Gujarat Agriculture Information : ગુજરાતમાં ખેતી ખતરામાં હોવાના ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણની દોડમાં ગુજરાતમાં ખેતીની જમીની સતત ઘટી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ખેતી લાયક જમીન અંદાજે 2.28 લાખ હેક્ટર કે 1.83 ટકા ઘટી ગઇ છે. એક બાજુ ખેતીની જમીન ઘટી છે અને બાજુ ખેતીની જમીન વેચનાર ખેડૂતો મજૂરી કરવા મજબૂર થયા છે.
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 1.83 ટકા ખેતીલાયક જમીન ઘટી છે. લોકસભામાં રજૂ કરાયેલા લેન્ડ યુઝ સ્ટેટિસ્ટિક્સ આંકડામાં આ ચોંકાવનારી વિગત સામે આવી છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અહેવાલ મુજબ ગુજરાતમાં વર્ષ 2020-21માં 124.62 લાખ હેક્ટર ખેતીલાયક જમીન હતી, જે વર્ષ 2024-25 સુધીમાં ઘટીને માત્ર 122.38 લાખ હેક્ટર રહી ગઈ છે. એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં 2.28 લાખ હેક્ટર ખેતી લાયક જમીન ઘટી ગઇ છે.
ક્યા જિલ્લામાં સૌથી વધુ ખેતીની જમની ઘટી?
સરકારી આંકડા મુજબ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ખેતી લાયક જમીનમાં સૌથી વધુ ઘટાડો થયો છે. સાબરકાંઠામાં 43.72 ટકા અને જામનગરમાં 40.61 ટકા અને વડોદરામાં 38.18 ટકા ખેતીની જમીન ઓછી થઈ છે. તો અમદાવાદ જિલ્લામાં 71,786 હેક્ટર ખેતીની જમીનને બિન ખેતીમાં ફેરવામાં આવી છે.
ખેતીની જમીન ઘટવાના કારણ
શહેરીકરણ : ખેતીની જમીન પર મકાન, ઓફિસનું બાંધકામ.
ઔદ્યોગિકીકરણ : ખેતીની વિશાળ જમીનો ઔદ્યોગિક એકમો માટે ફાળવણી.
ખેતી પ્રત્યે ઉદાસીનવલણ : આજની યુવા પેઢીમાં ખેતી કરવા પ્રત્યે ઉદાસીનવલણ જોવા મળે છે. ખેડૂતો ખેતીની જમીન વેચી રહ્યા છે.
ખેતી માંથી ઓછી આવક : ખેતી મુશ્કેલ કામ છે. ઉપરાંત મહેનતની તુલનામાં ખેતી માંથી ઓછી આવક મળવાના કારણે પણ ખેડૂતોમાં ખેતી કરવાનો ઇચ્છા ઘટી રહી છે. બિયારણ, જંતુનાશક, ખેત મજૂરી વગેરે ખર્ચાળ થયા છે.
દરિયાઈ ખારાશ અને જમીનનું ધોવાણ : દરિયાઇ ખારાશના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેતી લાયક જમીનનું પ્રમાણ ઘટ્યું છે. ઉપરાંત પુરના કારણ જમીનનું ધોવાણ થવાથી પણ ખેતી લાયક જમીન ઘટી રહી છે.
ગુજરાતમાં ખેતી લાયક જમીન
| વર્ષ |
જમીન (લાખ હેક્ટર) |
| 2021-22 | 124.62 |
| 2022-23 | 123.68 |
| 2023-24 | 123.17 |
| 2024-25 | 122.38 |
ખેડૂતોની માસિક માત્ર ઘટી
ખેતી લાયક જમીન ઘટવાનું સૌથી મુખ્ય કારણ ખેતી માંથી ઓછી આવક છે. કૃષિ પાકોના ઉત્પાદન બાદ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. જેના કારણે ખેતી હવે ખોટનો ધંધો બની ગયો છે. ખેડૂતોમાં ખેતી કરવાનો ઉત્સાહ ઓછો થઇ રહ્યો છે.
આ પણ વાંચો | મોંઘવારી: કિટલી પર ચા કોફી પીવી મોંઘી થઇ, મીઠાઇ પણ કડવી લાગશે
એક બાજુ બિયારણ અને જંતુનાશકોની કિંમત વધવાની સાથે સાથે ખેત મજૂરોનું મજૂરી પણ વધી છે. ગુજરાતમાં ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક માત્ર ₹ 12,631 છે, જે આજના મોંઘવારીના સમયમાં અત્યંત ઓછી છે. આવી સ્થિતિમાં ખેડૂતોને ખેતી માંથી પુરતું વળતર ન મળતા ખેતીની જમીન વેચી રહ્યા છે.
