IPL 2026 Last RCB vs GT : આઈપીએલ 2026ની ફાઈનલ મેચ 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. બંને ટીમો બીજી વખત ચેમ્પિયન બનવા માટે પ્રયત્ન કરશે. બંને ટીમો અત્યાર સુધી એક વખત આઇપીએલ ટાઈટલ જીતી ચૂકી છે. જો આરસીબી આ મેચ જીતશે તો તે સતત બીજી વખત ચેમ્પિયન બનશે, જ્યારે ગુજરાતની ટીમ વર્ષ 2022 બાદ ફરી ટાઈટલ જીતશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગિલ વિ કોહલીનું પ્રદર્શન
આઇપીએલની ફાઇનલમાં બંને ટીમોના ખેલાડીઓ ભારે દબાણ હેઠળ રહેશે અને દરેક જણ પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરશે, પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બધાની નજર આરસીબીના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને ગુજરાતના કેપ્ટન ગિલ પર રહેવાની છે. કોહલી પર સારો દેખાવ કરવાનું દબાણ રહેશે કારણ કે આઇપીએલની ફાઈનલમાં તેનો રેકોર્ડ અત્યાર સુધી ખાસ સારો રહ્યો નથી. પ્રથમ ક્વોલિફાયર મેચમાં પણ તે ખાસ ઝળક્યો ન હતો. બીજી તરફ ગિલે ક્વોલિફાયર-2માં સદી ફટકારી ટીમને જીત અપાવી હતી. તેના કારણે ચાહકો ફાઈનલમાં પણ તેની પાસેથી આવી જ ઈનિંગની અપેક્ષા રાખશે.
અમદાવાદમાં શુભમન ગિલે 1374 રન ફટકાર્યા છે
જો આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલમાં વિરાટ કોહલી અને શુભમન ગિલના પ્રદર્શનની વાત કરીએ તો ગિલનો હાથ ઉપર છે. આ મેદાન પર અત્યાર સુધી ગિલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે જ્યારે વિરાટ કોહલીનો દેખાવ સામાન્ય રહ્યો છે. ગિલે આ મેદાન પર અત્યાર સુધી રમાયેલી આઇપીએલની 31 ઇનિંગ્સમાં 49.07ની પ્રભાવશાળી એવરેજ અને 163ના સ્ટ્રાઇક રેટથી કુલ 1374 રન ફટકાર્યા છે. ગિલે આ સમયગાળા દરમિયાન 3 સદી અને 7 અડધી સદી પણ ફટકારી છે અને તે ક્યારેય શૂન્ય પર આઉટ થયો નથી. ગિલે આ મેદાન પર 132 ફોર અને 54 સિક્સ પણ ફટકારી છે.
વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચ્યો, આઈપીએલમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય પ્લેયર બન્યો
અમદાવાદમાં વિરાટ કોહલીના પ્રદર્શનની વાત કરીએ તો તેણે આ મેદાન પર આઠ ઇનિંગ્સમાં 48.33ની એવરેજ અને 135ની આસપાસ સ્ટ્રાઇક રેટથી 290 રન બનાવ્યા છે. તેણે આ મેદાન પર બે અડધી સદી ફટકારી છે, જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 70 રહ્યો છે. કોહલી અહી ગિલ જેટલી મેચો રમ્યો નથી. કોહલીની વાત કરીએ તો આઈપીએલ 2026માં તેણે અત્યાર સુધીમાં કુલ 600 રન બનાવ્યા છે અને તેની ટીમ ફાઇનલમાં કોહલી પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.
