AAP Vijay Vishwas Sabha in Amreli : અમરેલીમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બુધવારે એક વિશાળ વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આપ જીતે તો મહિલાઓને 1,000 આપવાની જાહેરાત કરી છે. અમરેલીમાં વિજય વિશ્વાસ સભાને સંબોધતા કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર બનાવો, ગુજરાતમાં બધી મહિલાઓના ખાતામાં હજાર-હજાર રૂપિયા આવવાના શરુ થઇ જશે.
સભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે પંજાબમાં 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાના ખાતામાં 1,000 રુપિયા જમા કરવામાં આવશે. જો કોઈ ઘરમાં માતા, પુત્રવધૂ અને પુત્રી હશે તો તે પરિવારને દર મહિને 3,000 રુપિયા મળશે. વિરોધી પક્ષોએ ગાળો આપી કે મહિલાઓ બગડી જશે. મેં કહ્યું કે તમે આટલા કરોડ રૂપિયા ડકારી ગયા તમે ના બગડ્યા મહિલાઓ બગડી જશે. ત્યારબાદ કેજરીવાલે જાહેરાત કરી કે આમ આદમી પાર્ટીની સરકાર બનાવો, ગુજરાતમાં પણ બધી મહિલાઓના ખાતામાં હજાર-હજાર રૂપિયા આવવા લાગશે.
આ સભાને સંબોધતા કેજરીવાલે કહ્યું કે દ્વારકાધિશના મંદિરે લોકો દૂર-દૂરથી આશીર્વાદ લેવા માટે આવે છે. આજે હું પણ સૌરાષ્ટ્ર ભગવાનના આશીર્વાદ લેવા આવ્યો છું. દેશના વિકાસ માટે ગુજરાતના વિકાસ માટે, સુખ-સમૃદ્ધિ માટે અને જે 30 વર્ષથી ગુજરાતમાં બીજેપીએ જબરજસ્તીથી કબજો કરી રાખ્યો છે. બીજેપીનો ભ્રષ્ટાચાર, બીજેપીનું કુશાસન તેનાથી ગુજરાતના લોકોને ભગવાન મુક્તિ અપાવે તેવા આશીર્વાદ લેવા આવ્યો છું.
30 વર્ષની અંદર ભાજપના લોકોએ તમને લુંટી લીધા – કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે સૌરાષ્ટ્રમાં વિધાનસભાની 48 સીટો છે. ગત વખતે 2022માં તમે લોકોએ 40 સીટો ભાજપને આપી હતી. આથી વધારે પ્રેમ, માન-સન્માન શું આપશો. તેના બદલામાં તમને ધક્કા મળ્યા, ગાળો મળી, અપમાન મળ્યું, દંડા પડ્યા, જેલ મળી. છેલ્લા 30 વર્ષમાં ભાજપે શું આપ્યું. તમારો વોટ લઇને ભાજપના લોકો મંત્રી બની ગયા, એમએલએ બની ગયા, મોટી-મોટી ગાડીઓ આવી ગઇ, મોટા-મોટા બંગલા બની ગયા. 30 વર્ષની અંદર ભાજપના લોકોએ તમને લુંટી લીધા. એટલો ભ્રષ્ટાચાર કે રસ્તો બનાવે છે અને બે દિવસમાં તુટી જાય છે.
પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે કેજરીવાલે સામાન્ય લોકોની ભલાઇ માટે આમ આદમી પાર્ટી બનાવી. જે થોડા જ વર્ષોમાં એક નેશનલ પાર્ટી બની ગઇ છે. પંજાબમાં 10 લાખ રુપિયા સુધીની સારવાર મફત છે. કોઇ વ્યક્તિ પૈસાના કારણે સારવાર વગર રહેશે નહીં. ભાજપને લુટતા 30 વર્ષ થઇ ગયા છે. કોંગ્રેસવાળા તેની સાથે ભેગા છે. અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી તમારા દિલમાં રાજ કરે છે.
વિધાનસભામાં ખેડૂતોના પ્રશ્નો માટે સરકારને કંઇ પડી નથી – ગોપાલ ઇટાલિયા
આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ગુજરાતની જનતાએ વર્ષો સુધી ભાજપને મત આપ્યા છતાં, જનતાની સમસ્યાઓનું સમાધાન ના આવે એનું કારણ શું? વિસાવદરના જનતાના આશીર્વાદથી મને વિધાનસભામાં જનતાનો અવાજ બુલંદ કરવાનો મોકો મળ્યો, હું વિધાનસભામાં બેસું છું અને જનતાને જણાવવા માંગુ છું કે વિધાનસભામાં ખેડૂતોના પ્રશ્નો માટે સરકારને કંઇ પડી નથી, માત્ર ભાજપના નેતાઓના વખાણ કરવા સિવાય બીજું કંઈ કામ નથી.
ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર, હવે લગ્ન, મિલકત અને છૂટાછેડા માટે એક જ નિયમ
ઇશુદાન ગઢવીએ કહ્યું કે ગુજરાતની જનતા પર ભાજપે ખૂબ અન્યાય કર્યા અને હવે જનતા ભાજપને જવાબ આપવા તૈયાર છે. આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતની જનતાએ ભાજપનો સફાયો કરવાનું મન બનાવી લીધું છે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – AAP તમામ 12,000 બેઠકો પર ચૂંટણી લડશે
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા AAP પાર્ટી એક્શનમાં આવી ગઇ છે. આપ પાર્ટી તમામ 12,000 બેઠકો પર ચૂંટણી લડશે. આ અંતર્ગત 455 બેઠકોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.
