Final Up to date:
Korba Bridge Theft Information: સિવિલ લાઇન પોલીસ સ્ટેશનની CSEB પોલીસ ચોકીમાં આખે આખા 60 ફૂટ લાંબા પુલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ વહીવટ તંત્ર અને પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે.
છત્તીસગઢના કોરબામાં એક ચોંકાવનારી ઘટના બની છે. જેની જાણ થતાં પોલીસ વિભાગમાં પણ હડકંપ મચી ગયો છે. ખરેખર, સિવિલ લાઇન પોલીસ સ્ટેશનની CSEB પોલીસ ચોકીમાં આખે આખા 60 ફૂટ લાંબા પુલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. કલેક્ટર કોરબા કુણાલ દુદાવત અને SP સિદ્ધાર્થ તિવારીને ફરિયાદ કરાયા બાદ આ રિપોર્ટ નોંધાઈ છે અને આ મામલે વહીવટ તંત્ર અને પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. પોલીસે ચોરી થયેલા પુલની શોધખોળ માટે એક સ્પેશિયલ ટીમ (SIT) બનાવી છે
છત્તીસગઢના કોરબામાં શહેરના મધ્ય ભાગમાંથી પસાર થતી નહેર પર વર્ષોથી બનેલો એક પુલ રાતો-રાત ચોરી થઈ ગયો છે. કોર્પોરેશનના વોર્ડ નંબર 17ના નાગરિકોના આવન-જાવન માટે આ પુલ આશરે 40 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો.
રાતો રાત પુલ ગાયબ થઈ જતાં કોર્પોરેટર લક્ષ્મણ શ્રીવાસે અરજી તૈયાર કરી અને SP સિદ્ધાર્થ તિવારી પાસે પહોંચીને ફરિયાદ નોંધાવી. તેઓએ કલેક્ટર કુણાલ દુદાવતને પણ લેખિતમાં ફરિયાદ કરી છે અને પુલ ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી. પોલીસ અધિક્ષક અને કલેક્ટરને ફરિયાદ કર્યા બાદ પોલીસ વિભાગ અને વહીવટ તંત્રમાં હડકંપ મચી ગયો છે. પોલીસે એક વિશેષ તપાસ ટીમની રચના કરીને મામલાની ઝડપી તપાસ શરૂ કરી દીધી છે.
જે પુલ ચોરી થયો છે, તે મજબૂત લોખંડનો બનેલો હતો. મોટા-મોટા લોખંડના ગર્ડર એટલે કે રેલવેના પાટા જેવી રચનાથી આ 60 ફૂટ લાંબો પુલ શહેરી વિસ્તારમાં નહેર બન્યા બાદ નાગરિકોના આવનજાવન માટે બનાવવામાં આવ્યો હતો. ગર્ડરની ઉપર લોખંડની મોટી-મોટી પ્લેટ લગાવવામાં આવી હતી. આ પુલ એટલો મજબૂત હતો કે છેલ્લા 40 વર્ષમાં તેને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. આ જ પુલ રાતોરાત ચોરી થઈ ગયો છે. ઘટનાસ્થળે પુલને ગેસ કટરથી કાપવાના નિશાન મળી આવ્યા છે.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આ ચોરી શહેરમાં સક્રિય સ્ક્રેપ માફિયાએ કરાવી છે. ચોરી થયેલા પુલનું વજન અંદાજે 25થી 30 ટન છે અને તેની બજાર કિંમત આશરે 15 લાખ રૂપિયા છે. ચોરોએ કોરબા શહેરમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે નગર નિગમ દ્વારા પાથરવામાં આવેલી પાણીની પાઈપલાઈનની સુરક્ષા માટે તેની ત્રણ દિશામાં લગાવેલા લોખંડના મોટા સુરક્ષા કવચને પણ કાપીને ચોરી લીધા છે. જોકે, પાણીની પાઈપલાઈન સુરક્ષિત છે, નહીં તો કોરબાના 2.5 લાખથી વધુ લોકો પાણી તરસી જાત અને શહેરમાં હાહાકાર મચી જાત.
Jan 23, 2026 10:35 AM IST

