PM Modi Gujarat go to : ગુજરાતના સાણંદ ખાતે ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. આ પ્લાન્ટ શરૂ થતા ભારત સેમિકન્ડક્ટર મામલે આત્મનિર્ભર બની વૈશ્વિક બજારમાં અગ્રણી સ્થાન હાંસલ કરી શકે છે. આ સાથે સેમિકન્ડક્ટર બજારમાં ચીન અને તાઇવાનનું વર્ચસ્વ ઘટશે. પીએમ મોદીએ સાણંદમાં રોડ શો યોજ્યો હતો. વડાપ્રધાનને આવકારવા માટે રોડ શોના રૂટની બન્ને બાજુ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં જંગી રોકાણ અને રોજગારી સર્જન
ગુજરાતના સાણંદમાં ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આ પ્લાન્ટ સ્થાપવા માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ 22,516 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કર્યું છે. તે એક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટ છે. આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થતા ટેકનોલોજી અને AIની દુનિયામાં ભારત હરણફાળ ભરવામાં સક્ષમ બનશે.
આ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં સોલિડ સ્ટેટ ડ્રાઇવ જેવી સ્ટોરેજ ડિવાઇસ અને DRAM અને NAND જેવા મેમેરી પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે. શરૂઆતના તબક્કામાં આ પ્લાન્ટથી 2000 લોકોને રોજગારી મળશે, સંપૂર્ણ કાર્યરત થતા 5000 લોકોને રોજગારી આપશે.
ભારતમાં સેમિકન્ડક્ટરની જંગી આયાત
ભારત સેમિકન્ડક્ટર મામલે હજી સુધી આયાત પર નિર્ભર છે. ચીન અને તાઇવાન દુનિયામાં સેમિકન્ડક્ટરના સૌથી મોટા ઉત્પાદક છે. પ્રાથમિક આંકડા મુજબ ભારતમાં સેમિકન્ડક્ટરનું બજાર વર્ષ 2025માં લગભગ 45 થી 54 અજ ડોલરે પહોંચ્યું હતું. ભારત 90 ટકાથી વધુ સેમિકન્ડક્ટર અને તેના પાર્ટ્સની જરૂરિયાત ચીન, તાઇવાન, દક્ષિણ કોરિયામાંથી આયાત કરીને સંતોષે છે.
આ પણ વાંચો – ગુજરાતના શહેરો થશે વાયરો મુક્ત, ગામડાઓને પણ મળશે કચરાથી મુક્તિ: સરકારના બે મિશન
ભારતમાં મોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ અને ડિફેન્સ પ્રોડક્ટ્સના વધતા ઉત્પાદન સાથે ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ વર્ષ 2030 સુધીમાં 100 અબજ ડોલરે પહોંચવાનો અંદાજ છે. પ્રાથમિક આંકડા મુજબ ભારતે વર્ષ 2024માં 6.1 અબજ ડોલરની મૂલ્યના સેમિકન્ડક્ટર ડિવાઇસની આયાત સાથે દુનિયાનો પાંચમો સૌથી મોટો આયાતકાર દેશ હતો.
