EDII એ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની કરી ઉજવણી, ગુજરાતની 4 પરંપરાગત હસ્તકલાઓને મળ્યા જીઆઈ ટેગ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


અમદાવાદ સ્થિત એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) ખાતે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને કારીગરીને વૈશ્વિક ઓળખ આપવા માટે ચાર મહત્વપૂર્ણ પરંપરાગત હસ્તકલાઓને ભૌગોલિક સંકેત (GI) ટેગિંગ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

જેમાં જસદાન પટારી ક્રાફ્ટ, પાટણ મશરૂ સાડીઓ અને ફેબ્રિક્સ, બનાસકાંઠા એપ્લિક વર્ક તથા સૌરાષ્ટ્ર મોતી ભરતકામ (બીડ વર્ક)નો સમાવેશ થાય છે. આ પ્રસંગે નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને કારીગરોએ એકત્રિત થઈને સ્થાનિક કલાના વ્યાવસાયિકીકરણ અને સંરક્ષણ અંગે ચર્ચા કરી હતી.

ઈડીઆઈઆઈના ડાયરેક્ટર જનરલ ડૉ. સુનીલ શુક્લાએ પોતાના વિચારપ્રેરક સંબોધન સાથે કાર્યક્રમનો પ્રારંભ કર્યો. તેમણે જણાવ્યું હતું, “આપણા સમૃદ્ધ પરંપરાગત જ્ઞાન અને વારસાના સંરક્ષણની યાત્રામાં ભૌગોલિક સંકેત (જીઆઈ) ટેગિંગ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોઈ પણ વિચારનો વાસ્તવિક પ્રભાવ ત્યારે જ સર્જાય છે, જ્યારે તે ઇનોવેશનમાં પરિવર્તિત થાય અને ઇનોવેશન આગળ વધીને વ્યાવસાયિકીકરણ સુધી પહોંચે, જેથી તે આર્થિક અને સામાજિક કલ્યાણમાં અર્થપૂર્ણ યોગદાન આપી શકે. ભૌગોલિક સંકેત (જીઆઈ) ઉત્પાદનોના સંરક્ષણ માટેનું એક અસરકારક સાધન છે. ચાર પરંપરાગત હસ્તકલાઓને જીઆઈ ટેગિંગ પ્રમાણપત્ર મળવું અમારા માટે ગૌરવની ક્ષણ છે. તે કારીગર-આધારિત વિકાસની સફળતા અને તેની વિશ્વસનીયતાને માન્યતા આપે છે.”

આ પ્રસંગે કાર્તિકેય સારાભાઈએ જણાવ્યું હતું, “ભારત અનેક ક્ષેત્રોમાં વર્ષોના અનુભવ અને પરંપરાગત પ્રયોગોથી સમૃદ્ધ બનેલા જ્ઞાનના અમૂલ્ય ભંડારનું ઘર છે. આ જ્ઞાન સાથે જોડાયેલા વિચારો અને પ્રક્રિયાઓનું યોગ્ય સમયે સંવર્ધન અને સંરક્ષણ કરવું અત્યંત જરૂરી છે. ભૌગોલિક સંકેત (જીઆઈ) ટેગિંગની સુવિધા આપણા ઉત્પાદકો અને કારીગરોના સામાજિક તથા આર્થિક કલ્યાણને પ્રોત્સાહન આપવામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.”

પોતાના સંબોધનમાં નિધિ શર્માએ જણાવ્યું હતું, “નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)ના સહયોગથી ઈડીઆઈઆઈ ખાતે રાજ્યના પ્રથમ પ્રાદેશિક ભૌગોલિક સંકેત (જીઆઈ) સુવિધા કેન્દ્રની સ્થાપના કારીગરો અને ગ્રામિણ ઉદ્યોગસાહસિકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. આ કેન્દ્ર તેમના પરંપરાગત ઉત્પાદનોને તે યોગ્ય ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, જેના તેઓ સાચા હકદાર છે. જો આપણે આ ઉત્પાદનોનું અસરકારક સંરક્ષણ સુનિશ્ચિત કરી તેમને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય ઓળખ અપાવી શકીએ, તો નવા બજારોના દ્વાર ખોલી શકીશું અને કારીગરો, વણકરો તેમજ ઉદ્યોગસાહસિકોને તેમના ઉત્પાદનો માટે વધુ સારું અને પ્રીમિયમ મૂલ્ય પ્રાપ્ત કરાવવામાં મદદરૂપ થઈ શકીશું.”

આ પણ વાંચો: NID અમદાવાદે રાષ્ટ્રપતિ ભવનના ‘એટ હોમ’ સમારોહ માટે ડિઝાઈન કરી ખાસ ઈન્વિટેશન કિટ, 4 રાજ્યોની લોકકળાની જોવા મળી ઝલક

ટેક્નોલોજી અને બૌદ્ધિક સંપદા (2026-27) વિષય પર સંબોધતા વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું, “ઈડીઆઈઆઈ ટેક્નોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને ઇનોવેશન તેમજ ક્રાંતિકારી ટેક્નોલોજીના સંરક્ષણ માટે બૌદ્ધિક સંપદા (આઈપી) અંગે જાગૃતિ ફેલાવવા માટે સતત કાર્ય કરી રહ્યું છે. ઈડીઆઈઆઈ કારીગરો સાથે પણ સતત નજીકથી કાર્ય કરી રહ્યું છે. સંસ્થા તેમને નિયમિત માર્ગદર્શન આપી રહી છે, તેમના કૌશલ્યોને વધુ સશક્ત બનાવી રહી છે અને ટેક્નોલોજી તથા ઉદ્યોગસાહસિક ક્ષમતાઓનો ઉપયોગ કરીને પોતાની પરંપરાગત વારસાનું સંરક્ષણ કરવાના મહત્વને સમજવામાં તેમની મદદ કરી રહી છે. ભૌગોલિક સંકેત (જીઆઈ) તેમના કાર્યને બજારમાં તેની યોગ્ય ઓળખ અને સન્માન અપાવવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”

કાર્યક્રમ અંતર્ગત પોસ્ટ-જીઆઈ ઇન્ટરવેન્શન્સ વિષય પર એક કાર્યશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા ગુજરાત રાજ્યમાં પોસ્ટ-જીઆઈ ઇન્ટરવેન્શન્સ અંગે એક પરામર્શ બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમે પરંપરાગત જ્ઞાનના સંરક્ષણ, દેશજ ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા વધુ મજબૂત બનાવવા તેમજ દેશભરના કારીગર સમુદાયો માટે ટકાઉ આજીવિકાની તકો સર્જવાના અસરકારક સાધન તરીકે ભૌગોલિક સંકેત (જીઆઈ)ને પ્રોત્સાહન આપવાની ઈડીઆઈઆઈની પ્રતિબદ્ધતાને પુનઃદૃઢ કરી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *