ગુજરાત સરકાર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ યુસુફ પઠાણને એક મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. વડોદરામાં આવેલો 978 ચોરસ મીટરનો પ્લોટ જે લાંબા સમયથી વિવાદનો વિષય રહ્યો છે તેમાંથી 500 ચોરસ મીટર જમીન યુસુફ પઠાણને વિના મૂલ્યે (મફત) આપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. બાકીની 478 ચોરસ મીટર જમીન 45 ટકાના ડિસ્કાઉન્ટ (વળતર) સાથે આપવામાં આવશે. આ પ્રસ્તાવ પર 23 ઓક્ટોબરના રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની સ્થાયી સમિતિ દ્વારા અંતિમ મંજૂરી માટે વિચારણા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નું શાસન છે.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ મુજબ, ૯૭૮ ચોરસ મીટરના પ્લોટનો એક હિસ્સો યુસુફ પઠાણને “ભેટ” (ગિફ્ટ) તરીકે આપવામાં આવશે. બાકીની જમીન માટેની કિંમત વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (VUDA) સમિતિ દ્વારા નક્કી કરાયેલા મૂલ્યાંકનના ૫૫ ટકા જેટલી રાખવામાં આવશે જેનો અર્થ એ છે કે પઠાણને તે હિસ્સા પર ૪૫ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે.
2012થી જમીન વિવાદ
વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલો આ પ્લોટ યુસુફ પઠાણના પરિવારના નિવાસસ્થાનની નજીક છે. પઠાણ 2012થી આ જમીન ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હતા. શરૂઆતમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આ વેચાણ માટે સંમત થયું હતું, પરંતુ 2014માં ગુજરાત સરકારે આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
આ જમીનને લઈને વિવાદ ઘણા વર્ષો સુધી ચાલતો રહ્યો. વર્ષ 2024માં પશ્ચિમ બંગાળની બહરામપુર બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર લોકસભામાં ચૂંટાયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પઠાણને એક નોટિસ પાઠવી હતી. આ નોટિસમાં તેમને કથિત અતિક્રમણ દૂર કરવા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન ખાલી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો
યુસુફ પઠાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની આ નોટિસને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી છે. તેમણે દલીલ કરી છે કે આ મામલો એક દાયકાથી વધુ જૂનો છે અને કથિત અતિક્રમણ દૂર કરવાનો આદેશ આપતા પહેલા તેમને ‘કારણ દર્શાવો’ નોટિસ આપવી જોઈતી હતી. પઠાણે એવો પણ દાવો કર્યો હતો કે વિવાદાસ્પદ જમીન રાજ્ય સરકારની નથી પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે.
આ પણ વાંચો: VIDEO: સુરતના અડાજણમાં અઢી વર્ષના બાળકના માથામાં તપેલું ફસાયું, ફાયર બ્રિગેડે કટર વડે કાપીને ઉગાર્યો
જોકે હાઈકોર્ટે પ્લોટ ફાળવણીની વિનંતીને નકારી કાઢવાના રાજ્ય સરકારના નિર્ણયને યથાવત રાખ્યો હતો. ત્યારબાદ પઠાણે ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી હતી. આ વર્ષના ઓગસ્ટ મહિનામાં તેમના વકીલે કોર્ટને જણાવ્યું કે તેઓ રાજ્ય સરકારની નીતિ હેઠળ પોતાનો દાવો આગળ વધારવા માંગે છે. પરિણામે અપીલ પાછી ખેંચવાની પરવાનગી સાથે આ મામલો પૂર્ણ થયો હતો.
TMC છોડ્યા બાદ પઠાણ ફરી ચર્ચામાં
યુસુફ પઠાણ 2024માં પશ્ચિમ બંગાળની બહરામપુર લોકસભા બેઠક પરથી TMCની ટિકિટ પર ચૂંટણી લડીને સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. બાદમાં તેમણે અન્ય 20 TMC સાંસદોના જૂથ સાથે પક્ષમાંથી અલગ થવાનો નિર્ણય લીધો, આ જૂથ ‘નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા’ (NCPI)માં ભળી ગયું અને સંસદમાં NDAને સમર્થન આપ્યું.
હવે વડોદરા મ્યુનિસિપલ કમિશનરના એક નવા પ્રસ્તાવને કારણે આ જમીન વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. જો 23 ઓક્ટોબરે સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) આ પ્રસ્તાવને મંજૂરી આપે છે તો યુસુફ પઠાણને વિવાદાસ્પદ પ્લોટ ફાળવવાનો માર્ગ મોકળો થઈ શકે છે. જોકે હાલ પૂરતું આ માત્ર એક પ્રસ્તાવ છે અને તેને અંતિમ મંજૂરી મળવાની હજુ બાકી છે.
