ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અનામત અંગેની ચર્ચાના સંદર્ભમાં પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સમુદાયો વિશે કરેલી ટિપ્પણીથી રાજકીય વિવાદ સર્જાયો છે. શુક્રવારે નર્મદા જિલ્લામાં આદિવાસી ખેડૂતોની એક સભાને સંબોધતા વાઘેલાએ કહ્યું હતું કે તેઓ “આ સમુદાયોના સભ્યોને કચરો ઉપાડવા માટે દર મહિને ₹50,000 ચૂકવવા તૈયાર છે.” આ નિવેદન બાદ વિવિધ સમુદાયના આગેવાનો અને રાજકીય વિરોધીઓએ તેમના પર નિશાન સાધ્યું છે.
‘ઈન્ડિયા ટુડે’ના અહેવાલ મુજબ, વાઘેલા સાગબારા વિસ્તારમાં આવેલા ખોપી ગામે ખેડૂત સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. આ સંમેલન આદિવાસી ખેડૂતોને જંગલની જમીન પર ખેતી કરવાનો અધિકાર મળે તે માટેની માંગણીના ભાગરૂપે યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસના અન્ય ઘણા નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વાઘેલાએ અનામતનું સમર્થન કર્યું
પોતાના ભાષણ દરમિયાન, વાઘેલાએ અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC) માટેની અનામતનું સમર્થન કર્યું અને દલીલ કરી કે તેને કોઈ ‘રિયાયત’ કે ‘મહેરબાની’ તરીકે ન જોવી જોઈએ. વાઘેલાએ કહ્યું, “અનામત કોઈને મહેરબાની તરીકે આપવામાં આવી નથી. જેઓ તેનો લાભ લે છે તેમણે જીવનભર મુશ્કેલીઓ અને ભેદભાવનો સામનો કર્યો છે. હું અનામતનો વિરોધ કરનારાઓને પછી ભલે તે પટેલ હોય, વાણિયા હોય કે બ્રાહ્મણ હોય, હું કહેવા માંગુ છું કે જો તેઓ કચરો ઉપાડવા તૈયાર હોય તો હું તેમને દર મહિને ₹50,000 ચૂકવવા તૈયાર છું.”
આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સફળતા; સાબરમતી નદી પર 12 માળ ઊંચો 480 મીટર લાંબો બ્રિજ તૈયાર
વાઘેલાએ વધુમાં ઉમેર્યું હતું કે અનામત પર સવાલ ઉઠાવનારાઓએ આવા પગલાંનો વિરોધ કરતા પહેલા આદિવાસી સમુદાયોની જીવનશૈલી અને પરિસ્થિતિને સમજવી જોઈએ.
ભાજપનો વળતો પ્રહાર
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ વાઘેલાની ટિપ્પણી પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના નેતા અને બ્રાહ્મણ સમુદાયના અગ્રણી ચહેરા યજ્ઞેશ દવેએ વાઘેલા પર ચોક્કસ સમુદાયોને બિનજરૂરી રીતે નિશાન બનાવવાનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું, “શંકરસિંહ બાપુએ આ સત્કાર્યની શરૂઆત સૌપ્રથમ પોતાના ઘરેથી જ કરવી જોઈએ. જો તેઓ મારા ઘરની ગંદકી સાફ કરવા તૈયાર હોય, તો હું તેમને દર મહિને 5 લાખ રૂપિયા ચૂકવવા તૈયાર છું.”
