Vaibhav Sooryavanshi : વૈભવ સૂર્યવંશીની પસંદગી જૂન 2026માં ભારતના આયર્લેન્ડ પ્રવાસ માટે થાય તેવી શક્યતા છે. જો તેની પસંદગી થશે તો તે દેશનું પ્રતિનિધિત્વ કરનાર સૌથી યુવા ખેલાડી બનશે. ઈન્ડિયન એક્સપ્રેસને મળેલી માહિતી મુજબ પસંદગીકારો ઈંગ્લેન્ડના વ્હાઈટ બોલ પ્રવાસ પહેલા ટી-20 શ્રેણીમાં 15 વર્ષીય ખેલાડીને મોટી તક આપી શકે છે. ભારતીય ક્રિકેટ બોર્ડના એક સૂત્રે આ વાતની પુષ્ટિ કરી હતી. તે આયર્લેન્ડ પ્રવાસના દાવેદારોમાંથી એક છે અને પસંદગીકારોએ અન્ય ઘણા ખેલાડીઓની સાથે તેનું નામ પણ શોર્ટલિસ્ટ કર્યું છે.
ડાબોડી બેટ્સમેને ગત સિઝનમાં વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બોલરોની ઘણી પીટાઇ કરી હતી. આ વર્ષે પણ તે આ જ લયમાં રમી રહ્યો છે. વૈભવ સૂર્યવંશીએ આઈપીએલની વર્તમાન સિઝનમાં અત્યાર સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 26 બોલમાં 78 રન, ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 17 બોલમાં 52 રન અને મુંબઈ ઈન્ડિયન્સ સામે 14 બોલમાં 39 રન ફટકાર્યા છે. તે મોટા નામો ગભરાતો નથી. તેણે જસપ્રીત બુમરાહ (પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો) અને જોશ હેઝલવૂડ જેવા બોલરોનો સામનો પૂરા આત્મવિશ્વાસ સાથે કર્યો હતો.
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પણ વૈભવ સૂર્યવંશીની પસંદગી થઈ શકે છે
રાષ્ટ્રીય પસંદગીકારો યુવા ખેલાડીને ભારતીય ટીમમાં સામેલ કરવા માટે લાંબો સમય રાહ જોવાના મૂડમાં નથી. પરંતુ શક્યતા છે કે તેઓ તેને થોડી નબળી ટીમ સામે રમવાની તક આપશે. જો વૈભવ સૂર્યવંશી શાનદાર રન બનાવવાનું ચાલુ રાખશે તો પસંદગી સમિતિ તેને આયર્લેન્ડમાં રમાનારી આગામી શ્રેણી સાથે-સાથે આ વર્ષના અંતમાં યોજાનાર ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પસંદગી કરશે.
આ યુવા ખેલાડીને પહેલાથી જ બોર્ડના એક ટોચના અધિકારી તરફથી વિશ્વાસનો મત મળી ચૂક્યો છે. આઈપીએલના ચેરમેન અરુણ ધુમલે X પર લખ્યું કે આ IPL 2026 સિઝનમાં વૈભવ સૂર્યવંશીએ બેટિંગમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. આ આશાસ્પદ ખેલાડી ચોક્કસપણે ટીમ ઈન્ડિયા માટે સૌથી યુવા ખેલાડી તરીકે ડેબ્યૂ કરવા માટે લાયક છે. આવી તક ભાગ્યે જ મળે છે જ્યારે તમે આવા પ્રતિભાશાળી અને આટલા યુવા ખેલાડીની પસંદગી કરી શકો. ચોક્કસપણે તેનું નામ ભારત માટે સૌથી યુવા નવોદિત ખેલાડી તરીકે નોંધવું જોઈએ.
સચિન તેંડુલકર ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સૌથી યુવા પુરુષ ક્રિકેટર છે
ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે પણ રાષ્ટ્રીય પસંદગીકારોને કહ્યું છે કે તેઓ વિલંબ ન કરે અને વૈભવ સૂર્યવંશીને તાત્કાલિક ટીમમાં પસંદ કરે. સચિન તેંડુલકર ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સૌથી યુવા પુરુષ ક્રિકેટર છે. સચિન તેંડુલકરે 1989માં 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે કરાચીમાં પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
વૈભવ શેફાલી વર્માનો રેકોર્ડ તોડી શકે છે
શેફાલી વર્મા મેન્સ અને વિમેન્સ બંને ક્રિકેટમાં ભારત તરફથી રમનારી સૌથી નાની વયની ક્રિકેટર છે. શેફાલીએ 15 વર્ષ, સાત મહિના અને 27 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જો વૈભવ સૂર્યવંશી આયર્લેન્ડ પ્રવાસમાં રમશે તો તે શેફાલીનો રેકોર્ડ તોડી નાખશે.
ભારત અને આયર્લેન્ડ વચ્ચે જૂનમાં બે ટી 20 મેચ રમાશે
ભારત અને આયર્લેન્ડ વચ્ચે ટી-20 શ્રેણીની બે મેચ 26 અને 28 જૂન 2026ના રોજ યોજાવાની છે. જાણવા મળ્યું છે કે, આઇપીએલ 2026ના પુરા થયાના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં યોજાનારી આ શ્રેણી માટે સેકન્ડ ડિવિઝનની ટીમની પસંદગી કરવામાં આવશે. પસંદગી સમિતિ વૈભવ સૂર્યવંશી અને તાજેતરના સમયમાં પોતાની ઓળખ ઉભી કરનારા અન્ય ખેલાડીઓને આ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ આપવા માટે ઉત્સુક છે.
આઈપીએલ 2026 : વિરાટ કોહલીએ વૈભવ સૂર્યવંશીને આપી આ ખાસ ભેટ, જાણો
આયર્લેન્ડ શ્રેણી બાદ ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પર રમશે. ભારત 1 જુલાઈથી શરુ થઈ રહેલા ઈંગ્લેન્ડ પ્રવાસમાં પાંચ ટી-20 અને ત્રણ વન ડે રમશે. આ બંને સિરીઝમાં ઘણા સિનિયર ખેલાડીઓ પુનરાગમન કરે તેવી અપેક્ષા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તેની ટીમ રાજસ્થાન રોયલ્સની છ વિકેટથી જીત પછી વૈભવ સૂર્યવંશીએ કહ્યું હતું કે મારા મનના ખૂણામાં એક વાત રહે છે કે કોણ બોલિંગ કરી રહ્યું છે, પરંતુ હું બોલર પર નહીં પણ બોલ પર ધ્યાન કેન્દ્રિત કરીને રમવા માંગુ છું અને મારી રમત રમવા માંગુ છું. મારા પિતા, મારા કોચ અને મારા લોકલ પેરેન્ટ (રાજસ્થાન રોયલ્સ ટીમના મેનેજર) રોમી ભિંડર સર હંમેશા મને કહેતા હતા કે આ એક લાંબી સફર છે અને મારે પોતાનું ધ્યાન અન્ય બીજી બાબતોમાં રાખ્યા વિના મારી પ્રક્રિયા અને મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
