NEET UG 2026 રદ: ઈતિહાસમાં પહેલીવાર NTA એ કેમ લીધો આટલો મોટો નિર્ણય? જાણો સંપૂર્ણ સત્ય

NEET UG 2026 રદ: ઈતિહાસમાં પહેલીવાર NTA એ કેમ લીધો આટલો મોટો નિર્ણય? જાણો સંપૂર્ણ સત્ય

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


મેડિકલ પ્રવેશ માટે લેવાતી દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષા નીટ યૂજી 2026 (NEET UG 2026 Examination) છેવટે રદ કરવામાં આવી છે. અંદાજે 22.05 લાખ ઉમેદવારો દ્વારા 3 મે 2026 ના રોજ આ પરીક્ષા આપવામાં આવી હતી. જોકે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) એ મંગળવારે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. 

ભૂતકાળમાં પેપર લીક અને ગેરરીતિઓના આક્ષેપો સામે આવ્યા છે પરંતુ અત્યાર સુધી આખી પરીક્ષા ક્યારેય રદ કરવામાં આવી નથી. જોકે આ વખતે NTA એ ગેસ પેપર અને પ્રશ્નોના કથિત લીક અંગેના તપાસ એજન્સીઓના અહેવાલ બાદ ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે.

NEET UG 2026 કેમ રદ કરાઇ?

નેશનલ ટેસ્ટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર, 7 મેના રોજ, એજન્સીને નીટ યુજી પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને પેપર લીક સંબંધિત માહિતી મળી હતી. જે અંગે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો પર પ્રશ્નોને લગતી પીડીએફ ફાઇલ વાયરલ થઈ હતી. 

જેને પગલે 8 મેના રોજ આ કેસ તપાસ એજન્સીઓને સોંપવામાં આવ્યો હતો. પ્રારંભિક તપાસમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે પરીક્ષા પહેલા જ આ દસ્તાવેજ ઉમેદવારો સુધી પહોંચી ગયો હતો કે નહીં.

આ દરમિયાન રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ દાવો કર્યો છે કે, 410 પ્રશ્નો ધરાવતું “ગેસ પેપર” મળ્યું છે, જેમાંથી લગભગ 120 પ્રશ્નો વાસ્તવિક પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા. આ પછી મામલો ગંભીર બન્યો હતો. 

છેવટે મંગળવારે એનટીએએ સત્તાવાર રીતે જાહેર કર્યું કે, કેન્દ્રીય એજન્સીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એજન્સીએ કહ્યું કે પરીક્ષા પ્રણાલીમાં વિદ્યાર્થીઓનો વિશ્વાસ જાળવી રાખવો સૌથી મહત્વપૂર્ણ છે. જેને પગલે આ નિર્ણય લેવાયો છે. 

ફરી રજિસ્ટ્રેશન કરવું નહીં પડે

NTAએ પરીક્ષા રદ કરવાના મામલે એ પણ સ્પષ્ટતા કરી છે કે NEET UG 2026 ફરીથી યોજવામાં આવશે. આ માટે, ઉમેદવારોએ નવેસરથી અરજી કરવાની અથવા ફરીથી પરીક્ષા ફી જમા કરવાની જરૂર રહેશે નહીં.

એજન્સીએ કહ્યું કે રાષ્ટ્રીય પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એનટીએના જણાવ્યા અનુસાર, પરીક્ષા ચાલુ રાખવાથી લાંબા ગાળે વિદ્યાર્થીઓના વિશ્વાસને નુકસાન થઈ શકે છે.

શું અગાઉ લીક થવાના આક્ષેપો થયા હતા?

નીટની પરીક્ષામાં ગેરરીતિઓ અને પેપર લીક થવાના આક્ષેપો દર વર્ષે સામે આવે છે. જો કે, 2024નો કેસ સૌથી વધુ ચર્ચામાં હતો. તે સમયે ઝારખંડ અને બિહારમાં પેપર લીકનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. સીબીઆઈની તપાસમાં બહાર આવ્યું હતું કે કેટલાક ઉમેદવારોને પરીક્ષા પહેલા ઉકેલાયેલા પ્રશ્નપત્રો પૂરા પાડવામાં આવ્યા હતા. વધુમાં આ મામલે ઝારખંડના પરીક્ષા કેન્દ્રના સંયોજકની સંડોવણી પણ બહાર આવી હતી.

આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં પરીક્ષા રદ કરીને ફરીથી યોજવાની માંગ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે કહ્યું હતું કે ઉપલબ્ધ રેકોર્ડ્સ એ સાબિત કરતા નથી કે સિસ્ટમમાં મોટા પાયે પેપર લીક થયું હતું. આથી પરીક્ષા રદ કરવામાં આવી ન હતી. તે સમયે શિક્ષણ મંત્રાલયે પણ કહ્યું હતું કે કેટલીક અલગ-અલગ ઘટનાઓને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય પ્રભાવિત થઈ શકે તેમ નથી.

2024 માં શું થયું?

NEET UG 2024 નું પરિણામ જૂનમાં જાહેર કરવામાં આવ્યું હતું અને બાદમાં 1563 વિદ્યાર્થીઓને આપવામાં આવેલા “ગ્રેસ માર્ક્સ” વિવાદમાં આવ્યા હતા. આ પછી, તે વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી અને જુલાઈમાં સુધારેલા પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. તે જ વર્ષે, પરીક્ષાના બીજા જ દિવસે યુજીસી નેટની પરીક્ષા પણ રદ કરવામાં આવી હતી.

તબીબી પ્રવેશ પરીક્ષા રદ કરાઇ હતી

આ પહેલા 2015માં સુપ્રીમ કોર્ટના આદેશ પર ઓલ ઈન્ડિયા પ્રી-મેડિકલ/પ્રી-ડેન્ટલ ટેસ્ટ (એઆઈપીએમટી) રદ કરવામાં આવી હતી. ત્યારબાદ એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેટલાક ઉમેદવારોએ પરીક્ષા દરમિયાન બ્લૂટૂથ ઉપકરણો અને માઇક્રો સિમ દ્વારા જવાબો મેળવ્યા હતા. હરિયાણાના રોહતકમાં પોલીસે આવી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે ડઝનેક વિદ્યાર્થીઓને ખોટો લાભ થયો હતો.

આ પછી સુપ્રીમ કોર્ટે પરીક્ષા રદ કરી દીધી હતી અને ચાર અઠવાડિયાની અંદર ફરીથી પરીક્ષા લેવાનો આદેશ આપ્યો હતો. બાદમાં 2016 થી, નીટે એઆઈપીએમટીની જગ્યા લીધી છે. 

2024 વિવાદ પછી શું ફેરફાર થયા?

2024ના વિવાદ બાદ કેન્દ્ર સરકારે ઇસરોના પૂર્વ પ્રમુખ કે રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં સાત સભ્યોની સમિતિની રચના કરી હતી. સમિતિએ જાહેર પરીક્ષાઓની સુરક્ષા વધારવા માટે ઘણા સૂચનો કર્યા હતા.

જેમાં જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસની દેખરેખ હેઠળ પરીક્ષા કેન્દ્રોને સીલ કરવા, જીપીએસ લગાવેલા વાહનોમાં પ્રશ્નપત્ર પહોંચાડવા, સીસીટીવી સર્વેલન્સ, બાયોમેટ્રિક વેરિફિકેશન અને સેન્ટ્રલાઇઝ્ડ મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે.

કરિયર સંબંંધી આ સમાચાર પણ વાંચો

NTAએ પણ આ વર્ષે કેટલાક સલામતીના પગલાંનો અમલ કર્યો હતો. પરીક્ષા સામગ્રી પોલીસ સુરક્ષા હેઠળ પહોંચાડવામાં આવી હતી અને ઘણા કેન્દ્રો પર મોક ડ્રીલ પણ કરવામાં આવી હતી. આ હોવા છતાં, પેપર લીકના આક્ષેપોએ એજન્સીની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

હવે આગળ શું છે?

હવે સૌથી મોટો સવાલ એ છે કે NEET UG 2026 ની ફરીથી પરીક્ષા ક્યારે લેવામાં આવશે? લાખો વિદ્યાર્થીઓ નવી તારીખની રાહ જોઈ રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે એનટીએ અને શિક્ષણ મંત્રાલય આ વખતે પરીક્ષા પ્રક્રિયાને વધુ કડક બનાવી શકે છે. સાથે જ કમ્પ્યુટર આધારિત પરીક્ષા પદ્ધતિ લાગુ કરવાની ચર્ચા પણ તીવ્ર બની શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *