ભાજપે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ ભારતીય પાઈલટ સ્મિત મચ્છરના મામલે ગાંધી પરિવારના મૌનની ટીકા કરી હતી. સ્મિત મચ્છરે ઈઝરાયેલ જઈ રહેલા 174 મુસાફરો ભરેલા વિમાનને ક્રેશ કરવાના સહ-પાઈલટના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ગાંધી પરિવારના આ વલણને “આતંકવાદને પરોક્ષ સમર્થન” ગણાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસના ટોચના નેતૃત્વના આ વર્તનને સમગ્ર દેશે ગંભીરતાથી લેવું જોઈએ.
સુધાંશુ ત્રિવેદીએ ટિપ્પણી કરી હતી કે આ વલણ અનેક ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. તેમણે કહ્યું, “પરિવારના વડા સોનિયા ગાંધીએ એક સમયે બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીઓ માટે આંસુ સાર્યા હતા. હવે કેપ્ટન સ્મિતની બહાદુરી માટે તેમની પાસે પ્રશંસાનો એક પણ શબ્દ નથી. ‘રાજકુમારી’ (પ્રિયંકા ગાંધી વાડ્રા) જેઓ વારંવાર પેલેસ્ટિનિયન મુદ્દાનું સમર્થન કરે છે તેઓ પણ પોતાની બેગમાંથી દિલાસો આપતો રૂમાલ કાઢી શક્યા નહીં.”
ત્રિવેદીએ આક્ષેપ કર્યો હતો કે ગાંધી પરિવારના “દિશાહીન રાજકુમાર” રાહુલ ગાંધી જેઓ એક સમયે ગાઝાની સ્થિતિને લઈને વ્યથિત હતા. તેઓ હવે વોટ-બેંકના દબાણથી એટલા ડરેલા દેખાય છે કે સ્મિત મચ્છરના અદમ્ય સાહસની પ્રશંસામાં એક શબ્દ પણ બોલી શકતા નથી. તેમણે આ બાબતે કોંગ્રેસ નેતૃત્વ પાસેથી સ્પષ્ટ જવાબની માંગ કરી હતી.
આ પણ વાંચો: આરક્ષણ વિવાદ પર શંકરસિંહ વાઘેલાના વિવાદાસ્પદ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો
નેતન્યાહૂએ સ્મિત સાથે વાત કરી
ઉલ્લેખનીય છે કે કેપ્ટન સ્મિત મચ્છરે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને સહ-પાઈલટ દ્વારા કરવામાં આવેલા હુમલાની વિગતવાર માહિતી આપી છે. તેમણે સમજાવ્યું કે ઓમાની સહ-પાઈલટ શરૂઆતમાં પ્રાર્થના કરવા માટે ઊભા થયા હતા પરંતુ અચાનક હુમલો કરી દીધો. તેમણે જણાવ્યું કે હુમલો એટલો તીવ્ર હતો કે તેમની દ્રષ્ટિ ઝાંખી થવા લાગી હતી. સ્મિત મચ્છર હાલમાં દુબઈમાં સારવાર લઈ રહ્યા છે. આ પૃષ્ઠભૂમિમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વીડિયો કોલ દ્વારા સ્મિત સાથે વાત કરી હતી. તેમણે સ્મિત મચ્છરને ઈઝરાયેલ, ભારત અને સમગ્ર વિશ્વ માટે હીરો ગણાવ્યા, જ્યારે સ્મિતે નેતન્યાહૂને હાઈજેકિંગની ઘટનાની સંપૂર્ણ વાર્તા સંભળાવી.
