છેલ્લા બે અઠવાડિયાથી સુરતના અલગ-અલગ વિસ્તારોમાં દૂષિત અને વાસ મારતું પાણી સપ્લાય થવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. સ્થાનિક રહીશો પીવાના શુદ્ધ પાણી માટે ત્રાહિમામ પુકારી રહ્યા છે અને મનપામાં સતત રજૂઆતો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે સુરતના ભાજપના મહિલા કોર્પોરેટર ઉર્વશી પટેલે સોશિયલ મીડિયા પર લાઈવ થઈને પાણી દૂષિત થવા પાછળનું વિચિત્ર કારણ રજૂ કરતાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
‘અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગને કારણે પાણી દૂષિત થાય છે’
સોશિયલ મીડિયામાં લાઈવ થઈને પોતાનું ‘જ્ઞાન’ પીરસતા કોર્પોરેટર ઉર્વશી પટેલે દાવો કર્યો હતો કે, ગ્લોબલ વોર્મિંગ અને ‘અલ નીનો’ના કારણે વાતાવરણમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે, જેના કારણે પાણી દૂષિત થઈ રહ્યું છે.
પાઇપલાઇન કે લીકેજની સમસ્યાનો સ્વીકાર કરવાને બદલે વૈજ્ઞાનિક કારણો આગળ ધરીને જ્ઞાન આપવાનો પ્રયાસ કરતા જ સોશિયલ મીડિયા પર લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે અને તેમના આ ‘સાયન્ટિફિક લોજિક’ સામે સવાલો ઉઠાવ્યા છે.
15 દિવસથી સુરતીઓ દૂષિત પાણી પીવા મજબૂર
સુરતના અનેક વિસ્તારોમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાથી કે લાઈન ડેમેજ હોવાથી દૂષિત પાણી આવી રહ્યું છે. સ્થાનિક નાગરિકો અને ગૃહિણીઓ દ્વારા સતત પાલિકા કચેરીએ ફરિયાદો કરવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે મનપાના જવાબદાર શાસકો અને કોર્પોરેટરો ટેકનિકલ ખામી ઉકેલવાના બદલે ગ્લોબલ વોર્મિંગ જેવા બહાના બતાવીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે.
