Final Up to date:
સુરતના ચિરાગ ગોટી પર ડ્રગ્સ, ઉઘરાણી, મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી સહિત અનેક ગુનાઓના આરોપો છે. પોલીસ તેની કાળી કરતૂતોની તપાસ કરી રહી છે. ચિરાગના આતંકથી અનેક લોકો ભોગ બન્યા છે, અને તેના ગુનાઓના વધુ ખુલાસા સામે આવી રહ્યા છે.
સુરત: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલો કુખ્યાત ચિરાગ ગોટી હવે પોલીસ તપાસમાં એક પછી એક ગંભીર ગુનાઓ સાથે સામે આવી રહ્યો છે. મિત્રની કારમાં ડ્રગ્સ મૂકવાના કેસથી લઈને કરોડોની ઉઘરાણી, મારપીટ અને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી સુધીના અનેક આરોપો તેના પર લાગેલા હોવાની વિગતો હાલ સામે આવી રહી છે. ત્યારે ચિરાગ ગોટીના આતંકથી અનેક લોકો ભોગ બન્યા હોવાના ખુલાસાઓ થતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો, આજથી 10 મહિના અગાઉ સુરત શહેરની સિંગણપોર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઓઇલના વેપારી અલ્પેશ મિયાણીની 7.87 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. જે કેસની તપાસમાં પકડાયેલા વેપારી અલ્પેશ મિયાણીને તેના જ ભૂતપૂર્વ ધંધાના ભાગીદાર ચિરાગ ગોટીએ આ આખું ષડયંત્ર રચ્યું હોવાનું ખુલ્યું હતું.
પોલીસ અનુસાર, ચિરાગ ગોટી અને અલ્પેશ મિયાણી બંને મિત્રો અને ધંધામાં પાર્ટનર હતા, જોકે બંને વચ્ચે કોઈ વાતને લઈને ભાગીદારી છૂટી કરવાની વાતને લઈને વિવાદ થયો હતો. જેથી રોષમાં આવીને ચિરાગ ગોટીએ અન્ય વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મેળવી પોતાના મિત્રની કારમાં મૂકી તેને ફસાવ્યો હતો. બાદમાં ચિરાગ ગોટી નેપાળ ભાગી ગયો હતો અને બનાવના 8-10 મહિનાથી તે ફરાર જ હતો, જોકે તાજેતરમાં તે પોલીસ સમક્ષ હાજર થતાં તેને સુરત કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેની વધુ કાળી કરતૂતો બહાર આવી રહી છે.
હાલ આ સમગ્ર મામલે ભોગ બનનાર અલ્પેશ મિયાણીનો ભાઈ કિશોર મિયાણી પણ મીડિયા સમક્ષ આવ્યો છે અને તેણે ચિરાગ ગોટી સામે ગંભીર ફરિયાદ નોંધાવી છે. અલ્પેશ મિયાણી ભોગ બનનાર હોવા છતાં, જ્યારે કિશોર મિયાણીએ આરોપી ચિરાગ ગોટીના ભાઈની ધરપકડ અંગેની પ્રેસ સોશિયલ મીડિયામાં મૂકી, ત્યારે ચિરાગ ગોટી ગુસ્સે ભરાયો અને કિશોર મિયાણીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ બાબતે પણ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા આ કેસમાં ચિરાગ ગોટીની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.
આટલું જ નહીં, આ મામલાની સાથે સાથે ચિરાગ ગોટીના આતંકના અન્ય ભયાનક ખુલાસા પણ સામે આવ્યા છે. ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા જીગ્નેશ વ્યાસ નામના વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે, તેઓએ અન્ય બે ચાર વેપારીઓ બે કરોડ રૂપિયા જેટલી કિંમતનો ડાયમંડનો માલ લીધો હતો અને સિક્યોરિટી પેટે મેં મારા પ્લોટ આપ્યા હતા. જે કેસમાં પણ યુવરાજ જાદવ નામના એક એડવોકેટ અને ચિરાગ ગોટી સહિતના લોકોએ સાથે મળીને 23 કરોડ રૂપિયા દબાવી રાખ્યા છે. જ્યારે જીગ્નેશ વ્યાસ પોતાના પૈસા પરત માંગે ત્યારે ચિરાગ ગોટી રિવોલ્વર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.
હાલ આ મામલે જીગ્નેશ વ્યાસે મીડિયા સમક્ષ વીડિયો સહિતના પુરાવા રજૂ કરી આખી ઘટના જણાવી છે. જીગ્નેશ વ્યાસે પોતાની સાથે થયેલી યાતનાનો વીડિયો જાહેર કર્યો છે, જેમાં તે રડતી આંખે વારંવાર માફી માંગતો નજરે પડે છે. છતાં પણ ચિરાગ ગોટી દ્વારા તેની સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું અને સતત મારપીટ કરવામાં આવી રહી છે. વીડિયોમાં ચિરાગ ગોટી નિર્દયતાથી માર મારતો અને મારી નાખવાની ધમકી આપતો દેખાય છે, જેને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
આમ, ચિરાગ ગોટીના નામે સુરત શહેરમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. એક પછી એક ભોગ બનનારાઓ આગળ આવી રહ્યા છે, જેનાથી આ મામલો વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. ત્યારે આ તમામ ગંભીર ગુનાઓને ધ્યાનમાં રાખીને એસઓજી પીઆઇને સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી છે. પોલીસ હવે ચિરાગ ગોટીના ક્રાઇમ નેટવર્ક, તેના સંપર્કમાં રહેલા અન્ય લોકો અને અગાઉ થયેલા ગુનાઓની પણ તપાસ કરી રહી છે. પોલીસ માટે આ કેસ હવે માત્ર એક વ્યક્તિનો નહીં પરંતુ એક આખા ગુંડાગીરીના નેટવર્કનો બની ગયો છે. જેથી આગામી દિવસોમાં પોલીસ તપાસમાં આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે.
‘સુરતના ડોન’ ચિરાગ ગોટીનો વધુ એક વીડિયો! સોફા પર બેસી, પગ પર પગ ચઢાવી ફિલ્મી સ્ટાઈલમાં ભાઈગીરી કરતો જોવા મળ્યો

