Final Up to date:
ભારત સરકારે 2026 સુધીમાં 54 સોલાર પાર્કને મંજૂરી આપી છે, જેમાં 7 ગુજરાતમાં છે. 12,150 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નમાં કેન્દ્રીય ઊર્જા રાજ્યમંત્રીએ આ માહિતી આપી હતી.
ગુજરાત: ભારત સરકારે 28 ફેબ્રુઆરી, 2026 સુધીમાં “સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 54 સોલાર પાર્કને મંજૂરી આપી છે. આમાંથી, 7 સોલાર પાર્ક ગુજરાતમાં છે. આ યોજના હેઠળ 12,150 મેગાવોટ (MW) મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા સાથે ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. જે અંગેની માહિતી આજે 10 માર્ચ, 2026 ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નનો લેખિત જવાબમાં કેન્દ્રીય ઊર્જા રાજ્યમંત્રી શ્રીપાલ યેસો નાઈકે આપી હતી. નોંધનીય છે કે,
પરિમલ નથવાણીએ અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ યોજના હેઠળ વિકસિત અથવા વિકસાવવામાં આવી રહેલા સોલાર પાર્કની સંખ્યા, દેશમાં આ સોલાર પ્રોજેક્ટ્સની મદદથી ઊર્જા ઉત્પાદનના લક્ષ્યાંકોની વિગતો અને આ યોજનાના અમલીકરણમાં આવતા મુખ્ય પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે જાણવા માંગતા હતા. જેના જવાબમાં કેન્દ્રીય ઊર્જા રાજ્યમંત્રી શ્રીપાલ યેસો નાઈકે વિગતવાર માહિતી આપી હતી.
કેન્દ્રીય ઊર્જા રાજ્યમંત્રીએ આપેલી માહિતી અનુસાર, “સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 54 સોલાર પાર્કને મંજૂરી આપી છે. આ 54 સોલાર પાર્કની કુલ મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા 39,188 મેગાવોટ છે. જેમાંથી 7 સોલાર પાર્ક ગુજરાતમાં છે. આ 7 સોલાર પાર્ક થકી 12,150 મેગાવોટ (MW) મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા સાથે ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. ગુજરાત પછી, રાજસ્થાન 10,726 મેગાવોટની મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા કુલ 11 સોલાર પાર્ક સાથે બીજા ક્રમે છે.
નથવાણીના પ્રશ્ન બાદ કેન્દ્રીય ઊર્જા રાજ્યમંત્રીએ પ્રોજેક્ટ્સના અમલીકરણમાં આવતી મુશ્કેલીઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, સોલાર પાર્ક યોજના સહિત સૌર ઊર્જા પ્રોજેક્ટના અમલીકરણમાં આવતા મુખ્ય પડકારોમાં મુખ્યત્વે જમીન સંપાદન, ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સના વિકાસ માટેની સમયરેખા સાથે તાલમેલ સાધવો, અને ટેરિફ અપનાવવામાં વિલંબ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે, મંત્રાલય સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય હિતધારકો સાથે નિયમિત બેઠકો અને વાતચીત દ્વારા આ પડકારોને હળવા કરવા માટેના તમામ જરૂરી પ્રયાસો કરી રહ્યું છે.
| ક્રમ નં. | પાર્કનું નામ | મંજૂર ક્ષમતા (મેગાવોટ) |
| 1 | રાધાનેસડા (Radhnesada) સોલાર પાર્ક, બનાસકાંઠા જિલ્લો | 700 |
| 2 | ધોલેરા સોલાર પાર્ક, અમદાવાદ જિલ્લો | 1,000 |
| 3 | NTPC RE પાર્ક, કચ્છ જિલ્લો | 4,750 |
| 4 | GSECL RE પાર્ક, કચ્છ જિલ્લો | 3,325 |
| 5 | GIPCL RE પાર્ક ફેઝ-I, કચ્છ જિલ્લો | 600 |
| 6 | GIPCL RE પાર્ક ફેઝ-II, કચ્છ જિલ્લો | 1,200 |
| 7 | GIPCL RE પાર્ક ફેઝ-III, કચ્છ જિલ્લો | 575 |
Ahmedabad,Gujarat

