Final Up to date:
રાજકોટની ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 11ના વિદ્યાર્થી ત્રીજા માળેથી પડી ગયો હતો, જોકે એસી યુનિટ પકડીને તેનો જીવ બચ્યો. શાળા સંચાલકોએ CCTV ફૂટેજ જાહેર કરવાનો ઇનકાર કર્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલે તપાસ કમિટી રચી છે,
રાજકોટ: શહેરની જાણીતી ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના ત્રીજા માળેથી નીચે પડવાની ઘટનાએ વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ઘટના મંગળવારે સાંજે શાળામાં ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા હતા ત્યારે બની હતી. સદનસીબે વિદ્યાર્થી નીચે પડતી વખતે એસીના આઉટડોર યુનિટને પકડી લેતા તેનો જીવ બચી ગયો અને તેને માત્ર સામાન્ય ઈજાઓ થઈ છે.
આ મામલે મીડિયા સાથેની વાતચીતમાં ઉત્કર્ષ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી વિમલ છાયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મંગળવારે સાંજે આશરે 4:45 વાગ્યાના સમયે વિદ્યાર્થી ત્રીજા માળે પોતાના મિત્રો સાથે વાતચીત કરી રહ્યો હતો. અચાનક સંતુલન ગુમાવતા તે બારીમાંથી નીચે પટકાયો હતો. જોકે, નીચે લાગેલા એસી યુનિટને પકડી લીધા બાદ તે ધીમે ધીમે છજ્જા પર ઊતરી ગયો હતો. બાદમાં તેને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ પરિવારજનો તેને ઘરે લઈ ગયા હતા.
આ ગંભીર ઘટનાને લઈને શાળા સંચાલકો દ્વારા પોલીસને જાણ ન કરાઈ હોવાને કારણે ચર્ચામાં આવી છે. તેમજ શાળાના મેનેજિંગ ટ્રસ્ટીએ સીસીટીવી ફૂટેજ જાહેર કરવાનો ઇનકાર કરતા શંકાઓ વધુ ઘેરી બની છે. સંચાલકોનું કહેવું છે કે, આ એક અકસ્માત છે અને શાળામાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા છે.
બીજી તરફ, રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલે ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટી રચી છે. આ કમિટી બે દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે, જેના આધારે શાળા સામે નોટિસથી લઈને માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવામાં આવી શકે છે.
હાલ આ ઘટનાને લઈને લોકોમાં વિવિધ અટકળો ચાલી રહી છે, જેમાં શિક્ષકના ત્રાસ કે શાળાની સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ અંગે ચર્ચા થઈ રહી છે. હાલમાં વિદ્યાર્થી ખતરાની બહાર છે, પરંતુ આ ઘટના શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થાની ગંભીર સમીક્ષા કરવાની માંગ ઊભી કરે છે.

