સુરત શહેરના પાંડેસરા ખાતે આવેલ ઇચ્છાપૂર્તિ મહાદેવ ધામ સામે ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાંથી મળી આવેલી અજાણ્યા યુવકની લાશનો ભેદ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. તપાસ દરમિયાન મૃતકની ઓળખ મિન્ટુ રામબિલાશ ઠાકુર તરીકે થઈ છે. આ ગંભીર હત્યા પાછળનું મુખ્ય કારણ પત્ની છોડીને જતી રહી હોવાની બાબતે વારંવાર કરવામાં આવતી મજાક અને અભદ્ર ટિપ્પણી હોવાનું બહાર આવ્યું છે. મૃતક મિન્ટુ ઠાકુર તેના સાથી કારીગર અને મિત્ર બ્રિજેશ કહારની પત્ની ભાગી ગઈ હોવાની મશ્કરી કરતો હતો, જે અદાવત રાખીને બ્રિજેશે પોતાના અન્ય એક મિત્ર સાથે મળીને મિન્ટુને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપી બ્રિજેશ કહારની પત્ની તેને છોડીને જતી રહી હતી, જે વાતની જાણ મિન્ટુ ઠાકુરને થઈ ગઈ હતી. મિન્ટુ છેલ્લા એક અઠવાડિયાથી નાવડી એસ્ટેટ ખાતે સાડીના કારખાનામાં હેન્ડ પ્રિન્ટનું કામ કરતો હતો. તે અવારનવાર બ્રિજેશને પત્ની બાબતે મશ્કરી કરી ત્રાસ આપતો હતો. ઘટનાના દિવસે બપોરની શિફ્ટ પૂરી કર્યા બાદ બ્રિજેશ અને મિન્ટુ સાથે જમવા બેઠા હતા. તે સમયે પણ મિન્ટુએ ફરીથી બ્રિજેશની પત્ની વિશે અભદ્ર કોમેન્ટ પાસ કરી હતી. જે બાદ બંને વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન બ્રિજેશનો મિત્ર વિજય શ્રીવાસ ત્યાં આવી પહોંચ્યો હતો અને બંને વચ્ચે પડી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આવેશમાં આવેલ મિન્ટુએ વિજયને પણ ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું.
મિન્ટુ દ્વારા સતત કરવામાં આવતી ગાળાગાળી અને અપમાનથી કંટાળીને બ્રિજેશ કહાર અને વિજય શ્રીવાસે તેને યોગ્ય સબક શીખવવાનો પ્લાન બનાવ્યો હતો. બંને જણા મન્ટુને પોતાની મોટરસાયકલ પર બેસાડીને પાંડેસરા વડોદ ગંગાબા ફાર્મથી CETP પ્લાન્ટ તરફ જતા રસ્તા પર આવેલા મહાદેવ મંદિર સામેના કાચા રસ્તે ઝાડી વાળી ખુલ્લી જગ્યામાં લઈ ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ પણ મિન્ટુએ ગાળાગાળી ચાલુ રાખતાં બ્રિજેશ અને વિજયનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 22 બાળકોના કરૂણ મોત, જાણો કેટલો ખતરનાક છે આ વાયરસ
મારમારી બાદ પણ મિન્ટુ ઠાકુર ગાળો આપવાનું બંધ કરતો નહોતો, ત્યારે ઉશ્કેરાયેલા બ્રિજેશ અને વિજયે મિન્ટુના માથામાં લોખંડની પાઈપ જમણી બાજુ, કપાળ પર, કાન પર તેમજ મોઢા અને છાતીના ભાગે પાઈપ વડે એકપછી એક સણસણતા ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓને કારણે મિન્ટુ સ્થળ પર જ લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો. મિન્ટુ બેભાન થઈને ઢળી પડતાં બંને આરોપીઓ તેને લોહીલુહાણ હાલતમાં છોડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. બાદમાં ઘટના અંગે મૃતકના મિત્ર રાજેન્દ્ર યાદવે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ડીસીપી ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો તપાસમાં જોતરાઈ હતી. ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવતાં તેમણે પત્નીની મશ્કરી અને ગાળાગાળીની અદાવતમાં જ આ કરપીણ હત્યા કરી હોવાની ગુનાની કબૂલાત કરી લીધી છે.
