Final Up to date:
બાતમીના આધારે પોલીસે પાંખરી પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ એમ્બ્યુલન્સ આવતા જ તેને અટકાવી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
તાપી: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા નુસખા અપનાવી પોલીસને થાપ આપવા પ્રયત્ન કરતા હોય છે. પરંતુ તાપી એલ.સી.બી (LCB) એ બુટલેગરોના એક આવા જ “અજીબોગરીબ તરકટ”નો પર્દાફાશ કર્યો છે. ઉચ્છલ તાલુકાના પાંખરી ગામ પાસે એક એમ્બ્યુલન્સમાંથી 6 લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.
તાપી એલ.સી.બી.ને ચોક્કસ બાતમી મળી હતી કે એક એમ્બ્યુલન્સનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પાંખરી પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ એમ્બ્યુલન્સ આવતા જ તેને અટકાવી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જે વાહનનો ઉપયોગ દર્દીઓના જીવ બચાવવા માટે થવો જોઈએ, તેમાં દારૂની પેટીઓ ખીચોખીચ ભરેલી હતી.
પોલીસે એમ્બ્યુલન્સની તલાશી લેતા તેમાંથી કુલ રૂપિયા 6,32,496ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સહિત રૂપિયા 11,37,496 નો કુલ મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં 27 વર્ષીય આરોપી રામચંદ્ર આત્મારામ માળીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

