Final Up to date:
Weight Loss Surgical procedure: આજના સમયમાં બદલાતી જીવનશૈલી અને ખોટા ખાનપાનને કારણે મોટાપાની સમસ્યા રોગચાળાની જેમ ફેલાઈ રહી છે. કરોડો લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે, અને મોટાપો માત્ર વજન વધવા પૂરતો મર્યાદિત નથી, જેનાથી ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ થાય છે. જીમમાં કલાકો સુધી પરસેવો પાડવા છતાં કે કડક ડાયટ કરવા છતાં વજન ઘટતું નથી, ત્યારે મેડિકલ સાયન્સમાં ‘બેરિયાટ્રિક સર્જરી’ (Bariatric Surgical procedure) એક અસરકારક વિકલ્પ તરીકે ઉભરી આવે છે.
મોટાપાની સમસ્યા દુનિયાભરમાં ઝડપથી વધી રહી છે અને કરોડો લોકો તેનો શિકાર બની ચૂક્યા છે. મોટાપો પોતે કોઈ રોગ નથી, પરંતુ તે અનેક ગંભીર બીમારીઓનું મૂળ છે. મોટાપાને કારણે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ અને સ્લીપ એપનિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે. જ્યારે ડાયટ, કસરત અને દવાઓથી વજન ઓછું થતું નથી, ત્યારે ડોક્ટરો વેઈટ લોસ સર્જરી એટલે કે બેરિયાટ્રિક સર્જરીની સલાહ આપે છે. અવારનવાર લોકોના મનમાં સવાલ હોય છે કે, વેઈટ લોસ સર્જરી શું હોય છે, તે કેવી રીતે કામ કરે છે, તેની કેટલી અસર થાય છે અને તેમાં કેટલો ખર્ચ થાય છે? તો ચાલો જાણી લઈએ તમામ સવાલોના જવાબ….
નવી દિલ્હીના સર ગંગારામ સિટી હોસ્પિટલના પ્લાસ્ટિક એન્ડ કોસ્મેટિક સર્જન ડો. રમણ શર્માએ News18ને જણાવ્યું કે, વજન ઘટાડવા માટે બેરિયાટ્રિક સર્જરી કરવામાં આવે છે. આમાં ગેસ્ટ્રિક બાયપાસ, સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી અને એડજસ્ટેબલ ગેસ્ટ્રિક બેન્ડિંગ સામેલ છે. ગેસ્ટ્રિક બાયપાસમાં પેટનું કદ નાનું કરી દેવામાં આવે છે અને આંતરડાના અમુક હિસ્સાને બાયપાસ કરવામાં આવે છે, જેથી ઓછું ખાવાથી જ પેટ ભરાઈ જાય છે. આનાથી કેલરીનું શોષણ પણ ઓછું થાય છે. સ્લીવ ગેસ્ટ્રેક્ટોમીમાં પેટનો મોટો ભાગ કાઢી નાખવામાં આવે છે, જેથી ભૂખ ઓછી લાગે છે. ગેસ્ટ્રિક બેન્ડિંગમાં પેટના ઉપરના ભાગ પર એક બેન્ડ લગાવવામાં આવે છે, જેથી ખાવાની માત્રા સીમિત થઈ જાય છે. આ તમામ પદ્ધતિઓથી મોટાપા સામે ઝઝૂમી રહેલા લોકોનું વજન ઘણું ઓછું થઈ જાય છે.
ડોક્ટર રમણ શર્માએ જણાવ્યું હતું કે, બેરિયાટ્રિક સર્જરીથી લોકોનું વજન આશરે 30થી 40 ટકા સુધી ઘટાડી શકાય છે. આ સર્જરી પછી ઘણા દર્દીઓમાં ટાઇપ-2 ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓમાં પણ સુધારો જોવા મળે છે. જોકે આ કોઈ જાદુઈ ઉપાય નથી. સર્જરી પછી પણ દર્દીએ કડક ડાયટ પ્લાન, નિયમિત વ્યાયામ અને ડોક્ટરની ફોલો-અપ સલાહનું પાલન કરવું જરૂરી હોય છે, નહીંતર વજન ફરી વધી શકે છે. દરેક સર્જરીની જેમ બેરિયાટ્રિક સર્જરીના પણ કેટલાક જોખમો હોય છે. તેનાથી બચવા માટે ડોક્ટરો સર્જરી પછી નિયમિત સપ્લિમેન્ટ્સ લેવાની અને સમયાંતરે તપાસ કરાવવાની સલાહ આપે છે.
ખર્ચની વાત કરીએ તો, ભારતમાં વેઈટ લોસ સર્જરીનો ખર્ચ હોસ્પિટલ, શહેર અને સર્જરીના પ્રકાર અનુસાર અલગ-અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે આનો ખર્ચ અંદાજે 2 લાખથી 6 લાખ રૂપિયા સુધી થઈ શકે છે. કેટલીક મોટી ખાનગી હોસ્પિટલોમાં આ ખર્ચ તેનાથી વધુ પણ હોઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી મોટાપા સાથે જોડાયેલી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓના આધારે આ સર્જરીને કવર કરે છે, પરંતુ તેના માટે શરતો લાગુ હોય છે. વેઈટ લોસ સર્જરી એવા લોકો માટે એક વિકલ્પ છે, જેઓનો બોડી માસ ઇન્ડેક્સ (BMI) ખૂબ વધારે છે અને જેમના સ્વાસ્થ્ય પર મોટાપાની ગંભીર અસર પડી રહી છે.
Disclaimer
(અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)

