Final Up to date:
સુરતમાં દુષ્કર્મનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપીએ એક યુવતી જ્યારે સગીર હતી ત્યારે તેની સાથે દુષ્કર્મ આચર્યું અને વર્ષો સુધી સુધી તેની આબરૂ લૂંટતો રહ્યો. કંટાળીને યુવતીએ છેલ્લે પોલીસમાં આરોપીની સામે ફરિયાદ નોંધાવી છે.
સુરત: સગીર વયની બાળિકાઓ સામે થતા ગંભીર ગુનાઓમાં સુરત શહેર પોલીસનું ફરી એકવાર કડક વલણ સામે આવ્યું છે. સગીર વય દરમિયાન દુષ્કર્મ કરી તેનો અશ્લીલ વીડિયો બનાવી વર્ષો સુધી બ્લેકમેઈલ કરીને શોષણ કરનાર નરાધમ આરોપીને ફરિયાદ દાખલ થયા બાદ માત્ર ગણતરીના કલાકોમાં કાપોદ્રા સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે.
સુરતમાં સગીર વયની બાળાઓ સામે થતા દુષ્કર્મ અને શારીરિક શોષણના ગુનાઓમાં તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓને ઝડપથી પકડવા માટે સુરત પોલીસ સતત આગળ રહેતી હોય છે. તેવામાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક મામલો સામે આવ્યો હતો જેમાં એક પીડિતાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે સગીર વય દરમિયાન આરોપી અશોકભાઈ બાબુભાઈ મોરડીયાએ બળજબરીપૂર્વક ઈચ્છા વિરુદ્ધ તેની સાથે શરીરસંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ વારંવાર શારીરિક અડપલા કરીને પીડિતાનો અશ્લીલ વીડિયો ગુપ્ત રીતે ઉતાર્યો હતો.
આરોપી પીડિતાને વીડિયો વાયરલ કરવાની અને બદનામ કરવાની ધમકી આપી લાંબા સમય સુધી પીડિતાનું માનસિક તથા શારીરિક શોષણ ચાલુ રાખ્યું હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાપોદ્રા પોલીસે ગુનાની ગંભીરતા ધ્યાને લઈને એક બાજુ ફરિયાદ દાખલ કરવાની કામગીરી શરૂ કરી તો બીજી બાજુ આરોપી ફરાર ન થાય તે પહેલાં તેને ઝડપી પાડવા સર્વેલન્સ સ્ટાફને તાત્કાલિક કામગીરી સોંપવામાં આવી.
પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીના મોબાઈલ નંબર પરથી ટેકનિકલ વર્કઆઉટ કરવામાં આવ્યું. સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથી આરોપી સુરત શહેરમાં જ હોવાની ખાતરી મળતાં તાત્કાલિક કાર્યવાહી કરી તેને ઝડપી લેવામાં આવ્યો. આરોપીનું નામ અશોકભાઈ બાબુભાઈ મોરડીયા હોવાનું સામે આવ્યું છે. જેની ઉંમર 45 વર્ષ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી મૂળ ભાવનગરનો છે અને તે સુરતના સરથાણામાં આવેલ તિરુપતિ સોસાયટીમાં રહેતો હતો. આરોપી વ્યવસાયે બસ ડ્રાઈવરનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીએ કરેલા ગુનાની પૂછપરછ કરી તેની વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેર પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સગીર વયની બાળાઓ સામે થતા ગુનાઓમાં કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં નહીં આવે અને આવા નરાધમ તત્વોને ઝડપી પાડી કાયદાની કડક કાર્યવાહી કરવામાં આવશે.
સુરત: યુવતી સગીર હતી ત્યારે દુષ્કર્મ આચર્યું અને વર્ષો સુધી તેની આબરૂ લૂંટી, બ્લેકમેલિંગથી કંટાળીને યુવતી પોલીસ પાસે પહોંચી

