યુ.એસ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે જેમાં ફ્લાયદુબઈ ફ્લાઇટ 1073ના ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરવામાં આવી છે અને વિમાનમાં થયેલા કથિત આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી છે. આ ઠરાવ 5 ઓક્ટોબર, 2026ના રોજ કોંગ્રેસમેન જોશ ગોથહેમર દ્વારા માઈકલ મેકકોલ અને ડોન બેકનની સાથે મળીને રજૂ કરવામાં આવ્યો હતો. તેને વિદેશી બાબતોની સમિતિને સોંપવામાં આવ્યો છે.
આ પ્રસ્તાવનો ઉદ્દેશ્ય કેપ્ટન સ્મિત મચ્છરને વિમાનમાં સવાર લોકોના જીવ બચાવવા બદલ તેમની અસાધારણ હિંમત માટે સન્માનિત કરવાનો છે. તેમાં ફ્લાઇટના ઓફ-ડ્યુટી પાઇલટ્સ, કેબિન ક્રૂ અને મુસાફરોની બહાદુરીની પણ પ્રશંસા કરવામાં આવી છે, જેમણે વિમાનને સુરક્ષિત રીતે ઉતારવામાં મદદ કરી હતી.
ફ્લાયદુબઈ ફ્લાઇટમાં શું બન્યું હતું?
યુ.એસ. હાઉસમાં રજૂ કરાયેલા પ્રસ્તાવ અનુસાર, ફ્લાયદુબઈ ફ્લાઇટ 1073એ 30 સપ્ટેમ્બર, 2026ના રોજ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી તેલ અવીવ, ઇઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. તેમાં લગભગ 174 મુસાફરો સવાર હતા, જેમાંથી મોટાભાગના ઇઝરાયેલી નાગરિકો હતા. આ ગ્રુપમાં ચાર યુ.એસ. નાગરિકો અને 27 બાળકોનો પણ સમાવેશ થતો હતો.
પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે ઉડાન દરમિયાન વિમાનના ફર્સ્ટ ઓફિસરે કોકપિટમાં વિમાનની ઈમરજન્સી ક્રેશ કુહાડીનો ઉપયોગ કરીને કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો અને વિમાનનું નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો. આ ઘટના દરમિયાન વિમાન લગભગ 30 સેકન્ડમાં 14,000 ફૂટથી વધુ નીચે ઉતરી ગયું હતું.
ગંભીર ઈજાઓ છતાં હાર ન માની
પ્રસ્તાવમાં નોંધવામાં આવ્યું છે કે ભારતીય નાગરિક કેપ્ટન સ્મિત મચ્છરે હુમલાખોરનો સામનો કર્યો. ગંભીર ઈજાઓ હોવા છતાં તેમણે પોતાની બાકીની શક્તિનો ઉપયોગ કરીને કોકપિટનો દરવાજો ખોલ્યો, જેથી ઓફ-ડ્યુટી પાઇલટ્સ અંદર આવી શકે અને વિમાનને ઉતારી શકે. ત્યારબાદ ક્રૂ અને મુસાફરોએ ફર્સ્ટ ઓફિસરને કાબૂમાં લેવામાં મદદ કરી.
વિમાનને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું. ઠરાવ અનુસાર વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું જણાયું હતું.
UAE દ્વારા આતંકવાદી કૃત્યના પ્રયાસ અંગે અહેવાલ
આ પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે 3 ઓક્ટોબર, 2026ના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના એટર્ની જનરલે અહેવાલ આપ્યો હતો કે ત્યાંની તપાસમાં એવું બહાર આવ્યું છે કે વિમાનના ‘ફર્સ્ટ ઓફિસર’ (કો-પાયલટ) દ્વારા આતંકવાદી કૃત્ય કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: કોણ છે બે પાયલોટ, જેમણે સ્મિત મચ્છર પર હુમલા બાદ FlyDubai વિમાન ક્રેશ થતા બચાવ્યું?
યુ.એસ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સનો આ ઠરાવ ‘ફ્લાયદુબઈ ફ્લાઇટ 1073’ પર થયેલા હુમલાને આતંકવાદી કૃત્ય અને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયનની સુરક્ષા પરનો હુમલો ગણાવે છે. આ ઠરાવ સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતની સરકારોને આ બાબતે સંપૂર્ણ અને ત્વરિત તપાસ હાથ ધરવા માટે પણ આહ્વાન કરે છે.
કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વસ્થ થવાની કામના
આ ઠરાવ કેપ્ટન સ્મિત મચ્છર અને હુમલામાં ઘાયલ થયેલા અન્ય લોકોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરે છે. તે ફરજ પર ન હોવા છતાં વિમાનને સુરક્ષિત રીતે ઉતારવામાં મદદ કરનારા પાયલટો, કેબિન ક્રૂ અને મુસાફરોના સાહસિક કાર્યોની પણ પ્રશંસા કરવામાં આવી છે.
