ફેટી પેન્ક્રિયાસ: બિલાડીની ચાલે વધતી ગંભીર બીમારી, જાણો ચેતવણીના સંકેતો

ફેટી પેન્ક્રિયાસ: બિલાડીની ચાલે વધતી ગંભીર બીમારી, જાણો ચેતવણીના સંકેતો

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Fatty Pancreas: મોટાભાગના લોકો ફેટી લિવર વિશે જાણે છે, પરંતુ ફેટી પેન્ક્રિયાસ વિશે અજાણ હશે. બહુ ઓછા લોકો જાણતા હશે કે સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ) માં પણ ચરબી જમા થઈ શકે છે. આ સ્થિતિને સામાન્ય ભાષામાં ફેટી પેન્ક્રિયાસ કહેવામાં આવે છે. તેમાં સ્વાદુપિંડના કોષોમાં જરૂરિયાત કરતાં વધુ ચરબી જમા થાય છે. હવે ફેટી પેન્ક્રિયાસ ડિસઓર્ડર (FPD) ને સત્તાવાર રીતે એક અલગ રોગ તરીકે માન્યતા આપવામાં આવી છે, જે સ્વાદુપિંડના આરોગ્યને સમજવાની દિશામાં મહત્વપૂર્ણ છે.

નવી ઓળખાયેલી ‘ફેટી પેન્ક્રિયાસ ડિસઓર્ડર’ (FPD) સ્થિતિ ડાયાબિટીસ, પેન્ક્રિયાટાઇટિસ અને સ્વાદુપિંડના કેન્સરનું જોખમ વધારી શકે છે. વિચારવા જેવી અને ગંભીર એવી ખાસ વાત એ છે કે આ સમસ્યા માત્ર સ્થૂળ લોકોમાં જ નહીં, પરંતુ દુબળા લોકોમાં પણ થઈ શકે છે.

મુંબઈ સેન્ટ્રલની વોકહાર્ટ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડો. સાઈપ્રસાદ લાડ જણાવે છે કે સ્વાદુપિંડ પાચનક્રિયા અને લોહીમાં શર્કરાનું પ્રમાણ નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

સ્વાદુપિંડમાં ચરબી વધવાથી ઇન્સ્યુલિન બનાવતા કોષોને નુકસાન થઈ શકે છે. પરિણામે બ્લડ શુગર નિયંત્રિત રાખવામાં મુશ્કેલી પડે છે અને જોખમ ધરાવતા લોકોમાં ડાયાબિટીસ થવાની સંભાવના વધી જાય છે. આમ સ્થૂળતા, ડાયાબિટીસ અને ફેટી પેન્ક્રિયાસ એકબીજાને વધુ ગંભીર બનાવી શકે છે.

ફેટી પેન્ક્રિયાસ ડિસઓર્ડર વિશે સજાગ થવું કેમ જરુરી?

અગાઉ સ્વાદુપિંડમાં ચરબી જમા થવીને સામાન્ય રીતે અન્ય તપાસ દરમિયાન અચાનક સામે આવતી સ્થિતિ તરીકે જોવામાં આવતી હતી. પરંતુ નેચર રિવ્યૂઝ ગેસ્ટ્રોએન્ટરોલોજી એન્ડ હેપેટોલોજીમાં પ્રકાશિત સમીક્ષા મુજબ, સ્વાદુપિંડમાં વધુ પડતી ચરબી જમા થવાથી અંગને નુકસાન થઈ શકે છે અને ગંભીર બીમારીઓનું જોખમ વધી શકે છે.

તાજા મેલબોર્ન કન્સેન્સસ અહેવાલમાં જણાવાયું છે કે ઉંમર વધતાં સ્વાદુપિંડમાં થોડી માત્રામાં ચરબી જમા થવી સામાન્ય બાબત છે, પરંતુ સ્થૂળતા, આનુવંશિક કારણો, પર્યાવરણીય પરિબળો અને અસ્વસ્થ જીવનશૈલીને કારણે ચરબીનું પ્રમાણ અસામાન્ય રીતે વધી શકે છે. મહત્વની વાત એ છે કે આ સ્થિતિ દુબળા લોકોમાં પણ જોવા મળી શકે છે.

સારવાર ન કરવામાં આવે તો ડાયાબિટીશ, કેન્સરનું જોખમ

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, FPD ની સમયસર સારવાર ન કરવામાં આવે તો ટાઇપ-2 ડાયાબિટીસ, પેન્ક્રિયાટાઇટિસ અને સ્વાદુપિંડના કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે.

મુંબઈની ગ્લેનીગલ્સ હોસ્પિટલના હેપેટોલોજી વિભાગના ડિરેક્ટર ડૉ. અમિત માંડોત કહે છે કે જો સ્વાદુપિંડમાં જમા થતી ચરબી સતત દૂર ન થાય તો તે પેન્ક્રિયાટાઇટિસ, ડાયાબિટીસ, સ્વાદુપિંડની કાર્યક્ષમતા ઘટવા અને અંતે કેન્સરનું કારણ બની શકે છે.

ડૉ. લાડના જણાવ્યા મુજબ, ફેટી પેન્ક્રિયાસ ધરાવતા દરેક વ્યક્તિને ગંભીર તકલીફ થાય એવું જરૂરી નથી. પરંતુ આ સ્થિતિને શરીર તરફથી મળતી ચેતવણી તરીકે જોવી જોઈએ અને જીવનશૈલીમાં સુધારા સાથે નિયમિત આરોગ્ય તપાસ કરાવવી જોઈએ.

ફેટી પેન્ક્રિયાસ થવાના મુખ્ય કારણો

ફેટી પેન્ક્રિયાસ થવાનું એક મોટું કારણ અસ્વસ્થ જીવનશૈલી છે. ડો. માંડોત જણાવે છે કે સ્વાદુપિંડ અને યકૃત (લિવર) શરીરમાં ચરબીનું સંચાલન કરવામાં સાથે મળીને કામ કરે છે.

જો લિવર પર ઝેરી તત્ત્વો દૂર કરવાનો ભાર વધી જાય તો જે ચરબીનું સંચાલન લિવર દ્વારા થવું જોઈએ તે સ્વાદુપિંડમાં જમા થવા લાગે છે. આ જ ફેટી પેન્ક્રિયાસ ડિસઓર્ડરનું મુખ્ય કારણ બની શકે છે.

નિદાન કેવી રીતે થાય?

ડો. માંડોતના જણાવ્યા મુજબ, ફેટી પેન્ક્રિયાસના કોઈ ખાસ લક્ષણો જોવા મળતા નથી. મોટા ભાગના લોકોને અલ્ટ્રાસાઉન્ડ, સીટી સ્કેન અથવા એમઆરઆઈ જેવી તપાસ અન્ય કોઈ કારણસર કરાવતી વખતે આ સમસ્યાની જાણ થાય છે.

તેમણે જણાવ્યું કે કેટલાક લોકોને ઉપરના પેટમાં સતત અસ્વસ્થતા રહેવી, થોડું ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરાયેલું લાગવું, ભોજન બાદ પેટ ફૂલવું, અપચો થવો અથવા પાચનક્રિયામાં કોઈ સ્પષ્ટ કારણ વગર ફેરફાર થવો જેવા લક્ષણો જોવા મળી શકે છે. જોકે આવા લક્ષણો હોય એટલે ફેટી પેન્ક્રિયાસ જ હોય એવું માનવું યોગ્ય નથી.

શું કરવું?

ઘણા લોકો એવું માને છે કે દુખાવો ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ ડો. લાડ કહે છે કે ફેટી પેન્ક્રિયાસ ઘણી વખત કોઈ લક્ષણ આપતું નથી, છતાં તે નિર્દોષ સ્થિતિ નથી. તેને જીવનશૈલી અને શરીરની ચયાપચય (મેટાબોલિક) સંબંધિત સમસ્યાઓને સમયસર ઓળખી સુધારવાની તક તરીકે જોવી જોઈએ.

જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો ડાયાબિટીસ વધુ ગંભીર બની શકે છે. કેટલાક અભ્યાસોમાં ફેટી પેન્ક્રિયાસ અને સ્વાદુપિંડના કેન્સરના વધેલા જોખમ વચ્ચે સંબંધ પણ જોવા મળ્યો છે. જોકે સીધો કારણ-પરિણામનો સંબંધ સ્પષ્ટ કરવા માટે હજુ વધુ સંશોધનની જરૂર છે.

Healthy Diet Plan
સ્વસ્થ રહેવા હેલ્ધી જીવનશૈલી અને ડાયટ પ્લાન ખાસ જરુરી {Photograph}: (Freepik)

જીવનશૈલીમાં ફેરફાર સૌથી અસરકારક ઉપાય

સારા સમાચાર એ છે કે ફેટી પેન્ક્રિયાસને મોટા ભાગે નિયંત્રિત કરી શકાય છે. તેના મૂળ કારણને ઓળખીને યોગ્ય સારવાર અને જીવનશૈલીમાં ફેરફાર કરવાથી ઘણો લાભ થઈ શકે છે. ડો. માંડોતના જણાવ્યા અનુસાર

  • શરીરના વજનમાં માત્ર 5થી 10 ટકા ઘટાડો પણ આરોગ્ય માટે ખૂબ લાભદાયી બની શકે છે.
  • રંગબેરંગી ફળો, શાકભાજી અને આખા અનાજથી ભરપૂર સંતુલિત આહાર લેવો.
  • વધારાની ખાંડ અને વધુ ચરબીવાળા ખોરાકથી દૂર રહેવું
  • દર અઠવાડિયે ઓછામાં ઓછા 150 મિનિટ નિયમિત કસરત કરવી.
  • દારૂનું સેવન ઘટાડવું તેમજ ડાયાબિટીસ અને કોલેસ્ટેરોલને નિયંત્રણમાં રાખવું ખૂબ જરૂરી છે.

ડો. માંડોત કહે છે કે સ્વાદુપિંડનું કેન્સર જેવી ગંભીર બીમારીઓ લાંબા સમય સુધી ફેટી પેન્ક્રિયાસની અવગણનાનું પરિણામ હોઈ શકે છે. તેથી ડાયાબિટીસ અથવા અન્ય લાંબા ગાળાના રોગોથી પીડાતા લોકોએ પોતાના વજન અને બ્લડ શુગર પર ખાસ ધ્યાન આપવું જોઈએ. 

સ્વસ્થ જીવનશૈલી માટે આ અજમાવી જુઓ । વજન ઘટાડવા પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર પૌષ્ટિક પરાઠા

નિયમિત આરોગ્ય તપાસ કરાવવાથી સ્વાદુપિંડ સંબંધિત ઘણી સમસ્યાઓ તેમજ અન્ય દીર્ઘકાલીન બીમારીઓનું જોખમ પણ ઘટાડી શકાય છે. મોટાભાગના કિસ્સાઓમાં તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી એ જ સૌથી અસરકારક અને શ્રેષ્ઠ ઉપાય છે.

આ પણ વાંચો: શરીરમાં સ્વાદુપિંડનું કામ શું? સંબંધિત બીમારીઓ, લક્ષણો અને તેને સ્વસ્થ રાખવા આ ટિપ્સ અનુસરો

(ડિસ્ક્લેમર: આ લેખ જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને નિષ્ણાતોના અભિપ્રાયના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. કોઈપણ નવી સારવાર, દવા અથવા આરોગ્ય સંબંધિત નિયમિતતા શરૂ કરતા પહેલાં તમારા તબીબની સલાહ જરૂર લો.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *