Operation Sindoor : ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થયું છે. ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂરું થવા પર એર માર્શલ અવધેશ કુમાર ભારતીએ જણાવ્યું હતું કે આ ઓપરેશન દરમિયાન ભારતને કેટલું નુકસાન થયું હતું. તેમણે સરળ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન તરફથી આપણા કોઈ પણ સૈન્ય માળખાને નુકસાન થયું નથી. એકે ભારતીએ કહ્યું કે પાકિસ્તાને જે પણ નિશાન બનાવ્યું હતું, અમે તેને પહેલા દ ખતમ કરી દીધું હતું.
ઓપરેશન સિંદૂરમાં ભારતને કેટલું નુકસાન થયું હતું?
એર માર્શલ અવધેશ કુમાર ભારતીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે પાકિસ્તાન આપણને કોઈ મોટું નુકસાન પહોંચાડી શક્યું નથી. કોઈ સૈન્ય માળખું અથવા કોઇ નાગરિક માળખાનો મોટો ભાગ ધ્વસ્ત કરી શક્યા નથી. તેઓ ગમે તે કહે છે પણ યાદ રાખો કે નિવેદનબાજીથી જીત નથી મળતી. વિજય નક્કર તથ્યો દ્વારા માપવામાં આવે છે.
એર માર્શલ ભારતીએ કહ્યું કે ઓપરેશન સિંદુરે સાબિત કર્યું છે કે ભારતની શાંતિની ઇચ્છાને નબળાઈ સમજવી જોઇએ નહીં. તેમણે કહ્યું કે જ્યારે અમે કાર્યવાહી કરીએ છીએ ત્યારે અમે કોઈ અધૂરા પગલાં ઉઠાવતા નથી. તે નિર્ણાયક અને સુનિયોજિત હોય છે. જ્યારે પ્રથમ લક્ષ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે તે નિર્ણાયક હુમલો પહેલગામના પીડિતોના પરિવારો માટે લગભગ આંશિક ન્યાય હતો. ભારતના સૈન્ય ઉદ્દેશો મર્યાદિત રહ્યા અને માત્ર આતંકવાદી માળખા પર કેન્દ્રિત હતા.
પાકિસ્તાનની વિનંતી પર ઓપરેશન બંધ કર્યું હતું
એર માર્શલ ભારતીએ કહ્યું કે અમારી લડાઈ આતંકવાદીઓ અને તેમના સમર્થક સ્ટ્રક્ચર સામે હતી, કોઈ પણ પ્રકારના નુકસાન માટે નહીં. તેમણે કહ્યું કે આ આત્મરક્ષા સિવાય બીજું કંઈ ન હતું. એર માર્શલ ભારતીએ કહ્યું કે અમે પાકિસ્તાનની વિનંતી પર ઓપરેશન બંધ કર્યું હતું. અમે સંદેશો આપ્યો અને સંદેશો ખૂબ જ સ્પષ્ટ હતો કે આતંકવાદી કૃત્યોના પરિણામો ભોગવવા પડશે.
અમેરિકા-ઈરાન યુદ્ધ સમાપ્ત થવાના આરે, અમેરિકી વિદેશ મંત્રી રુબિઓએ કહ્યું – ઓપરેશન એપિક ફ્યુરી ખતમ
એકે ભારતીએ કહ્યું કે જ્યારે શાંતિ માટેની આમારી ઇચ્છાને આપણી નબળાઈ માનવામાં આવે છે અને આપણા મૌનને આપણી ગેરહાજરી તરીકે અર્થઘટન કરવામાં આવે છે, ત્યારે અમારી પાસે કાર્યવાહી કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. તેમણે કહ્યું કે જ્યારે અમે કોઇ કાર્યવાહી કરીએ છીએ, ત્યારે તે અધૂરી હોતી નથી. એર માર્શલ ભારતીએ કહ્યું કે આપણે સંકલ્પ કરવો જોઈએ કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થવું જોઈએ. તેમણે વધુ એક વાત સ્પષ્ટ કરી કે ઓપરેશન સિંદૂર હજુ પણ હોલ્ડ પર છે.
એર માર્શલ એકે ભારતીએ કહ્યું – 13 પાકિસ્તાની વિમાનોને તોડી પાડ્યા હતા
એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે અમે 7 મેના રોજ પાકિસ્તાનમાં હાજર 9 આતંકી કેમ્પો પર હુમલો કર્યો હતો અને તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધા હતા. તેનો પુરાવો બધાની સામે છે. અમે તેમના 11 એરપોર્ટ પર હુમલો કર્યો હતો. અમે જમીન પર અથવા હવામાં તેમના 13 વિમાનો નષ્ટ કર્યા હતા. જેમાં 300 કિલોમીટરથી વધુના રેકોર્ડ અંતરે તોડી પાડવામાં આવેલ એક મૂલ્યવાન હવાઈ જેટનો પણ સમાવેશ થાય છે.
