મહેસાણા જિલ્લામાં પ્રોહિબિશન અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના ભાગરૂપે કડી પોલીસ અને નંદાસણ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વિદેશી દારૂના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ઇરાણા ગામની સીમમાં ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક બંધ પતરાના શેડવાળા ગોડાઉનમાં દરોડો પાડીને લાખો રૂપિયાની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલો કબ્જે કરી છે.
નંદાસણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. ગોહિલ અને તેમની ટીમ જ્યારે ખાનગી તેમજ સરકારી વાહનો સાથે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન પીઆઈ ગોહિલને ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી. બાતમી એવી હતી કે ચડાસણા પાટીયા શ્રી કમલા અમૃત જી.આઈ.ડી.સી. તરફ જતા રોડ પર એગ્રીમ પ્રિન્ટ એન્ડ પેક પ્રાઈવેટ લિમિટેડ કંપનીની સામે આવેલા લોખંડના પતરાના શેડવાળા બીજા નંબરના બંધ બોડીના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવી રાખવામાં આવ્યો છે.
3,867 લિટરથી વધુનો દારૂ અને પીકઅપ ડાલુ ઝડપાયું
બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન બંધ ગોડાઉનમાંથી કોઈ પણ પાસ કે પરમિટ વગરનો ગેરકાયદેસર રાખેલો અલગ-અલગ બ્રાન્ડની કુલ 7,200 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેનું કુલ પ્રમાણ 3,867.84 લિટર થાય છે.
આ પણ વાંચો: સુરતમાં ન્યાય અપાવવાના નામે વકીલે જ 13 વર્ષની ગેંગરેપ પીડિતા પર ગુજાર્યો બળાત્કાર, પોલીસે કરી ધરપકડ
પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ આ મોટો કેસ શોધી કાઢીને ગોડાઉનના કબજેદાર તેમજ વાહનના માલિક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
