
ચાલો આજે એક ડોક્ટરની વાત કરીએ જે મુખ પર સ્મિત અને મનમાં દર્દીઓને સ્વસ્થ કરવાની ધગશ છે. પરંતુ જયારે તેજ ડોક્ટરને દર્દીના રૂપમાં પરિવર્તિત થવું પડે ત્યારે તે તેના જીવનની સૌથી મોટી પરીક્ષા બની રહે છે.
અમેરિકાની હોસ્પિટલમાં 28 વર્ષની ડૉ. ભૂમિ સ્ટેથોસ્કોપ ગળામાં નાખીને રોજ અનેક દર્દીઓની સારવાર કરતા હતા. પોતાના સફળ ડોક્ટર બનવાના સપના તરફ આગળ વધી રહ્યા હતા. અચાનક તેમના સપના પર જાણે કુદરતે બ્રેક મારી દીધી. પેટના અસહ્ય દુખાવાની શરૂઆત થઈ. જ્યારે રિપોર્ટ્સ સામે આવ્યા ત્યારે જાણે સમય થંભી ગયો હોય તેવો અહેસાસ થયો. નિદાન થયું પેન્ક્રિયાસ (અગ્ન્યાશય)ના અત્યંત દુર્લભ ટ્યુમરનું જેને વૈજ્ઞાનિક ભાષામાં SPEN કહેવાય છે.
જે હાથ અત્યાર સુધી દર્દીઓને હિંમત આપતા હતા એ જ હાથમાં જ્યારે પોતાની જ બીમારીની ફાઈલ આવી, ત્યારે ડૉક્ટર હોવાનો બધો અનુભવ ઓગળી ગયો અને માત્ર એક ગભરાયેલી દીકરી બાકી રહી ગઈ.
પોતાના પરિવારની છત્રછાયા અને શ્રેષ્ઠ સારવારની શોધમાં તેઓ અમેરિકાથી ભારત આવ્યા. અહીં તેમણે અનેક મોટા ડોક્ટરોની સલાહ લીધી પણ દરેક જગ્યાએથી એક જ જવાબ મળ્યો, ‘વિપ્પલ સર્જરી’. આ એક એવું જટિલ ઓપરેશન હતું જેમાં પેન્ક્રિયાસનો મોટો ભાગ, પિત્તાશય અને જઠરનો કેટલોક હિસ્સો કાઢી નાખવો પડે. ઉંમર નાની અને જે વિકલ્પ હતો તેના માટે ડો ભૂમિનું મન માનતું ન હતું. વિપ્પલ સર્જરીમાં પોતાના અંગનો એટલો મોટો હિસ્સો ગુમાવવો એટલે જાણે કે જીવનની ગતિની થંભાવી દેવી. આ અનિશ્ચિતતાના અંધારામાં તેમને કેડી કેન્સર સેન્ટર ખાતે ડૉ. સોમેશ ચંદ્રા અને તેમની ટીમનો સાથ મળ્યો.
અહીંની ટીમે માત્ર રિપોર્ટના કાગળો ન જોયા પણ ડો ભૂમિના આવનારા પચાસ વર્ષના ભવિષ્યનો વિચાર કર્યો. ડૉ. ચંદ્રાએ તમામ સ્કેનનું ઊંડાણપૂર્વક પુનઃમૂલ્યાંકન કર્યું. ટ્યુમર 2 સેન્ટીમીટરથી નાનું હતું અને સદ્ભાગ્યે મુખ્ય રક્તવાહિનીઓથી સુરક્ષિત અંતરે હતું.
આ પણ વાંચો: મકરબા ઓવરબ્રિજ પાસે ટ્રાફિક સમસ્યા વણસી, ધારાસભ્ય અમિત ઠાકરે પોલીસ કમિશનરને લખ્યો પત્ર
ડૉ. ચંદ્રાએ નક્કી કર્યું કે અહીં શરીરના અંગોને નુકસાન પહોંચાડે એવી ‘મોટી સર્જરી’ નહીં, પણ ડો ભૂમિના ભવિષ્યને સુરક્ષિત રાખે તેવી ‘યોગ્ય સર્જરી’ની જરૂર છે. માટે જ પરંપરાગત વિપ્પલ સર્જરીનો રસ્તો છોડીને ડિસ્ટલ પેનક્રિએટેક્ટોમી વિથ સ્પ્લેનેક્ટોમી (DPPHR) પદ્ધતિ પસંદ કરી. આ એક એવી અત્યાધુનિક સર્જરી હતી જેમાં કેન્સરના ટ્યુમરને જડમૂળથી દૂર પણ કરી શકાય અને દર્દીના જઠર તેમજ પેન્ક્રિયાસના સ્વસ્થ ભાગને બચાવી પણ શકાય.
ઓપરેશન થિયેટરની બહાર રાહ જોઈ રહેલા પરિવાર માટે એ કલાકો ખૂબ ભારે હતા. પણ જ્યારે સર્જરી પૂરી થઈ અને ઓપરેશન થિયેટરના દરવાજા ખુલ્યા, ત્યારે ડૉ. ચંદ્રાની આંખોમાં જીતનો વિશ્વાસ હતો. માત્ર ૫ જ દિવસમાં ડૉ. ભૂમિ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને પોતાના પગ પર ચાલીને ઘરે ગયા. જ્યારે ફાઇનલ પેથોલોજી રિપોર્ટે પુષ્ટિ કરી કે કેન્સરનો એક પણ કણ બાકી નથી રહ્યો, ત્યારે પરિવારની આંખોમાંથી વહેતા અશ્રુઓ રાહત અને કૃતજ્ઞતામાં બદલાઈ ગયા.
આજે ડૉ. ભૂમિ ફરીથી એ જ આત્મવિશ્વાસ સાથે પોતાના દર્દીઓની સેવામાં પોતે પહેરેલા સફેદ કોટમાં સજ્જ છે. એમની આ સફર સાબિત કરે છે કે સાચી કેન્સર સારવાર એ જ છે જે દર્દીને માત્ર રોગમુક્ત ન કરે, પણ તેને એક સુંદર અને સંપૂર્ણ ભવિષ્ય જીવવાની આશા પણ આપે.
