કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરળ વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતના લોકો વિશે કરેલી ટિપ્પણી બદલ માફી માંગી છે. તેમણે કહ્યું કે તેમની ટિપ્પણીઓને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં તેઓ પોતાનો અફસોસ વ્યક્ત કરે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખતા ખડગેએ કહ્યું, “તાજેતરમાં કેરળમાં આપેલા ચૂંટણી ભાષણમાંથી કેટલીક ટિપ્પણીઓને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમ છતાં હું સંપૂર્ણ જવાબદારી લઉં છું અને મારી દિલગીરી વ્યક્ત કરું છું. મેં હંમેશા ગુજરાતના લોકો માટે ખૂબ જ આદર રાખ્યો છે અને હંમેશા રાખીશ. ત્યાંના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો ક્યારેય ઈરાદો નહોતો.”
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં કેરળ ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે ખડગેએ એક રેલીને સંબોધિત કરી હતી જ્યાં તેમણે વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું ત્યારે વિવાદ ઉભો થયો હતો. જોકે તેમના ભાષણ દરમિયાન, તેમણે ગુજરાતના લોકોનો ઉલ્લેખ કર્યો હતો, જેના કારણે એક મોટો વિવાદ થયો હતો. ખડગેએ કહ્યું હતું કે, “મોદીજી તમે ગુજરાતના અશિક્ષિત લોકોને મૂર્ખ બનાવી શકો છો પરંતુ કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી.”
ગુજરાતીઓને ‘અભણ’ કહેતા મલ્લિકાર્જુન ખડગે પર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના આકરા પ્રહાર
ભાજપે કહ્યું- આ ‘ભાગલા પાડો અને રાજ કરો’ ની રાજનીતિ છે
મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો હતો. રવિવારે ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત અને અન્ય ઉત્તર ભારતીય રાજ્યોના લોકોને અશિક્ષિત ગણાવીને તેમનું અપમાન કર્યું છે. ભાજપે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પર ‘ભાગલા પાડો અને રાજ કરો’ ની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો.
