શ્રમ-રોજગાર વિભાગની મોટી તૈયારી: તમામ શ્રમિકો એક જ છત્ર હેઠળ, અકસ્માતના કિસ્સામાં 5 લાખનું વળતર મળવાની શક્યતા

શ્રમ-રોજગાર વિભાગની મોટી તૈયારી: તમામ શ્રમિકો એક જ છત્ર હેઠળ, અકસ્માતના કિસ્સામાં 5 લાખનું વળતર મળવાની શક્યતા

બિઝનેસ BUSINESS
Spread the love


હાલ ગુજરાતમાં શ્રમિકો માટે અલગ-અલગ કલ્યાણ બોર્ડ કાર્યરત છે. બાંધકામ ક્ષેત્રના શ્રમિકો, ગ્રામ્ય શ્રમયોગીઓ અને અન્ય અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે જુદા નિયમો, જુદી સહાય અને જુદી વળતર રકમ લાગુ પડે છે. આ વ્યવસ્થાના કારણે અકસ્માત કે દુર્ઘટનાના કિસ્સામાં શ્રમિકોને મળતી સહાયમાં તફાવત જોવા મળતો હતો, જેનાથી અસમાનતાની ફરિયાદો ઉઠતી હતી. રાજ્ય સરકાર હવે આ તફાવત દૂર કરીને એકસમાન વ્યવસ્થા લાવવાના મૂડમાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, 18 ફેબ્રુઆરીએ રજૂ થનારા વર્ષ 2026-27ના બજેટમાં ‘ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના’માં સુધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવી શકે છે. આ પ્રસ્તાવ મુજબ રાજ્યના તમામ શ્રમિકો અને કામદારોને અકસ્માતે મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં રૂપિયા પાંચ લાખનું એકસમાન વીમા વળતર આપવાનું આયોજન છે. જોકે, આ યોજના અંગેની ઔપચારિક જાહેરાત અને અમલની સમયસીમા બજેટ રજૂ થયા બાદ જ સ્પષ્ટ થશે.

શ્રમ-રોજગાર વિભાગના અંદાજ મુજબ, આશરે ₹12 કરોડ જેટલી વાર્ષિક પ્રીમિયમ રકમ સામે રાજ્યના લાખો શ્રમિક પરિવારોને ₹5 લાખનું સુરક્ષા કવચ આપવું આર્થિક રીતે શક્ય છે. જો આ યોજના અમલમાં આવે તો અકસ્માત જેવી અચાનક પરિસ્થિતિમાં શ્રમિક પરિવારને મોટો આર્થિક આધાર મળી રહેશે. આ નિર્ણય ગુજરાતને શ્રમિક કલ્યાણના ક્ષેત્રમાં ‘મોડેલ સ્ટેટ’ તરીકે વધુ મજબૂત બનાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ અકસ્માતે મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં શ્રમિકોને ₹3 થી ₹4 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. કેટલાક વિશેષ કિસ્સાઓમાં આ રકમ ₹5 લાખ સુધી લંબાવવામાં આવી છે. જ્યારે ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલા ગ્રામ્ય અને અસંગઠિત શ્રમિકોને મહત્તમ ₹4 લાખનું વળતર મળે છે. અલગ-અલગ નિયમો અને પ્રક્રિયાઓને કારણે વળતર મંજૂરીમાં વિલંબ થતો હોવાની ફરિયાદો પણ સામે આવતી રહી છે.

નવા પ્રસ્તાવિત યુનિફોર્મ મોડેલ હેઠળ તમામ શ્રમિકો માટે એકસરખા નિયમો, સરળ પ્રક્રિયા અને ઝડપી વળતર ચુકવણી સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. બજેટ સત્ર દરમિયાન આ અંગે સરકાર તરફથી સ્પષ્ટ દિશાનિર્દેશ મળવાની અપેક્ષા છે. ત્યારબાદ કેબિનેટ મંજૂરી અને નોટિફિકેશન પછી જ યોજનાનો વાસ્તવિક અમલ શરૂ થશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *