3 Gujarati held hostage in Ethiopia : પૈસા કમાવવા માટે ગેરકાયદેસર અમેરિકામાં જવાનું ચલણ ગુજરાતીઓમાં વધ્યું છે. જ્યારે ડંકી માર્ગે અમેરિકામાં મોકલનારા એજન્ટોનો ભોગ પણ બનતા હોય છે. આવી જ એક આંખ ઉઘાડતો કિસ્સો ફરી પ્રકાશમાં આવ્યો છે. મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના ત્રણ આશાસ્પદ યુવક-યુવતીઓ અમેરિકા પહોંચે તે પહેલાં જ વિદેશી ધરતી પર આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી અને અપહરણકારોની ખતરનાક ચુંગાલમાં ફસાઈ ગયા છે.
મળતી માહિતી મુજબ પરિવારજનો પાસેથી સ્થાનિક એજન્ટોએ અગાઉ ₹ 70 લાખ જેટલી તોતિંગ રકમ પડાવી હતી. જ્યારે હવે આફ્રિકન દેશ ઈથોપિયાથી અજાણ્યા શખ્શે ત્રણેય બંધકોને છોડાવવા માટે એક કરોડ રૂપિયાની તોતિંગ ખંડણી માંગી છે.
શું છે આખી ઘટના?
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે મહેસાણા તાલુકાના વડસ્મા ગામનો યુવક જનસારી ઋત્વિક શૈલેષભાઈ, હાલ અમદાવાદમાં રહેતા અને મૂળ મહેસાણાના ગોઝારિયા ગામની યુવતી ચાવડા મમતાબેન ચિરાગભાઈ અને ગાંધીનગરની રહેવાસી ગોપી નામની યુવતી આ ત્રણેય જણાએ ગેરકાયદે માર્ગે યુએસ જવા માટે કડી તાલુકાના ડાંગરવા ગામના એક સ્થાનિક એજન્ટનો સંપર્ક કર્યો હતો. સ્થાનિક એજન્ટે મુખ્ય સૂત્રધાર એજન્ટોના ભરોસે તેમને વિદેશ રવાના કર્યા હતા.
એજન્ટે આ ત્રણેય યુવાનોને જયપુરથી એતિહાદ એરલાઇન્સ મારફતે પ્રથમ અબુધાબી મોકલ્યા હતા. અબુધાબીથી તેમને સીધા પૂર્વ આફ્રિકન દેશ ઇથિયોપિયાની રાજધાની એડિસ અબાબા લઈ જવાયા હતા. ત્યાં સ્વાઝીલેન્ડ સ્ટ્રીટ પર આવેલા ‘જીએસએફ કેમ્પ’ નામના અજ્ઞાત સ્થળે તેમને રાખવામાં આવ્યા હતા.
આ યુવાનો માટે 19 સપ્ટેમ્બરથી 19 ઓક્ટોબર સુધીના એક મહિનાના પ્રવાસી ઇ-વિઝા મેળવવામાં આવ્યા હતા. એડિસ અબાબામાં એજન્ટ્સે તેમનું અપહરણ કર્યું હતું.
કેનેડા પહોંચી ગયાની ખાતરી આપી એજન્ટે ₹ 70 લાખ પડાવ્યા
મળતી માહિતી પ્રમાણે સ્થાનિક એજન્ટે પરિવારને ખાતરી આપી હતી કે ત્રણેય સભ્યો હેમખેમ કેનેડા પહોંચી ગયા છે અને હવે ટેક્સી મારફતે બોર્ડર ક્રોસ કરીને અમેરિકા જઈ રહ્યા છે. આ વાત પર વિશ્વાસ મૂકીને પરિવારજનોએ એજન્ટને નક્કી થયા મુજબ રૂ. 70 લાખ રોકડા ચૂકવી દીધા હતા.
ત્રણેય યુવક-યુવતીઓના ફોન બંધ
એક તરફ પરિવારજનોએ એજન્ટને 70 લાખ રૂપિયા ચૂકવ્યાને બીજી બાજુ પૈસા મળતાં જ ત્રણેય યુવક-યુવતીઓના ફોન બંધ થઈ ગયા અને સંપર્ક કપાઈ ગયો હતો. આવી સ્થિતિ સર્જાતા પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા. જોકે, આ દરમિયાન ઈથોપિયાથી ‘ખાન’ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે ત્રણેય તેના કબજામાં છે. અને ત્રણેયની મૂક્તિ માટે એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.
આજ જૂથ સાથે ગયેલો કલોલનો યુવક પરત ફર્યો
મળતી માહિતી પ્રમાણે કલોલના મુન્નાભાઈ નામના વ્યક્તિનો પુત્ર પણ આ જ જૂથ સાથે અમેરિકા જવા માટે આ સફરમાં સામેલ હતો. પરંતુ તે યુવકનો એજન્ટ અલગ હતો અને તેણે નક્કી કરેલી રકમ સમયસર ચૂકવી દેતાં તેને સુરક્ષિત રીતે ગુજરાત પરત મોકલી દેવાયો હતો.
આ પણ વાંચોઃ- 365 દિવસમાં બદલાશે H-1B વિઝા, ટ્રમ્પ સરકાર કરશે વિઝા સિસ્ટમમાં ફેરફાર, ભારતીય કામદારો માટે નવું ટેન્શન
જ્યારે મહેસાણા-ગાંધીનગરના આ ત્રણેય યુવક-યુવતીનો એજન્ટ એક જ હતો અને નાણાંની લેતીદેતી કે એજન્ટોના આંતરિક વિવાદમાં આ ત્રણેય નિર્દોષો આંતરરાષ્ટ્રીય માફિયાઓના હાથે બંધક બની ગયા છે. પોતાના ત્રણેય સંતાનો વિદેશની ધરતી ઉપર બંધક બન્યા હોવાથી પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.
