દ્વારકા: અરબ સાગરમાં સક્રિય થયેલા ‘શક્તિ’ વાવાઝોડાની દ્વારકા જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર પર અસર થવાની સંભાવના છે. દ્વારકાના દરિયામાં હાલ હળવો કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે તમામ માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના આપી છે. સાથે જ જિલ્લાના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. તંત્રની સૂચનાને પગલે તમામ માછીમારોએ પોતાની બોટોને બંદર કિનારે સુરક્ષિત રીતે લંગરી દીધી છે. દરિયામાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ‘શક્તિ’ વાવાઝોડું સક્રિય થતાં દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. ડિઝાસ્ટર વિભાગની ટિમ સતત દેખરેખ રાખી રહી છે. તમામ કંટ્રોલરૂમ્સ કાર્યરત કરી દેવાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 6 અને 7 ઓક્ટોબરે ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે, જિલ્લાના તમામ કર્મચારીઓને રવિવારના દિવસે પણ હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારી રાખી શકાય.
Source link
