Inflation Price October 2026: ભારતમાં મોંઘવારી ફરી માત્ર સામાન્ય લોકો જ નહીં સરકાર અને RBI માટે ચિંતાનો વિષય બન્યો છે. ઓક્ટોબરમાં રિટેલ ફુગાવો વધીને 6.09 ટકા થયો છે, જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા નિર્ધારિત ઉપલી મર્યાદા કરતા વધુ છે. લગભગ બે વર્ષમાં પહેલીવાર મોંઘવારી 6 ટકાને પાર કરી ગઈ છે.
ઉલ્લેખનિય છે કે, રિટેલ મોંઘવારી દર સતત 12મી વખત વખતને 6 ટકાની સપાટીને ક્રોસ કરી ગયો છે. ફુગાવામાં આ ઉછાળો ખાદ્ય ચીજવસ્તુઓના વધતા ભાવ અને પ્રતિકૂળ બેઝ ઇફેક્ટને કારણે જોવા મળ્યો છે. આની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર તેમજ દેશની નાણાકીય નીતિ પર પડી શકે છે.
બે વર્ષ બાદ મોંઘવારી 6 ટકા પાર
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત છૂટક ફુગાવાનો દર ઓક્ટોબરમાં વધીને 6.09 ટકા થયો હતો. સપ્ટેમ્બરમાં તે 5.54 ટકા હતો. એટલે કે એક મહિનાની અંદર મોંઘવારીનો દર નોંધપાત્ર વધ્યો છે.
ઓક્ટોબરમાં ફુગાવો વધવા પાછળના મુખ્ય કારણો ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો અને પ્રતિકૂળ બેઝ ઇફેક્ટ માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે સતત 12મા મહિને ઘરેલુ મોંઘવારીના દરમાં વધારો થયો છે. અગાઉ ઓક્ટોબર 2024માં છૂટક ફુગાવાનો દર 6 ટકાને વટાવી ગયો હતો. તે પછી તે પ્રથમ વખત આ સપાટી ક્રોસ કરી છે.
મોંઘવારી દર RBIના લક્ષ્યાંકથી ઉપર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને મોંઘવારી પર નિયંત્રણ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ અંતર્ગત રિટેલ ફુગાવાના દરને 4 ટકા પર રાખવાનો લક્ષ્યાંક કેન્દ્રીય બેંકને આપવામાં આવ્યો છે. આ માટે 2 ટકાથી 6 ટકાની રેન્જ નક્કી કરવામાં આવી છે. એટલે કે જ્યારે મોંઘવારીનો દર 6 ટકાથી ઉપર જાય છે, ત્યારે તે આરબીઆઈ માટે ચિંતાનો વિષય બની જાય છે.
ઓક્ટોબરના આંકડા સાથે, ફુગાવાનો દર સતત પાંચમા મહિને 4 ટકાના લક્ષ્યાંકથી ઉપર રહ્યો છે. ઑક્ટોબર 2024 પછી પ્રથમ વખત કન્ઝ્યુમર ઇન્ફ્લેશન રેટ 6 ટકાની ઉપલી સપાટીને પણ વટાવી દીધી છે. આવી સ્થિતિમાં, ફુગાવાને કાબૂમાં રાખવા માટે RBIએ તેની નાણાકીય નીતિ પર વધુ કડક વલણ અપનાવવું પડી શકે છે.
RBI ફરી વ્યાજદર વધારશે?
મોંઘવારી દરમાં સતત વધારા વચ્ચે RBI પર વ્યાજદર વધારવાનું દબાણ વધી શકે છે. કેન્દ્રીય બેંકની મોનેટરી પોલિસી કમિટી (RBI MPC) એ ઓક્ટોબર મહિનાની ધિરાણનીતિમાં રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. આ પછી રેપો રેટ 5.5 ટકા પહોંચી ગયો છે.
હવે અર્થશાસ્ત્રીઓ અપેક્ષા રાખે છે કે આરબીઆઈ ડિસેમ્બરમાં આગામી નાણાકીય નીતિની બેઠકમાં વ્યાજ દરમાં વધારો કરશે. આ બેઠક 2 થી 4 ડિસેમ્બર દરમિયાન યોજાવાની છે.
રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર આરબીઆઈ અન્ય બેંકોને ધિરાણ આપે છે. જ્યારે કેન્દ્રીય બેંક રેપો રેટમાં વધારો કરે છે, ત્યારે બેંકો માટે લોન લેવી મોંઘું થઈ જાય છે. તે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના વ્યાજ દરોને પણ અસર કરી શકે છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોના લોન ઈએમઆઈ વધવાની સંભાવના છે.
RBI એ ફુગાવા વિશે શું આગાહી કરી છે?
RBIના લેટેસ્ટ આંકડા મુજબ, ઓક્ટોબરથી ડિસેમ્બર 2026 દરમિયાન છૂટક ફુગાવો સરેરાશ 6% થઈ શકે છે. તો જાન્યુઆરી અને માર્ચ 2027 દરમિયાન રિટેલ ઇન્ફ્લેશન રેટ 5.7 ટકા અને એપ્રિલ અને જૂન 2027 દરમિયાન 5.6 ટકા આસપાસ રહેવાનો અંદાજ છે.
જો કે, મોંઘવારી વધવા છતાં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર મજબૂત છે. એપ્રિલથી જૂન 2026 ક્વાર્ટરમાં દેશનો જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા નોંધાયો હતો. અર્થશાસ્ત્રીઓ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ વૃદ્ધિ દર આની આસપાસ રહેવાની અપેક્ષા રાખે છે. આ ક્વાર્ટરના આંકડા મહિનાના અંતમાં જાહેર કરવામાં આવશે.
જીડીપી દર પર શું અસર થઈ શકે છે?
બોફા સિક્યોરિટીઝના અર્થશાસ્ત્રી રાહુલ બાજોરિયા અને સ્મૃતિ મહેરાના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2026-27ના બીજા ક્વાર્ટરમાં ભારતની જીડીપી વૃદ્ધિ દર 7.7 ટકા રહી શકે છે. તે RBIના 7.2 ટકાના અંદાજ અને નાણાં મંત્રાલયના અંદાજ 7.35 ટકા કરતાં વધારે છે.
જો કે, અર્થતંત્રની આગામી વૃદ્ધિ સામે કેટલાક બાહ્ય જોખમો છે. આમાં ભૌગોલિક રાજકીય તણાવ, ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ અને અલ નીનો જેવી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે.
આગામી 6 થી 9 મહિનામાં વ્યાજદરમાં 0.75 ટકા વધવા સંભવ
અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં વધારો આર્થિક વૃદ્ધિની ગતિને પણ અસર કરી શકે છે. તેમના જણાવ્યા અનુસાર, રિઝર્વ બેંક આગામી 6 થી 9 મહિનામાં વ્યાજ દરમાં 75 બેસિસ પોઇન્ટ સુધીનો વધારો કરી શકે છે.
તેનાથી બેંક લોન મોંઘી થઇ શકે છે અને લોકોની ખરીદી કરવાની ક્ષમતા પ્રભાવિત થઇ શકે છે. આગામી મહિનાઓમાં લોન ઈએમઆઈ વધવાની ધારણા છે, ખાસ કરીને હોમ લોન, કાર લોન અને અન્ય લોન લેનારા લોકો પર બોજ વધશે.
