ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના ચાર મુખ્ય જિલ્લાઓમાં ઓછા વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિ અંગે રાજ્ય સરકારે ગંભીર નોંધ લીધી છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં ખરીફ પાકને થયેલા નુકસાન અને પીવાના તથા સિંચાઈના પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે રાજ્ય તંત્ર દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુષ્કાળની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠક બાદ રાહતનાં પગલાંની જાહેરાત કરી હતી. બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 8,500 રૂપિયા સહાય આપવામાં આવશે.
LIVE: રાજ્યમાં વિલંબિત અને ઓછા વરસાદ સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ. https://t.co/PRrIYl2253
— CMO Gujarat (@CMOGuj) October 26, 2026
ગુજરાતમાં આશરે 8 વર્ષ બાદ ફરી દુષ્કાળની સ્થિતિને પગલે રાહતનાં પગલાં જાહેર કરાયા છે. વર્ષ 2026માં ઓછા વરસાદની અસરને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરના અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો અને પશુપાલકોને રાહત આપવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
રાજ્યમાં ઓછા વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને તેમના પાકના નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા તાલુકાઓમાં રાહતનાં પગલાં અમલમાં મૂકવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર, ખેડૂતો અને પશુપાલકોને મુશ્કેલીના સમયમાં મદદ મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
