Final Up to date:
મોબાઈલથી લઈને ઘણી નાની-નાની વસ્તુઓમાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે આ વસ્તુઓ બગડી જાય છે, ત્યારે આપણે તેને ફેંકી દઈએ છીએ, પરંતુ તમે ક્યારેય વિચાર્યું કે, આ વેસ્ટમાં કિંમતી ખજાનો છે, જેના માટે આપણે તેને રાખી મુકવો જોઈએ? એક વ્યક્તિએ સોનાના વધતા ભાવ વચ્ચે દિમાગ દોડાવીને ફેંકી દીધેલા ઈલેક્ટ્રોનિક વેસ્ટમાંથી ગોલ્ડનો ખજાનો કાઢ્યો છે.
SIM card In Gold: આજના ડિજિટલ યુગમાં જેને આપણે ‘કચરો’સમજીને ફેંકી દઈએ છીએ, ક્યારેય વિચાર્યું છે કે, તેની અંદર કિંમતી ખજાનો છુપાયેલો હોઈ શકે છે? સાંભળીને નવાઈ લાગશે, પણ આ બિલકુલ સત્ય છે. ચીનના ગ્વાંગડોંગ (Guangdong)માં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક બ્લોગરે હાલમાં જ સિમ કાર્ડ અને ઈલેક્ટ્રોનિક વેસ્ટ (E-Waste) સાથે એવો પ્રયોગ કર્યો છે, જેણે આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. આ બ્લોગરે દાવો કર્યો છે કે, તેણે હજારો નકામા સિમ કાર્ડ અને કોમ્યુનિકેશન ચિપ્સને રિફાઈન કરીને 191.73 ગ્રામ શુદ્ધ સોનું કાઢ્યું છે. જો તેની શુદ્ધતા 24 કેરેટ હોય, તો આજના ભાવ મુજબ તેની કિંમત 31 લાખ રૂપિયાથી પણ વધુ થાય છે.
બ્લોગર દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે તેણે કેમિકલ્સ અને તેજાબની મદદથી સિમ કાર્ડના નાના ટુકડાઓમાંથી સોનું અલગ કર્યું. વીડિયોમાં ‘એસિડ’ અને વીજળીના ઝટકા જેવી ખતરનાક વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. એક યુઝરે લખ્યું હતું કે, ‘દસ વર્ષ સુધી નોકરી કરવા કરતા એક વર્ષ સુધી ભંગાર ભેગો કરવો સારો.’ ઘણા લોકો તો બ્લોગર પાસેથી આ ટેકનિક શીખવા માટે તેના ‘ચેલા’ બનવાની ઓફર કરવા લાગ્યા છે.
જાણકારોના મતે, એક સિમ કાર્ડ ચિપમાં સોનાની માત્રા અત્યંત અલ્પ હોય છે. આ હિસાબે 191 ગ્રામ સોનું કાઢવા માટે લગભગ 4 લાખ સિમ કાર્ડની જરૂર પડે. વિવાદ વધતો જોઈ બ્લોગરે બાદમાં સ્વીકાર્યું હતું કે, તેણે માત્ર ‘સામાન્ય સિમ કાર્ડ’નો ઉપયોગ નહોતો કર્યો. તેણે સ્પષ્ટ કર્યું કે, આ સોનું ટેલિકોમ સેક્ટરમાંથી નીકળેલા જૂના અને ખાસ પ્રકારના કચરામાંથી કાઢવામાં આવ્યું હતું, જેના પર સોનાનું મજબૂત સ્તર ચઢાવેલું હતું. બ્લોગરે સફાઈ આપતા કહ્યું કે,’હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ ઘરે બેસીને સિમ કાર્ડમાંથી સોનું કાઢવાની કોઈ સામાન્ય રમત નથી. હકીકતમાં નકામી ઈલેક્ટ્રોનિક વસ્તુઓમાંથી કિંમતી ધાતુઓ કાઢવી એ એક પ્રોફેશનલ કામ છે. મારા વીડિયોનો અસલી હેતુ બસ એ બતાવવાનો હતો કે, જે કચરો આપણે ફેંકી દઈએ છીએ તેની કેટલી કિંમત હોઈ શકે છે. હું કોઈ ખોટી અફવા ફેલાવવા માંગતો નહોતો.બ્લોગરે જણાવ્યું કે તેની પાસે આ માટે જરૂરી સાધનો અને વર્ષોનો અનુભવ હતો.’
નિષ્ણાતોએ લોકોને ચેતવણી આપતા કહ્યું છે કે, સિમ કાર્ડ કે ચિપ્સમાંથી સોનું કાઢવાની પ્રક્રિયામાં વપરાતા રસાયણો અત્યંત ખતરનાક છે. આ પ્રક્રિયા દરમિયાન નીકળતા ઝેરી ગેસ માત્ર ફેફસાને નુકસાન જ પહોંચાડતા નથી, પરંતુ આસપાસના વાતાવરણને પણ પ્રદૂષિત કરે છે. કોઈપણ સુરક્ષા સાધનો કે વૈજ્ઞાનિક તાલીમ વગર ઘરે આવો પ્રયોગ કરવો એ મોટી દુર્ઘટના અથવા મોતને આમંત્રણ આપવા જેવું છે. ઈ-વેસ્ટ એ દુનિયા માટે સમસ્યા અને તક બંને છે, પણ તેનો નિકાલ યોગ્ય ટેકનિકથી જ થવો જોઈએ.

