PM Narendra Modi On US Israel Iran Struggle : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે મધ્ય પૂર્વમાં યુદ્ધે ભારત માટે અભૂતપૂર્વ પડકારો ઉભા કર્યા છે, પરંતુ સરકાર સતર્ક છે અને પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મધ્ય પૂર્વમાં કટોકટી ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહી છે અને તે તમામ દેશોના અર્થતંત્ર અને જીવન પર પ્રતિકૂળ અસર કરી રહી છે.
તેમણે કહ્યું કે આ યુદ્ધે ભારત સામે અભૂતપૂર્વ પડકારો ઉભા કર્યા છે. આ પડકારો માત્ર આર્થિક જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને માનવીય પણ છે. આ સાથે પીએમ મોદીએ આ યુદ્ધમાં ભારતની ભૂમિકા અંગે પણ સ્પષ્ટતા કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “ભારતની ભૂમિકા સ્પષ્ટ છે. સંવાદ અને મુત્સદ્દીગીરી જ આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે. અમારો દરેક પ્રયાસ અને ભૂમિકા આ યુદ્ધને સમાપ્ત કરવાનો છે. વ્યાપારી જહાજો પર હુમલા અને હોર્મુઝ સ્ટ્ર્રેટ જેવા જળમાર્ગોને અવરોધિત કરવા અસ્વીકાર્ય છે, વાટાઘાટો અને કૂટનીતિ એ સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે. ”
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પર લોકસભામાં પોતાના સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત ઉર્જા અને પરિવહન માળખા પરના હુમલાઓનો વિરોધ કરી રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા વેપાર સહિત વ્યાપારી જહાજો પર હુમલા અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર વિક્ષેપ અસ્વીકાર્ય છે. ભારત ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પણ ભારતીય જહાજોને સુરક્ષિત રીતે પસાર થાય તે સુનિશ્ચિત કરવા માટે સતત રાજદ્વારી પ્રયાસો કરી રહ્યું છે. અમે હંમેશા માનવતા અને શાંતિ માટે ઉભા રહ્યા છીએ અને અમે માનીએ છીએ કે સંવાદ અને મુત્સદ્દીગીરી જ એકમાત્ર ઉકેલ છે. અમારા તમામ પ્રયાસો તણાવ ઘટાડવા અને સંઘર્ષ સમાપ્ત કરવાની દિશામાં છે. માનવ જીવન માટે કોઈ પણ ખતરો માનવતાના હિતમાં નથી અને ભારત તમામ પક્ષોને વહેલી તકે શાંતિપૂર્ણ સમાધાન સુધી પહોંચવા વિનંતી કરે છે. ”
પશ્ચિમ એશિયામાં ભારતીયોને જરૂરી મદદ આપવામાં આવી રહી છે : પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આપણે સજ્જ રહેવું પડશે અને એકજૂથ થવું પડશે, આપણે કોરોનાના સમયમાં પણ આવા પડકારોનો સામનો કર્યો છે. સંઘર્ષના સમયમાં ભારતીયોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં ભારતીય દૂતાવાસ આપણા લોકોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે. પશ્ચિમ એશિયામાં ભારતીયોને આવશ્યક સહાય આપવામાં આવી રહી છે, મેં આ ક્ષેત્રના મોટાભાગના વડાઓ સાથે બે વખત વાત કરી હતી. ”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “આવી કટોકટી દરમિયાન, કેટલાક તત્વો પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરે છે. તેથી, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે અને સુરક્ષાને વધુ મજબૂત કરવામાં આવી રહી છે. ભારતનો પ્રયાસ છે કે તમામ પક્ષો વહેલામાં વહેલી તકે શાંતિપૂર્ણ સમાધાન પર પહોંચે. વર્તમાન યુદ્ધને જોતા પડકારજનક વૈશ્વિક પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે અને આપણે સજ્જ અને એકજૂટ થવું પડશે. જેમ આપણે કોવિડ 19 મહામારીનો સામનો કર્યો છે, આપણે ફરીથી જવાબ આપવા માટે તૈયાર રહેવું પડશે. ”
પીએમ મોદીએ કહ્યું કે લગભગ એક કરોડ ભારતીયો ગલ્ફ દેશોમાં રહે છે અને કામ કરે છે. આ સિવાય સમુદ્રમાં દોડતા કોમર્શિયલ જહાજોમાં પણ ભારતીય ક્રૂ મેમ્બર્સની સંખ્યા ઘણી વધારે છે. આ જ કારણ છે કે ભારતની ચિંતા વધારે છે. એટલા માટે જરૂરી છે કે ભારતની સંસદમાંથી એક સંગઠિત, એકમથી અવાજ વિશ્વ સમક્ષ જાય. તેમણે કહ્યું કે આ યુદ્ધની શરૂઆતથી અસરગ્રસ્ત દેશોને જરૂરી મદદ આપવામાં આવી રહી છે.
