પ્રાપ્ત વિગતો મુજબ, તા.22/01/2026ના રોજ બપોરે આશરે 3:30 વાગ્યે રીટાબેન કોરાટે પોતાના દીકરા રાજ હરેશભાઈ કોરાટને ફોન કરી તબિયત બરાબર ન લાગતી હોવાનું જણાવતાં તેઓને ઘરે આવવા કહ્યું હતું. દીકરો ઘરે પહોંચ્યો ત્યારે રીટાબેનને વોમિટ થતી હતી તેમજ શરીરમાં ભારે કમજોરી જણાતી હતી. તાત્કાલિક તેમને નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી ડોક્ટરે વધુ સારવાર માટે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં જવાની સલાહ આપી હતી.
ડાયમંડ હોસ્પિટલમાં જરૂરી તપાસ કર્યા બાદ, ડો. દીપેશ કક્કડ (ન્યુરો સર્જન) અને ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. આ ગંભીર ક્ષણે પરિવારના હરેશભાઈ કોરાટ, રાજ કોરાટ, રાજવી કોરાટ, કૌશિકભાઈ કોરાટ, કેશવલાલ ભુવા, વિપુલભાઈ ભુવા, દિનેશભાઈ અભંગી, કિશોરભાઈ રીબડીયા દ્વારા માનવતાપૂર્ણ અને સાહસિક અંગદાન માટે નિર્ણય લેવા માટે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
કોરાટ પરિવારને અંગદાનની સમજ આપવામાં આવતા તેઓએ અંગદાન કરવા માટેની સંમતિ આપી હતી. પરિવારના સભ્યોની સંમતિ મળતા તેઓનું સોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરવામાં આવેલ જે અંતર્ગત IKDRC હોસ્પિટલ, અમદાવાદ દ્વારા લિવર અને બંને કિડની (2) સ્વીકારવામાં આવ્યા, તેમજ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક દ્વારા બન્ને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. રીટાબેન કોરાટના અંગદાનથી કુલ પાંચ દર્દીઓને નવજીવન મળ્યું છે.
રીટાબેન કોરાટના પરિવારજનોએ દુઃખની ઘડીમાં પણ સમાજહિતનો વિચાર કરી જે મહાન નિર્ણય લીધો છે, તે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. અંગદાન એ મૃત્યુ પછી પણ જીવન જીવતું રાખવાની સર્વોચ્ચ સેવા છે, અને વધુમાં વધુ લોકો આ વિષયમાં જાગૃત થાય તે સમયની સૌથી મોટી જરૂરિયાત છે.
અંગદાનની સમગ્ર પ્રક્રિયામાં ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી. પી. વાનાણી, દિનેશભાઈ નાવડીયા, માવજીભાઈ માવાણી, એડમીન ડો. હરેશ પાગડા સાહેબ, ડો. દીપેશભાઈ કક્કડ તથા સમગ્ર હોસ્પિટલ પરિવાર અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પી.એમ. ગોંડલિયા, વિપુલભાઈ તળાવીયા, જસ્વીનભાઈ કુંજડીયા, ડો. નીલેશભાઈ કાછડિયા, બીપીનભાઈ તળાવીયા, નીતિનભાઈ ધામેલીયા, લક્ષ્મણભાઈ કોરાટ, સાગર કોરાટ, અભિષેક સોનાણી, આશિષ સાવલિયા, સ્મિત ઠુંમર, પાર્થ કોરાટ સહિત ટીમ જીવનદીપના સભ્યોએ મહેનત કરી હતી.
વધુમાં વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે, ડાયમંડ હોસ્પિટલ અને ટીમ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી કોરાટ પરિવારના સ્વજનનું 29મું સફળ અંગદાન થયું છે.
