Ahmedabad Municipal Company Election Outcome 2026: અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી 2026 માટેના પરિણામો જાહેર થઇ રહ્યા છે. ત્યારે અમદાવાદના ચાંદખેડા વોર્ડની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસનો સફાયો થયો છે. જોકે આ વોર્ડ ચૂંટણીની શરૂઆતથી જ ચર્ચાનો વિષય રહ્યો હતો. અહીંથી કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાના માનીતા સુબોધ કુમુદને ટિકિટ અપાવી હતી જેના કારણે સ્થાનિકોએ પેરાશૂટ ઉમેદવારનો વિરોધ કર્યો હતો.
કોંગ્રેસની પેનલનો સફાયો
અમદાવાદ મહાનગરપાલિકાના ચાંદખેડા વોર્ડની ચાર બેઠક માટેના પરિણામ જાહેર થતાં ભાજપની પેનલનો વિજય થયો છે. અહીં કોંગ્રેસની પેનલનો સફાયો થયો છે. કોંગ્રેસ તરફથી અહીં રાજશ્રી વિજયકુમાર કેસરી, વર્ષા મુકેશભાઇ કટારા, સુબોધ બળદેવભાઇ કુમોદ અને સુધીરભાઇ છોટાભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા હતા.
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોનો થયો વિજય, બધા જ 48 વોર્ડના પરિણામ અપડેટ
ચાંદખેડા બેઠક પરના વિજેતા ઉમેદવાર
1. પાયલબેન વિજયભાઇ મોહનીયા
ચાંદખેડા બેઠક પર એસટી મહિલા ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ભાજપના પાયલબેન વિજયભાઇ મોહનીયા વિજયી થયા છે. તેમને 19491 મત મેળવ્યા હતા.
2. રીટા રાજેન્દ્રકુમાર પટેલ
ચાંદખેડા બેઠક પર ભાજપના રીટા રાજેન્દ્રકુમાર પટેલ સામાન્ય મહિલા ઉમેદવાર તરીકે વિજયી થયા છે. તેમને 20940 મત મળ્યા છે.
3. યશકુમાર જ્યંતીલાલ જાદવ
ચાંદખેડા બેઠક પર એસસી ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના યશકુમાર જ્યંતીલાલ જાદવનો વિજય થયો છે. તેમણે 21121 મત મેળવ્યા છે.
4. અતુલ મુન્શીલાલ મિશ્રા
ચાંદખેડા બેઠક પર સામાન્ય ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડી રહેલા અતુલ મુન્શીલાલ મિશ્રા વિજયી બન્યા છે. તેમને 21581 મત મળ્યા છે.
‘Sensational Outcome’ is not it? #chandkheda
એક વ્યક્તિ વિશેષની જીદનું પરીણામ આખી પેનલે ભોગવવું પડ્યું.#પેરાશૂટ
— Dr.Hiren Bankerr (@DrHirenBanker) April 28, 2026
સુબોધ કુમુદનો વિરોધ
ચાંદખેડા વોર્ડમાંથી સુબુધ કુમુદને ટિકિટ અપાઈ ત્યારથી જ તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. વધુમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જીગ્નેશ મેવાણીની સભાનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યાં જ ચૂંટણી પ્રચાર દરમિયાન મેવાણીની સભાનું સ્થાન પણ બદલવામાં આવ્યું હતું. કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા પેરાશૂટ ઉમેદવાર ઉતાર્યા બાદ પાર્ટીનમાં અંદરોઅંદર ખટપટ ચરમસીમાએ પહોંચી ગઈ હતી. ત્યાં જ હવે ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ પ્રવક્તા ડો. હિરેન બેન્કરે પણ પોતાના એક્સ એકાઉન્ટથી એક ટ્વીટ કરીને આડકતરી રીતે ટોણો માર્યો છે. તેઓએ પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું- એક વ્યક્તિ વિશેષની જીદનું પરીણામ આખી પેનલે ભોગવવું પડ્યું. #પેરાશૂટ.
