ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાછળ ઠેલાઈ શકે!

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાછળ ઠેલાઈ શકે!

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

મતદાર યાદી તૈયાર ન થતા ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ, મનપા અને નગરપાલિકામાં વહીવટદાર રાજની શક્યતા

એપ્રિલ અને મે મહિનામાં ચૂંટણીની શક્યતા
એપ્રિલ અને મે મહિનામાં ચૂંટણીની શક્યતા

ગાંધીનગર: ગુજરાતના રાજકીય અને વહીવટી વર્તુળોમાં આગામી મહિનાઓ માટે મહત્વના ફેરફારના સંકેતો મળી રહ્યા છે. રાજ્યમાં ‘મિની વિધાનસભા’ તરીકે ઓળખાતી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ હવે સમયસર યોજાવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. પરિણામે અમદાવાદ સહિત રાજ્યની 17 મહાનગરપાલિકાઓ, 80 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 180થી વધુ તાલુકા પંચાયતોમાં તાત્કાલિક સમયગાળા માટે વહીટદાર રાજ લાગુ થવાની પ્રબળ શક્યતા ઉભી થઈ છે.

મુખ્ય કારણ તરીકે સીમાંકન, અનામત બેઠકોનું પુનઃનિર્ધારણ અને મતદાર યાદીની અંતિમ પ્રક્રિયામાં વિલંબ સામે આવી રહ્યો છે. ખાસ કરીને આ વખતે 27 ટકા ઓબીસી અનામતના અમલ અને વસ્તી ગણતરીના આધારે બેઠકો ફાળવવાની પ્રક્રિયા હજી પૂર્ણ ન થતાં ચૂંટણીની સમયરેખા આગળ ખસતી જાય છે. નવરચિત મહાનગરપાલિકાઓમાં વોર્ડ રચના અને વહીવટી માળખું ગોઠવવામાં પણ નોંધપાત્ર સમય લાગી રહ્યો છે.

વહીવટી સૂત્રોના જણાવ્યા મુજબ, હાલની ચૂંટાયેલી પાંખોની મુદત પૂર્ણ થતા જ રાજ્ય સરકાર દ્વારા આ તમામ સંસ્થાઓમાં કલેક્ટર અથવા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવશે. આ દરમિયાન નીતિગત અને વિકાસલક્ષી મોટા નિર્ણયો પર અણૌપચારિક બ્રેક લાગશે, જ્યારે રોજિંદા અને આવશ્યક વહીવટી કામકાજ અધિકારીઓના હસ્તક ચાલતું રહેશે.

પરિસ્થિતિને વધુ જટિલ બનાવતું એક મહત્વનું પરિબળ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલો મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ છે. હાલ ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં આ વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યની તમામ 17 મહાનગરપાલિકા, 80 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને લગભગ 180 તાલુકા પંચાયતોની ચૂંટણી નવી અને અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ જ યોજી શકાય તેવો કાનૂની બંધારણ છે.

ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર, મતદાર યાદીમાંથી નામ કમી કરવા કે સુધારવા સંદર્ભે આવેલી અરજીઓ પર હાલમાં પ્રક્રિયા ચાલી રહી છે અને 17 ફેબ્રુઆરીએ સુધારેલી મતદાર યાદી જાહેર થવાની છે. ત્યાં સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવી શક્ય નથી. આ ઉપરાંત ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ તેમજ ત્યારબાદ શાળાઓની આંતરિક પરીક્ષાઓ શરૂ થતી હોવાથી ચૂંટણી આયોજન વધુ મુશ્કેલ બન્યું છે.

આ તમામ પરિસ્થિતિ વચ્ચે 9 માર્ચના રોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તમામ જિલ્લાકક્ષાના કલેક્ટરો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ચૂંટણીના સંભવિત સમયપત્રક, વહીવટદાર રાજની અવધિ અને તબક્કાવાર ચૂંટણી અંગે ચર્ચા થવાની શક્યતા છે. સૂત્રો માને છે કે એપ્રિલના અંત ભાગમાં અથવા મેના પ્રથમ પખવાડિયામાં તબક્કાવાર રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની દિશામાં વિચાર થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021-22માં ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન કોરોનાની નિયંત્રણો વચ્ચે આવી ‘મિની વિધાનસભા’ સમાન ચૂંટણીઓ યોજાઈ હતી. જોકે આ વખતે પરિસ્થિતિ ભિન્ન છે અને મતદાર યાદીની પ્રક્રિયા સૌથી મોટો અવરોધ બની છે. પરિણામે રાજ્યના રાજકારણમાં આગામી કેટલાક મહિના સુધી વહીવટી શાસન કેન્દ્રસ્થાને રહે તેવી સંભાવના વધુ મજબૂત બની છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *