સાવધાન! ઇન્સ્ટાગ્રામ પર સમસ્યાઓ ઉકેલવાના નામે ચાલે છે મોટું કૌભાંડ, દિલ્હી પોલીસે 2 ઠગની કરી ધરપકડ

સાવધાન! ઇન્સ્ટાગ્રામ પર સમસ્યાઓ ઉકેલવાના નામે ચાલે છે મોટું કૌભાંડ, દિલ્હી પોલીસે 2 ઠગની કરી ધરપકડ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Instagram Cyber Fraud Case: ઇન્સ્ટાગ્રામ પર ‘ઓલ પ્રોબ્લેમ સોલ્વ’ નામનું ફેઇથ હીલિંગ પેજ બનાવીને લોકોની આસ્થા અને લાચારીનો ફાયદો ઉઠાવતા એક મોટા સાયબર સ્કેમનો દિલ્હી પોલીસે પર્દાફાશ કર્યો છે. પંજાબના મોહાલીથી ઝડપાયેલા ગણેશ અને મનદીપ સિંહ નામના બે નકલી આધ્યાત્મિક ગુરુઓએ “અનવર અલી મૌલાના જી” ના નામે દેશભરના અંદાજે 2,000 લોકો સાથે છેતરપિંડી કરી છે. નોકરીની શોધમાં ભટકતી એક 22 વર્ષની એન્જિનિયર યુવતીએ આ જાળમાં ફસાઈને વિધિ અને હવનના નામે ₹2 લાખ ગુમાવ્યા છે.

‘ઓલ પ્રોબ્લેમ સોલ્વ’ ઇન્સ્ટાગ્રામ પેજ પર રયાયું સ્કેમ

ઓલ પ્રોબ્લેમ સોલ્વ હીલિંગ ઇન્સ્ટાગ્રામ પેજ સ્કેમનો પર્દાફાશ કરતાં ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ રોહિત રાજબીરે કહ્યું કે, બે ત્રણ વર્ષથી ચાલતા નેટવર્કમાં દેશના અનેક લોકો સાથે છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યું છે. 

એપ્રિલના મધ્યમાં ઇન્સ્ટાગ્રામ પર મળેલા એક નંબર પર જ્યારે આ એન્જિનિયરે “Hello” લખીને મોકલ્યું, ત્યાં સુધીમાં તે પોતાની તમામ માનસિક શક્તિ ગુમાવી ચૂકી હતી. 22 વર્ષની આ બી.ટેક (B.Tech) ગ્રેજ્યુએટ યુવતી માટે જીવન ઘણું મુશ્કેલ બની ગયું હતું: તેણે મહિનાઓ સુધી નોકરી માટે અરજીઓ કરી અને અસંખ્ય ઇન્ટરવ્યુ આપ્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી. સતત મળી રહેલી અસ્વીકૃતિથી તે વધુને વધુ નિરાશ થઈ રહી હતી.

તેવામાં ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરતી વખતે તેની નજર ‘ઓલ પ્રોબ્લેમ સોલ્વ’ નામના ફેઇથ હીલિંગ પેજ પર પડી. તેને લાગ્યું કે તેની સમસ્યાઓનો ઉકેલ મળી ગયો છે. આ પેજના કોમેન્ટ સેક્શનમાં લોકો “મૌલાના જી” ની પ્રશંસા કરી રહ્યા હતા કે કેવી રીતે તેમણે આવી જ મુશ્કેલીઓમાંથી લોકોને બહાર કાઢ્યા હતા.

જો કે, તે એ વાતથી અજાણ હતી કે તે એક એવી જાળમાં ફસાવા જઈ રહી છે જે પોલીસના જણાવ્યા અનુસાર તેના જેવા જ લાચાર લોકો માટે બિછાવવામાં આવી હતી; એવા લોકો જેઓ પોતાના પ્રેમ, પરિવાર અને આર્થિક મુશ્કેલીઓનો ઉકેલ શોધી રહ્યા હોય. આગામી ત્રણ દિવસમાં આ યુવતીએ 2 લાખ રુપિયા ગુમાવ્યા.

દિલ્હી પોલીસે ગણેશ અને મનદીપની ધરપકડ કરી

Instagram Fraud Case Delhi Police Arrest Ganesh and Mandeep
ઇન્સ્ટાગ્રામ સાયબર ફ્રોડ કેસમાં દિલ્હી પોલીસે ગણેશ અને મનદીપની ધરપકડ કરી {Photograph}: (Social)

લગભગ એક મહિના પછી, જ્યારે દિલ્હી પોલીસે આખરે આ કેસનો પર્દાફાશ કર્યો, ત્યારે એક નવો ખુલાસો થયો. આ કૌભાંડનો કથિત માસ્ટરમાઇન્ડ “મૌલાના જી” વાસ્તવમાં કોઈ મૌલાના હતો જ નહીં. યુવતીની ફરિયાદના આધારે પોલીસે પંજાબના મોહાલી જિલ્લાના ખરાર સ્થિત એક ફ્લેટમાંથી ગણેશ અને મનદીપ સિંહ નામના બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જેઓ આધ્યાત્મિક ગુરુ હોવાનો ઢોંગ કરીને લોકોને છેતરતા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, મૂળ રાજસ્થાનના શ્રી ગંગાનગરના રહેવાસી આ શંકાસ્પદ આરોપીઓ કાલ્પનિક ફેઇથ હીલર “અનવર અલી મૌલાના જી” ના સહાયક હોવાનો ડોળ કરતા હતા. તેઓ “વિધિઓ” અને “હવન” ના નકલી વીડિયો મોકલીને લોકોને શરૂઆતમાં નાની રકમ અને ત્યારબાદ મોટી રકમ ચૂકવવા માટે લલચાવતા હતા. આ કૌભાંડ દેશના ઘણા રાજ્યોમાં ચલાવવામાં આવી રહ્યું હતું.

તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને છેલ્લા બે થી ત્રણ વર્ષથી આ નેટવર્ક ચલાવી રહ્યા હતા. પૂછપરછ દરમિયાન, તેમણે સમગ્ર ભારતમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી હોવાનું ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેન્ટ્રલ) રોહિત રાજબીરે જણાવ્યું.

તેમણે વધુમાં ઉમેર્યું કે, અમે પંજાબ, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિતના રાજ્યોની અંદાજે 2,000 વ્યક્તિઓ સાથેની ચેટ રિકવર કરી છે. તેમાંથી ઓછામાં ઓછી 30 વ્યક્તિઓએ તેમને પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનું જણાય છે.

તપાસમાં સામેલ એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ 22 વર્ષની પીડિતા માટે આ ઘટનાનો આઘાત વ્યક્તિગત છે. તે ભારે આઘાતમાં છે કારણ કે તેણે પોતાની તમામ બચત ગુમાવી દીધી છે. તેણે તેના માતા-પિતાને આ અંગે કંઈ કહ્યું નથી, માત્ર તેના ભાઈને જ ખબર છે, પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની અનુભૂતિ થતાં જ તેને થોડા દિવસો માટે હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તે હજી પણ તેના પૈસા પાછા મળવાની આશા રાખી રહી છે.

આ બંને પુરુષો એ વાત સારી રીતે જાણતા હતા કે લોકો સામાન્ય રીતે પીર બાબા પ્રત્યે ઘણો આદર રાખે છે. અમે એ પણ જોયું છે કે પોતાનો ધર્મ ગમે તે હોય, પણ ઘણા લોકો માને છે કે પીર બાબા પાસે અદ્ભુત શક્તિઓ હોય છે, અને આ 22 વર્ષની યુવતી પણ અલગ નહોતી.

તે દિવસે શું બન્યું હતું?

આ ઘટનાની શરૂઆત 23 એપ્રિલના રોજ થઈ હતી. 22 વર્ષની યુવતી ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી રહી હતી ત્યારે તેની સામે એક પેજ આવ્યું, જેમાં ડિસ્પ્લે પિક્ચર તરીકે સળગતી મીણબત્તીનો ફોટો અને એક મોબાઈલ નંબર હતો. આ પેજનું નામ ‘ઓલ પ્રોબ્લેમ સોલ્વ’ હતું.

“હેલો,” યુવતીએ તે પેજ પર આપેલા મોબાઈલ નંબર પર મેસેજ કર્યો. “મને તમારો નંબર ઇન્સ્ટાગ્રામ પરથી મળ્યો છે… શું તમે મને મદદ કરી શકો?

સામેથી તરત જ જવાબ આવ્યો. “જી બોલો, શું સમસ્યા છે? આ મેસેજ કોઈ મહિલા દ્વારા કરવામાં આવ્યો હોય તેવું લાગતું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાનો વિશ્વાસ જીતવામાં આ ચેટની મોટી ભૂમિકા હતી. પ્રોફાઇલ હેન્ડલ કરતી તે “મહિલા” એ 22 વર્ષની યુવતીને ખાતરી આપી કે “મૌલાના જી” એક શક્તિશાળી ફેઇથ હીલર છે જેમણે તેની પોતાની સમસ્યાઓનો પણ ચમત્કારિક ઉકેલ લાવ્યો હતો.

ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ પીડિતા પર વોટ્સએપ ઓડિયો કોલ આવ્યો. સામેની વ્યક્તિ એક વૃદ્ધ પુરુષ હતો જેણે પોતાનો પરિચય “અનવર અલી મૌલાના જી” તરીકે આપ્યો. પાંચ મિનિટ સુધી ચાલેલી આ વાતચીત દરમિયાન તેણે યુવતીને વારંવાર “બેટા” કહીને સંબોધી અને તેની વિગતો નોંધતો હોય તેવો ડોળ કર્યો. આ જ વાતચીત દરમિયાન, તેણે યુવતીની જમણી હથેળીનો ફોટો માંગ્યો અને “તમારો શનિ ભારે છે તેમ કહીને “હવન” વિધિ માટે રૂ. 2,500 ની માંગણી કરી.

“પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવવાની ઉતાવળમાં આ 22 વર્ષની યુવતીએ એવો કોઈ પ્રશ્ન ન પૂછ્યો કે એક મુસ્લિમ વ્યક્તિ હિન્દુ ધર્મની વિધિ એવો હવન પૂજા કેમ કરી રહ્યો છે. તેણે તેનો વિશ્વાસ એટલે કર્યો કારણ કે ફોન પર રહેલી વ્યક્તિએ તેને કહ્યું હતું કે આ વિધિ સ્મશાન નજીક કરવામાં આવશે.

ત્યારબાદના થોડા કલાકોમાં, તેને સ્મશાન જેવી જગ્યા નજીક થઈ રહેલા “હવન” નો 3 સેકન્ડનો એક વીડિયો બતાવવામાં આવ્યો. તપાસકર્તાઓને પાછળથી જાણવા મળ્યું કે આ જ વીડિયો અન્ય ઘણા લોકોને પણ મોકલવામાં આવ્યો હતો.

અધિકારીએ જણાવ્યું કે, “ત્યાર પછી પીડિતા જ્યારે પણ ચેટ શરૂ કરતી, ત્યારે આરોપીઓ વાતચીતની શરૂઆત ‘અસ્સલામ વાલેકુમ’ અરેબિક ગ્રીટિંગનું ખોટી જોડણીવાળું સ્વરૂપથી કરતા હતા. આ બધું પીડિતાને વિધિઓ થઈ રહી હોવાનો વિશ્વાસ અપાવવાનું એક સુઆયોજિત નાટક હતું.”

ટૂંક સમયમાં જ પૈસાની માંગણી વધવા લાગી, પીડિતા પાસે પૂજા ચાર્જ, સોલ્યુશન ફી, વિધિનો ખર્ચ અને મુશ્કેલી નિવારણ ચાર્જ તરીકે નાણાં માંગવામાં આવ્યા. પરિણામે, તેણે ચાર અલગ અલગ હપ્તામાં 2 લાખ રુપિયા મોકલ્યા. આરોપીઓએ ટ્રાન્સફર માટે તેને ઘણા બધા ક્યુઆર (QR) કોડ અને બેંક ખાતાની વિગતો આપી હતી.

એક અધિકારીએ જણાવ્યું કે, “શરૂઆતના 2,500 રુપિયા લીધા પછી, આરોપીઓએ ફરીથી ફોન કરીને કહ્યું કે વિધિમાં કંઈક ખોટું થયું છે અને બીજા હવનની જરૂર છે. પીડિતાને વારંવાર કહેવામાં આવ્યું કે નકારાત્મક શક્તિઓ ‘ધારણા કરતાં વધુ મજબૂત’ છે અને પ્રક્રિયા ફરીથી કરવા માટે વધુ પૈસાની જરૂર પડશે.

“એક તબક્કે તો તેને બે વાર 71,000 રુપિયા ચૂકવવા માટે પણ તૈયાર કરી લેવાઈ હતી, અને એવું વચન અપાયું હતું કે અસફળ પ્રયાસના પૈસા પાછા આપી દેવામાં આવશે. તેની પાસે હથેળીના વધુ ફોટા પણ મંગાવવામાં આવ્યા હતા,” તેમ અધિકારીએ જણાવ્યું.

જ્યારે ફોન આવવાના બંધ થઈ ગયા અને મેસેજના જવાબો મળવાના બંધ થયા, ત્યારે જ આ 22 વર્ષની યુવતીને સમજાયું કે કંઈક ગરબડ છે.

તેમણે તેના ફોન અને મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. તેણે ઇન્સ્ટાગ્રામ દ્વારા પણ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં પણ કોઈ સફળતા ન મળી. બે દિવસ સુધી સતત પ્રયાસો કર્યા પછી તેને સમજાયું કે તેની સાથે છેતરપિંડી થઈ છે.

કેવી રીતે થયો કેસનો ખુલાસો?

2 મેના રોજ, યુવતીએ દિલ્હી પોલીસની સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર સંપર્ક કર્યો, જેનાથી આ મામલે તપાસ શરૂ થઈ. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેન્ટ્રલ) રોહિત રાજબીરે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, ફરિયાદમાં આપવામાં આવેલા વોટ્સએપ નંબર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની વિગતોના આધારે ઇન્સ્પેક્ટર યોગરાજ દલાલ, સબ-ઇન્સ્પેક્ટર ગૌરવ સિંહ અને હેડ કોન્સ્ટેબલ ક્રાંતિ કુમારની આગેવાની હેઠળની તપાસ ટીમે મોહાલીના ખરારમાં ભાડાના ફ્લેટમાંથી ગણેશ અને મનદીપ સિંહ નામના બે શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી હતી.

ધરપકડ કરાયેલા લોકોમાંથી ગણેશ ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા બેચલર ઓફ આર્ટ્સ (BA) નો અભ્યાસ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે, જ્યારે સિંહ ગ્રેજ્યુએટ છે અને તેની પાસે ડીઝલ એન્જિન મિકેનિક્સનો ડિપ્લોમા છે.

અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, આ બંનેએ પોતાના પરિવારને એવું કહ્યું હતું કે તેઓ મોહાલી (ચંડીગઢ નજીક) ભણવાની સાથે સાથે નોકરી પણ કરી રહ્યા છે.

તપાસકર્તાઓનું કહેવું છે કે આ જોડીએ મહિલાઓના નામે અસંખ્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવ્યા હતા અને તેનો ઉપયોગ ઇન્સ્ટાગ્રામ પેજ પર કોમેન્ટ કરવા માટે કરતા હતા. આ નકલી કોમેન્ટ્સ જોઈને જ્યારે કોઈ સંભવિત ટાર્ગેટ તેમનો સંપર્ક કરતો, ત્યારે આ બેમાંથી એક આરોપી “મૌલાના જી” બની જતો અને પીડિતોને તેમના જીવનની અંગત વિગતો શેર કરવા માટે પ્રોત્સાહિત કરતો હતો.

“ઘણા પીડિતોને તેમની અત્યંત અંગત માહિતી શેર કરવા માટે સહમત કરી લેવાયા હતા, કારણ કે તેઓ માનતા હતા કે તેઓ કોઈ સાચા આધ્યાત્મિક સલાહકાર સાથે વાત કરી રહ્યા છે,” તેમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું.

આ રીતે મેળવેલા નાણાં કથિત રીતે ‘મ્યુલ એકાઉન્ટ્સ’ (બીજાના નામે ખોલાવેલા ખાતા) માં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. ગયા અઠવાડિયે, પોલીસે આ ફંડ ટ્રાન્સફરમાં મદદ કરવાના આરોપમાં વધુ બે વ્યક્તિઓ — 24 વર્ષના અમરનાથ અને 22 વર્ષના દીપાંશુની ધરપકડ કરી હતી. આ બંને “આર્થિક રીતે નબળા લોકોના બેંક ખાતાની વ્યવસ્થા” કરી આપતા હોવાનો આક્ષેપ છે. આ કેસનો વધુ એક શંકાસ્પદ આરોપી હાલ ફરાર છે.

રાજબીરે જણાવ્યું કે, “પૈસાની માંગણી 1,000 રુપિયા જેવી નાની રકમથી શરૂ થતી હતી અને પીડિતાની ક્ષમતાના આધારે વધતી જતી હતી. ઘણા લોકોએ 1,000 થી 4,000 રુપિયા સુધીની રકમ ચૂકવી દીધી હતી અને ક્યારેય ફરિયાદ પણ નોંધાવી ન હતી.”

પોલીસે પાંચ સ્માર્ટફોન જપ્ત કર્યા છે, જેની હાલ ચાલુ તપાસના ભાગરૂપે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અન્ય પીડિતોનો પણ સંપર્ક કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આજના ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડના વધી રહેલા કિસ્સા વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર ઓલ પ્રોબ્લેમ સોલ્વ પેજ બનાવી લાચાર અને નિરાશ લોકો સાથે સમસ્યા ઉકેલવાના દિવા સ્વપ્ન બતાની વિધિના નામે લાખો રુપિયા ઠગી લેવાતા હતા. પોલીસે જ્યારે બે શખ્સોને ઝડપી લેતાં સામે આવેલી ચોંકાવનારી વિગતો સમાજ માટે લાલબત્તી સમાન છે. 

આ પણ વાંચો । કેતન હત્યાકાંડ મામલે પોલીસને મળી ચૌંકાવનારી વિગતો, 4400 ફોન કોલ્સ અને 6 મોટા ખુલાસા…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *