Final Up to date:
નાના ઝીંઝુડા ગામમાં સરદાર સહભાગી સિંચાઈ યોજના અને સિંચાઈ વિભાગના 14 ચેક ડેમો તથા પાંચ તળાવથી પાણીની સમસ્યા હલ થઈ, ખેડૂતોને પાક ઉત્પાદનમાં લાભ મળ્યો.
અમરેલી: અગાઉ જોઈએ તો અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળતી હતી. લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા માટે જવું પડતું હતું. આ ઉપરાંત નદીઓ સુકાઈ ગયા બાદ ખેડૂતોને પણ ભારે મુશ્કેલી થતી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ યોજનાઓ સાથે સાથે ગ્રામજનો અને દાતાઓના સહયોગથી પરિસ્થિતિમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ગામે ગામ મોટા તળાવો, ચેક ડેમો, બોર વગેરે તૈયાર કરવામાં આવ્યા છે. ચેક ડેમો અને તળાવોના નિર્માણથી વરસાદી પાણીનો સદુપયોગ શક્ય બન્યો છે. પહેલાં જે પાણી વહેણ બનીને સમુદ્રમાં વહી જતું હતું તે હવે ગામની આસપાસ જ સંગ્રહિત થતું થયું છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલ નાના ઝીંઝુડા ગામ, જે ગામના ફરતે મોટા તળાવો અને ચેક ડેમોથી જળસંચય ધરાવતું પાણીદાર ગામ બન્યું છે. આ ગામમાં સિંચાઈ વિભાગ દ્વારા જળસંચયના મોટા તળાવ અને સરદાર સહભાગી સિંચાઈ યોજનાઓના ચેક ડેમો તૈયાર કર્યા છે. આ ઉપરાંત કેટલાક તળાવ ઊંડા પણ કરવામાં આવ્યા છે, જેના કારણે ગામમાં પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. સાથે સાથે ખેડૂતો પણ હવે ખેતીમાં અલગ અલગ સિઝનમાં આ પાણીનો ઉપયોગ કરીને અલગ અલગ પાકોનું ઉત્પાદન મેળવી રહ્યા છે.

આ અંગે મનસુખભાઈ ગીગાભાઈ રાઠોડે જણાવ્યું કે, હું નાના ઝીંઝુડા ગામનો વતની છું અને અગાઉ હું સિંચાઈ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો અને હાલ હું નિવૃત્ત છું. મને પહેલેથી જ ગામમાં પાણીનો પ્રશ્ન ન થાય તે બાબતે લાગણી હતી. અમારા ગામમાં 14 જેટલા ચેક ડેમો સરદાર સહભાગી સિંચાઈ યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સિંચાઈ વિભાગ દ્વારા પણ ડેમો તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેડૂતો ખેતીમાં ત્રણેય સિઝનમાં પાકોનું વાવેતર કરી શકે તે માટે પાંચ જેટલા તળાવો પણ તૈયાર કરવામાં આવ્યા છે.
નાના મોટા બંધારાઓ પણ બાંધવામાં આવ્યા છે, જેથી કરીને અમારા ગામને જળસંચય ધરાવતું પાણીદાર ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. પાણીની અમારા ગામમાં સમસ્યા ન હોવાના કારણે ગ્રામજનોને પણ ખૂબ ફાયદો થઈ રહ્યો છે. અમારા ગામમાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે, જેથી આ પાણીનો ઉપયોગ તેઓ ખેતીમાં કરીને વધારાનું ઉત્પાદન પણ મેળવી શકે છે. અંદાજિત સાત કિલોમીટર જેટલી નદીમાં મોટાભાગે પાણી ભરેલું જ હોય છે, તેવા આયોજન સાથે આ ડેમો અને ચેક ડેમો તૈયાર કરવામાં આવ્યા છે.
