Final Up to date:
રુરલ એલસીબી દ્વારા ધરપકડ બાદ હવે રહીમ મકરાણીને ગુનાની વધુ તપાસ માટે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન આપઘાત માટે ઉશ્કેરણી, નાણાકીય દબાણ તેમજ અન્ય આરોપીઓની ભૂમિકા અંગે મહત્વની માહિતી મળવાની શક્યતા છે.
રાજકોટ: રીબડાના વતની અમિત ખૂંટના આપઘાત કેસમાં તપાસને લઈને મહત્વની પ્રગતિ સામે આવી છે. આ કેસમાં છેલ્લા આઠ માસથી ફરાર રહેલા આરોપી રહીમ મકરાણીની રાજકોટ રુરલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જુનાગઢ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી રહીમ મકરાણી સતત પોતાની ઓળખ અને રહેવાના સ્થળ બદલતો રહ્યો હતો. તપાસ દરમિયાન ખુલ્યું છે કે, આઠ માસ દરમિયાન તેણે પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર તેમજ ઉત્તર પ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાં આશ્રય લીધો હતો. જેથી પોલીસથી તે બચી શકે.
રુરલ એલસીબી દ્વારા ધરપકડ બાદ હવે રહીમ મકરાણીને ગુનાની વધુ તપાસ માટે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન આપઘાત માટે ઉશ્કેરણી, નાણાકીય દબાણ તેમજ અન્ય આરોપીઓની ભૂમિકા અંગે મહત્વની માહિતી મળવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે અમિત ખૂંટના આપઘાત બાદ સમગ્ર મામલે રાજકોટમાં ભારે ચકચાર જગાવી હતી. પરિવારે આરોપ મૂક્યો હતો કે, અમિત પર બળાત્કારનો ખોટો ગુનો પણ દાખલ કરાવવામાં આવ્યો હતો. તેમજ હનીટ્રેપમાં ફસાવી સતત માનસિક ત્રાસ અને દબાણ કરવામાં આવતું હતું, જેના કારણે તેને અંતિમ પગલું ભરવું પડ્યું. આ મામલે પોલીસે આપઘાત માટે પ્રેરણા આપવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
રહીમ મકરાણીની ધરપકડ સાથે આ કેસમાં અત્યાર સુધી કુલ 9 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. તપાસ એજન્સીઓનું કહેવું છે કે હજુ પણ કેટલાક પાસાઓ પર તપાસ ચાલુ છે અને જરૂર પડશે તો વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારે તાજેતરમાં જ જૂનાગઢ જેલમાં બંધ રહેલા રાજદીપસિંહ જાડેજાને અમિત ખૂંટ આપઘાત કેસમાં જામીન મળતા તે જેલ બહાર આવ્યો છે.
ત્યારે રહીમ મકરાણીની પૂછપરછ બાદ પોલીસના હાથે અન્ય કેટલા મહત્વના પુરાવાઓ હાથ લાગે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
Jan 29, 2026 11:54 AM IST

