અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં ગઈકાલથી પડી રહેલા અતિભારે વરસાદને કારણે સર્જાયેલી પાણી ભરાવાની સમસ્યા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે પાણીના નિકાલની ઝડપી કામગીરી ચકાસી સ્થાનિક નાગરિકોની મુશ્કેલીઓ સાંભળી હતી.
અમદાવાદ શહેરમાં છેલ્લા 48 કલાક દરમિયાન પડેલા અતિભારે વરસાદના કારણે પશ્ચિમ વિસ્તારમાં આવેલા બોપલ-ઘુમા ક્ષેત્રમાં ગંભીર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાથી સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે. આ પરિસ્થિતિને થાળે પાડવા માટે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા યુદ્ધના ધોરણે પાણીના ઝડપી નિકાલ માટે હાઈ-કેપેસિટી પંપો મૂકીને કામગીરી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં બોપલ-ઘુમા વિસ્તારમાં ગઈકાલથી અત્યાર સુધીમાં અતિભારે વરસાદ થવાના લીધે પાણી ભરાવાની સ્થિતિમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાણીના ઝડપી નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.
આજે આ સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લઈને વરસાદી પાણીના નિકાલ, રાહત તથા બચાવ… pic.twitter.com/l4Rh7H3inK
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 24, 2026
સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બોપલ-ઘુમા વિસ્તારની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ પોતે સ્થળ પર પહોંચીને વરસાદી પાણીના નિકાલની પ્રક્રિયા, રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધીને તેમની સમસ્યાઓ જાણી હતી અને તેમને ઝડપી રાહત પહોંચાડવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચો: ગુજરાત પર વરસાદી આફત, ખેડામાં કાર નાળામાં ખાબકી 4 લોકોના મોત
મુખ્યમંત્રી પટેલે સ્થળ પર હાજર ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે રાહત અને બચાવ કામગીરીમાં કોઈ પણ પ્રકારની ઢીલ ના રહે. આ કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે જરૂરી વધારાનું માનવબળ, આધુનિક સાધનો અને તમામ જરૂરી વ્યવસ્થાઓ તાત્કાલિક અસરથી ઉપલબ્ધ કરાવવાના આદેશો પણ તેમણે આપ્યા હતા જેથી નાગરિકોને વહેલી તકે મુશ્કેલીમાંથી રાહત મળી શકે.
