Final Up to date:
ભરૂચમાં વર્ષ 2018માં 601 કિલો ગાંજા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે કોર્ટ દ્વારા ચારેય આરોપીઓને 15 વર્ષની જેલની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ભરૂચ: જૂન 2018ના રોજ ભરૂચના ઝાડેશ્વર ચોકડી પરથી થયેલી કાર્યવાહીમાં મોટો ચુકાદો સ્પેશિયલ કોર્ટે આપ્યો છે. ભરૂચમાં NCB દ્વારા 601.33 કિલોગ્રામ ગાંજો ઝડપવાના કેસમાં NDPS કોર્ટે ચાર આરોપીઓને દોષિત જાહેર કરી દરેકને 15 વર્ષની સખત કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બનાવ અંગે હકીકત એવી છે કે NCBના અમદાવાદ ઝોનલ યુનિટને મળેલી ચોક્કસ બાતમીના આધારે અધિકારીઓએ ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં દરોડો પાડી વિશાળ માત્રામાં ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન ચાર આરોપીઓને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા અને સાથે ત્રણ વાહન જેમાં એક ટાટા ટ્રક, હ્યુન્ડાઈ વર્ના કાર અને હીરો સ્કૂટી પણ કબજે કરવામાં આવ્યા હતા. સ્થળ પરથી ઝડપાયેલા આરોપીઓમાં ઉત્તર પ્રદેશના પ્રમોદ કુમાર અને શિશુપાલ, ભરૂચના મનીષ હરીશભાઈ અને ઓડિશાના કમલ લોચન શામલની ધરપકડ કરવામાં આવી. બાદમાં આરોપીઓની પૂછપરછ કરતા તપાસમાં ખુલ્યું હતું કે આરોપીઓ આંતરરાજ્ય સ્તરે ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા હતા અને મોટા પાયે નશીલા પદાર્થોની હેરાફેરી કરતા હતા.
આ મામલે ડિસેમ્બર 2018માં NCB દ્વારા ફરિયાદ નોંધવામાં આવી અને કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો. જેની સુનાવણીમાં સ્પેશિયલ કોર્ટમાં લાંબી ચાલેલી સુનાવણી બાદ 11 ફેબ્રુઆરી બુધવારના રોજ તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં લઈને ચારેય આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. જેમાં NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ કોર્ટે દરેક આરોપીને 15 વર્ષની સખત કેદની સજા અને ₹1 લાખનો દંડ ફટકાર્યો છે.
ઉલ્લેખનીય છે કે જપ્ત કરાયેલો ડ્રગ્સનો જથ્થો ટ્રાયલ પૂર્વે જ કોર્ટના આદેશ મુજબ નષ્ટ કરવામાં આવ્યો હતો અને ત્રણેય વાહનોનો હરાજી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે. NCBના અધિકારીઓનું માનવું છે કે આ ચુકાદાથી ડ્રગ ટ્રાફિકિંગ સામે લડવામાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે. સાથે જ “ડ્રગ ફ્રી ઈન્ડિયા (નશા મુક્ત ભારત)”ના લક્ષ્યને સિદ્ધ કરવા એજન્સી સતત સક્રિય રહેશે. જોકે આગામી સમયમાં પણ ડ્રગ નેટવર્ક્સને તોડવા NCB દ્વારા કડક કાર્યવાહી થશે. NCB દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે નશીલા પદાર્થોના વેચાણ, વહન અથવા વેપાર સંબંધિત કોઈપણ માહિતી MANAS – નેશનલ નાર્કોટિક્સ હેલ્પલાઈન 1933 પર આપી શકે છે. જોકે આવી જાણકારી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવતી હોય છે.
Bharuch,Gujarat
Feb 11, 2026 11:00 PM IST

