અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પર મકરબા ખાતે LC 24 પર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું 24મી સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સરખેજ-જુહાપુરા અને SG હાઇવેને જોડતો આ બ્રિજ વાહનચાલકો માટે આશીર્વાદરૂપ બનવાને બદલે પહેલા જ દિવસે આફત સાબિત થયો છે. લોકાર્પણની સાંજે જ સર્જાયેલા ભારે ચક્કાજામ બાદ શુક્રવારે (25મી સપ્ટેમ્બર) તંત્ર દ્વારા કરાયેલી કામગીરીથી સ્થિતિ વધુ વણસી છે.
આવામાં અમદાવાદમાં મકરબા બ્રિજ પાસે ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે વહીવટી તંત્રે ચારેય રસ્તા બંધ કરી દેતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. લાંબો ડાયવર્ઝન લેવો પડતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હવે આ મામલે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે પોતે સ્થળ મુલાકત દરમિયાન જોયું કે ઓવરબ્રિજના મકરબા તરફના છેડે તેમજ કોર્પોરેટ રોડ અને એસજી હાઈવે તરફના છેડે વાહનોની અવરજવર વધારે હોવાના કારણે વાહનો ડેડલોક થઈ જાય છે. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ વણસી છે.
મકરબા ખાતે LC 24 પર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજની સુગમ અને સલામત ટ્રાફિક વ્યવસ્થાને પ્રાથમિકતા આપતાં મકરબા તરફના છેડે નિયમિત ટ્રાફિક પોલીસ તથા કોર્પોરેટ રોડ તરફના છેડે ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવા અમદાવાદ પોલીસ કમિશ્નરશ્રીને રજૂઆત કરી. pic.twitter.com/kXhaXHSmCT
— Amit Thaker (@AmitThakerBJP) September 25, 2026
વેજલપુર ધારાસભ્ય અમિત ઠાકરે આ મામલે પોતાના ઓફિશિયલ એક્સ (પહેલા ટ્વીટર) એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને અમદાવાદ પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતને એક ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં તેમણે આ નવનિર્મિત રેલવે ઓવરબ્રિજના બન્યા બાદની ટ્રાફિકજામની સ્થિતિનો ચિતાર આપ્યો છે અને આ વણસેલી પરિસ્થિતિમાં ઓવરબ્રિજના બંને છેડે ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવા તથા ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક પોલીસને રોંજિદા ધોરણે મુક્વા જણાવ્યું છે.
આ પણ વાંચો: બિહારથી ગુજરાત સુધી દોડશે નવી અમૃત ભારત ટ્રેન; જાણો રૂટ, સ્ટોપેજ અને ટાઇમિંગની સંપૂર્ણ વિગત
તંત્રના નિર્ણયથી વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો
ઉલ્લેખનિય છે કે, મકરબા બ્રિજ નીચે અને તેની આસપાસના જંકશન પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. પીક અવર્સ દરમિયાન અહીં વાહનોની લાંબી કતારો લાગતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે તંત્રે રસ્તા ખુલ્લા રાખીને ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવાની જરૂર હતી, પરંતુ તેને બદલે ચારેય તરફના રસ્તાઓ બંધ કરી દેવાતા વાહનચાલકોને યુ-ટર્ન (U-Flip) લેવા માટે 2 થી 3 કિલોમીટર વધારાનું અંતર કાપવું પડે છે.