ખેતી અને ખેડૂતો પર શું અસર થશે?
પીએમ નરેન્દ્ર મોદીએ સંસદમાં જણાવ્યું કે, ભૂતકાળમાં પણ આપણી સરકારોએ વૈશ્વિક કટોકટીનો બોજ ખેડૂતો પર પડવા દીધો નથી. કોરોના સમયગાળા દરમિયાન પણ વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ખલેલ આવી હતી. વિશ્વ બજારમાં યુરિયાની એક બોરીની કિંમત 3,000 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. પરંતુ ભારતમાં આ જ બોરી ખેડૂતોને 300 રૂપિયાથી પણ ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
Talking within the Lok Sabha. https://t.co/BIrR385m4O
— Narendra Modi (@narendramodi) March 23, 2026
દેશના ખેડૂતોને આવા સંકટથી બચાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક પગલાં લેવામાં આવ્યા છે. છેલ્લા એક દાયકામાં દેશમાં 6 યુરિયા પ્લાન્ટ કાર્યરત થયા છે, જેનાથી યુરિયા ઉત્પાદન ક્ષમતામાં વાર્ષિક 76 લાખ મેટ્રિક ટનથી વધુનો વધારો થયો છે. ડીએપી અને એનપીકેએ ઘરેલું ખાતરના ઉત્પાદનમાં પણ 50 લાખ મેટ્રિક ટનનો વધારો થયો છે. એટલું જ નહીં, તેલ અને ગેસની આયાતની જેમ ખાતરની આયાતને પણ વૈવિધ્યીકરણ કરવામાં આવ્યું છે.
PM નરેન્દ્ર મોદીના ભાષણના 5 મુખ્ય મુદ્દા
- PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે ક્રૂડ ઓઈલ, ગેસ અને ખાતર જેવી આવશ્યક ચીજવસ્તુઓ મોટી માત્રામાં હોર્મુઝ સ્ટ્રેટ રસ્તે ભારત આવે છે. યુદ્ધ પછી, હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર ખૂબ જ પડકારજનક બની ગઈ છે. આમ હોવા છતાં, અમારી સરકારનો એ પ્રયાસ રહ્યો છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પુરવઠો વધુ અસરગ્રસ્ત ન થાય અને દેશના સામાન્ય પરિવારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે.
- વડાપ્રધા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત હંમેશા માનવતાનાં હિતમાં શાંતિનો અવાજ ઉઠાવતું રહ્યું છે. સંવાદ અને મુત્સદ્દીગીરી જ આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે. અમારા પ્રયાસો તણાવ ઘટાડવા અને આ સંઘર્ષનો અંત લાવવાના છે. આ યુદ્ધમાં કોઈના જીવન સામે જોખમ માનવતાના હિતમાં નથી, તેથી ભારતનો પ્રયાસ છે કે તમામ પક્ષોને વહેલામાં વહેલી તકે શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે.
- તેમણે કહ્યું કે આ યુદ્ધને કારણે વિશ્વમાં સર્જાયેલી મુશ્કેલ પરિસ્થિતિઓની અસર લાંબા સમય સુધી રહી શકે છે. તેથી આપણે તૈયાર અને એક થવું પડશે. કોરોના કાળમાં પણ આપણે સાથે મળીને આવા પડકારોનો સામનો કર્યો છે. હવે આપણે ફરીથી તૈયાર રહેવાની જરૂર છે.
- પીએમ મોદીએ કહ્યું કે યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં 3,75,000 થી વધુ ભારતીયો પરત ફર્યા છે. અત્યાર સુધીમાં લગભગ એક હજાર ભારતીયો ઈરાનથી સલામત રીતે પરત ફર્યા છે. જેમાંથી 700થી વધુ મેડિકલના વિદ્યાર્થીઓ છે.
- CBSE એ ગલ્ફ દેશોમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા રદ કરી દીધી છે. સીબીએસઈ આ બાળકોનું શિક્ષણ અવિરત ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલાં લઈ રહ્યું છે. સરકાર સંવેદનશીલ છે, સતર્ક છે અને તમામ મદદ આપવા માટે તૈયાર છે.
