Final Up to date:
Viral Information: ઈન્ટરનેટની દુનિયામાં ઘણી મહિલાઓ સાથે એવું બની રહ્યું છે કે, જેની કહાની સાંભળતા જ તમારું હૃદય ધ્રુજી જાય. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ઓનલાઈન વેબસાઈટ્સ પર ‘પિઝા’ની જેમ મહિલાઓને વેચવામાં આવી રહી છે, જેમાં તેમને જાણ કર્યા વગર સોદો કરવામાં આવે છે, અને તેનાથી ઘણા એવા ગુનેગારો છે જે ખુલ્લેઆમ આવો ગંદો ધંધો કરીને પૈસા કમાય છે.
આધુનિક યુગમાં ઈન્ટરનેટની દુનિયા જેટલી સુવિધાજનક છે, તેટલી જ તે અંધારી અને ડરામણી બની રહી છે. હાલમાં જ ‘ઇન્ડિપેન્ડન્ટ એન્ટી-સ્લેવરી કમિશનર (IASC)’ના એક રિપોર્ટે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આજના ડિજિટલ યુગમાં હજારો મહિલાઓને ‘પિઝા’ની જેમ ઓનલાઈન વેબસાઈટ્સ પર વેચવામાં આવી રહી છે. ગુનેગારો માટે આ વેબસાઈટ્સ એક એવું હથિયાર બની ગઈ છે, જ્યાં તેઓ કોઈ પણ ડર વગર મહિલાઓનો સોદો કરે છે અને તેમના શોષણથી કરોડો રૂપિયા કમાય છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ ‘પિમપિંગ વેબસાઈટ્સ’ પર લોકોની પહોંચ રોકવા માટે કોઈ કડક વ્યવસ્થા નથી.
આ નર્ક જેવી જિંદગીમાંથી પસાર થયેલી એક પીડિતાએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, ‘મેં મારા શરીર પર ટેટૂ એટલે બનાવડાવ્યા છે કે, જો કોઈ ગ્રાહક મારી હત્યા કરી નાખે, તો ઓછામાં ઓછી મારા મૃતદેહની ઓળખ તો થઈ શકે. અન્ય એક મહિલાએ આને સમાજ માટે શરમજનક ગણાવતા કહ્યું કે, પુરુષો ઓનલાઈન એવી રીતે મહિલાઓની ખરીદી કરી રહ્યા છે જાણે કોઈ પિઝા ઓર્ડર કરી રહ્યા હોય.’ કમિશનર એલેનોર લિયોને પોતાની તપાસમાં જે તારણો કાઢ્યા છે તે ધ્રુજારી લાવી દે તેવા છે. તપાસમાં 12 વેબસાઈટ્સ પર આશરે 63,000 જાહેરાતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું, અને 10માંથી 6 જાહેરાતોમાં માનવ તસ્કરી અને ગંભીર શોષણના સ્પષ્ટ સંકેતો મળ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે, માત્ર એક મહિનામાં આ 12 વેબસાઈટ્સ પર 4 કરોડથી વધુ લોકો વિઝિટ કરે છે. ગ્રાહકો પોતાની સાચી ઓળખ છુપાવીને અહીંયા પહોંચે છે, અને મહિલાઓને એક ‘પોડક્ટ’ની જેમ પસંદ કરવામાં આવે છે.
ઘણા કિસ્સાઓમાં ગુનેગારો પોતે જ મહિલાઓના નામે ગ્રાહકો સાથે વાત કરે છે અને સોદો નક્કી કરે છે. પીડિત મહિલાઓને ખબર હોતી નથી કે, તેમના નામે ગ્રાહકોને કેવા વચનો આપવામાં આવ્યા છે. જો કોઈ મહિલા ગ્રાહકને મળવાની ના પાડે, તો તેને બળાત્કાર અથવા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. સર્વાઈવર મિયા ડે ફાઓઈટે જણાવ્યું કે આ એક ‘સુપરમાર્કેટ’ જેવું છે, જ્યાં તમે તમારી પસંદગી મુજબ કોઈ પણ ઉંમર કે નસ્લની મહિલાને પસંદ કરી શકો છો. તસ્કરીનો શિકાર બનેલી મહિલાઓની મદદ કરતી સંસ્થા તારા (TARA) મુજબ, આ વેબસાઈટ્સ પર જાહેરાત આપતી મહિલાઓ મોટાભાગે બેઘર અને આઘાતમાં હોય છે. આ ધંધામાંથી કોઈપણ કમાણી કરતી નથી, તેમાંથી મળતો બધો જ નફો ગુનેગારોનાં ખિસ્સામાં જાય છે.
બ્રિટિશ સુરક્ષા મંત્રી જેસ ફિલિપ્સે ચેતવણી આપી છે કે, ‘અમે જાણીએ છીએ કે આ સાઈટ્સ શું કરી રહી છે અને હવે અમે તેમની પાછળ છીએ. બ્રિટિશ વડાપ્રધાને પણ જાહેરાત કરી છે કે, ટેક કંપનીઓએ 48 કલાકની અંદર આવી વાંધાજનક જાહેરાતો અને તસવીરો હટાવવી પડશે. કમિશનરે હવે સરકાર પાસે માંગ કરી છે કે, આ સાઈટ્સ પર ઉંમરની ચકાસણી (Age Verification) ફરજિયાત કરવામાં આવે અને ઓનલાઈન સુરક્ષા કાયદાઓને વધુ કડક બનાવવામાં આવે.
Feb 28, 2026 10:39 AM IST

