સ અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક કંપનીઓને ગુજરાત તરફ આકર્ષવા વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કરાશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બાદ થયેલા કરારોના ફોલોઅપ અને નવા MoU અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે. દાવોસ દરમિયાન યોજાનારી B2B બેઠકોમાં રોજગાર સર્જન, ટેકનોલોજી ટ્રાન્સફર અને MSME–સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મજબૂત કરવાની દિશામાં વાતચીત થશે.

માંડવિયાએ પોતાનું વતન જ આદર્શ ગામ બનાવવા માટે દત્તક લીધું!

ભાવનગર જિલ્લામાં આવેલું એક નાનકડું હણોલ ગામ તાજેતરમાં દિલ્હીના રાજનેતાઓથી ઉભરાઈ ગયું હતું. ફાઈલો અને મુલાકાતીઓ વચ્ચે અટવાયેલા રહેલા મંત્રીઓ બધો સ્ટ્રેસ બાજુએ મૂકીને આ ગામમાં ઢોલના તાલે ઝૂમ્યા હોવાની અચરજ પમાડે તેવી ઘટના બની છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને મનસુખ માંડવિયાએ આત્મનિર્ભર હણોલની શાનદાર ઉજવણી કરી હતી. આ ગામમાં જુવારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગામને ખુદ મનસુખ માંડવિયાએ દત્તક લઈને આદર્શ ગામ બનાવ્યું છે. ઉત્સવનો માહોલ એવો હતો કે આ બન્ને કેન્દ્રીય મંત્રીઓ તેમનો ઉત્સાહ રોકી શક્યા ન હતા. તેમણે દેશી ગરબાની મજા પણ માણી હતી.

આ મહોત્સવમાં આ બન્ને મંત્રીઓ જ નહીં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા અને રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત હતા. ત્રિદિવસીય આ મહોત્સવમાં ગ્રામીણ બજાર જોવા મળી હતી. મારું ગામ મારું અભિમાન જેવા સૂત્રો સાથે સંસ્કૃતિના દર્શન થયા હતા. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહે કહ્યું હતું કે આ ગામનો વિકાસ સરકારના પૈસાથી જ નહીં પણ ગ્રામજનોની ભાવનાથી થયો છે. ગામની એક એક વ્યક્તિમાં આત્મનિર્ભરતાની સંવેદના જોવા મળે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *