Siddhivinayak Temple Donation Theft Case : અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી બાદ હવે મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં પણ ગેરરીતિની ઘટનાઓ સામે આવ્યો છે. મહારાષ્ટ્રના મંદિરોમાં ચોરીના આક્ષેપોને લઈને જે વિવાદ સર્જાયો છે તે કદાચ એક નાની ફરિયાદથી શરૂ થયો છે.
હકીકતમાં, ફરિયાદ એવી હતી કે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના કેટલાક કર્મચારીઓ ભક્તો પાસેથી પૈસા લઈને VIP દર્શનની લાઇનમાં મોકલી રહ્યા હતા. આ કેસની તપાસ દરમિયાન જ વધુ વિવાદ સામે આવ્યો હતો.
આ કથિત કૌભાંડમાં લેવાતી રકમ સતત વધી રહી છે, કારણ કે વિપક્ષને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ તક દેખાય છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેનું કહેવું છે કે દર વર્ષે ₹ 18 કરોડની હેરાફેરી થાય છે.
મહારાષ્ટ્રના સૌથી ધનવાન અને સૌથી વધુ મુલાકાત લેતા સ્થળોમાંના એક સિદ્ધિવિનાયક મંદિરના અધિકારીઓનું કહેવું છે કે આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને ચોરી અટકાવી દેવામાં આવી છે. મુંબઇના સિદ્ધિવિનાયક મંદિરમાં દરરોજ હજારો લોકો અને તહેવારો દરમિયાન લાખો લોકો દર્શન કરે છે.
CCTV ફૂટેજની તપાસ
સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી રાહુલ લોંધેએ જણાવ્યું હતું કે, 2023માં મંદિરનો કાર્યભાર સંભાળનાર તેઓ અને અન્ય ટ્રસ્ટી સભ્યો VIP દર્શન માટે પૈસા લેનાર કર્મચારીઓની ઓળખ કરવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા હતા. અમે ઘણા સીસીટીવી કેમેરાની તપાસ કરી અને જાણવા મળ્યું કે કેટલાક કર્મચારીઓ દાન પેટીથી પૈસા ચોરી રહ્યા છે. અમે પોલીસને જાણ કરી અને તેમણે આરોપીની ધરપકડ કરી. ”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષની શરૂઆતમાં ફરી શંકા વધી હતી કારણ કે, ભક્તોની સંખ્યામાં વધારો હોવા છતાં દાનની રકમ સ્થિર રહેતા ટ્રસ્ટીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
શિવસેનાના નેતા અને ટ્રસ્ટના પ્રમુખ સદા સર્વંકરે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, તેમણે અને અન્ય ટ્રસ્ટી ભાસ્કર શેટ્ટીએ એન્ટી કરપ્શન બ્યુરોની મદદ લેવાનું નક્કી કરતા પહેલા ઘણા મહિનાઓ સુધી દાનના આંકડા પર નજર રાખી હતી. તેમણે ઉમેર્યું કે, તે સમયે બ્યુરોના પ્રભારી રહેલા વિશ્વાસ નાંગરે પાટિલે અમને ચોરીની સંભાવનાની તપાસ કરવા માટે અમુક લોકો સોંપ્યા હતા. ”
સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી
સદા સર્વંકરે જણાવ્યું કે, શરૂઆતમાં તેમને કંઇ શંકાસ્પદ મળ્યું ન હતું, પરંતુ તપાસકર્તાઓની સલાહ પર તેઓએ તેમની દેખરેખ વધારી હતી. તેમણે કહ્યું કે સાપ્તાહિક દાનની ગણતરીની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને ટૂંક સમયમાં, એક સત્ર દરમિયાન સીસીટીવી કેમેરા ઢંકાયેલા દેખાયા હતા.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે માર્ચમાં મંદિરના કર્મચારી રાજેન્દ્ર પેંડુરકરને પૂજારીઓના ઓરડામાં રાખવામાં આવેલી દાન પેટી માંથી રોકડ રકમ લેતા પકડી લીધા હતા, જ્યારે સત્તાવાર પ્રતિનિધિ તે સમયે હાજર ન હતા. ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે વધુ તપાસમાં બહાર આવ્યું છે કે અન્ય ઘણા કર્મચારીઓ પણ આવું જ કરી રહ્યા હતા.
લોંઢે જણાવ્યું કે, “તે શક્ય નથી કે કોઇ એક વ્યક્તિ એકલું આ કામ કરી રહ્યો છે. અમે કૌભાંડને શોધી કાઢ્યું અને અન્ય આઠ લોકોને પકડ્યા. આ સિવાય વહેલા દર્શન માટે પૈસા લેવા જેવી પ્રવૃત્તિઓ માટે અન્ય 19 કર્મયારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ”
20 માર્ચે FIR નોંધવામાં આવી
આ કેસમાં 20 માર્ચે દાદર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. બાદમાં પોલીસે 80000 રૂપિયા કબજે કર્યા હતા અને સીસીટીવી ફૂટેજમાં લગભગ 10 દિવસ સુધી નાની દાન પેટી માંથી વારંવાર રોકડ ઉપાડતા લોકો દેખાયા હતા. ધરપકડ કરાયેલા આઠ વ્યક્તિ જામીન પર બહાર છે અને તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
ટ્રસ્ટનું માનવું છે કે આ કૌભાંડ પકડાયા પહેલા ઓછામાં ઓછા છ મહિનાથી ચાલી રહ્યું હતું. લોંઢે એ કહ્યું કે, દાન ચોરી કૌભાંડ બહાર આવ્યા બાદ દાનની રકમમાં વધારો જોયા પછી તેઓ આ નિષ્કર્ષ પર આવ્યા હતા.
દાન ચીઠ્ઠી પર દાન એકત્રિત કરવાની પ્રક્રિયા જટિલ છે. બુધવારે લગભગ 30 દાન પેટી ખોલવામાં આવે છે. દરેક દાન પેટી પર નાણાકીય અધિકારી અને એક્ઝિક્યુટિવ ઓફિસરના હસ્તાક્ષર હોય છે.
વરિષ્ઠ વહીવટી અધિકારીની દેખરેખ હેઠળ, તે ખાલી કરવામાં આવે છે, પસંદ કરાયેલા કર્મચારીઓ, સરકાર દ્વારા નિયુક્ત ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઓફિસર અને બેંકના પ્રતિનિધિઓની હાજરીમાં ગણતરી કરવામાં આવે છે અને છેલ્લે રોકડ રકમ તરત જ બેંકમાં જમા કરવામાં આવે છે.
મંદિર દ્વારા વાર્ષિક 18 કરોડ રૂપિયાની ચોરીના આંકડાને પડકારવામાં આવ્યો છે, અને આ આંકડો ન તો 20 માર્ચની એફઆઈઆરમાં છે અને ન તો ચાર્જશીટમાં.
રાજ ઠાકરેની દલીલ છે કે કથિત ચોરીની જાણ થઈ તે પહેલાં સાપ્તાહિક દાન 50 લાખ રૂપિયાથી ઓછું હતું. ધરપકડ અને કડક દેખરેખ પછી, તે વધીને લગભગ 1.5 કરોડ રૂપિયા થયું છે. આ આંકડો એક વર્ષમાં લગભગ 1 કરોડ રૂપિયાનો અંદાજિત સાપ્તાહિક વધારાનો છે.
રાજ ઠાકરેની દલીલ શું હતી?
મંદિર વહીવટીતંત્ર વાર્ષિક 18 કરોડ રૂપિયાની ચોરીની વાતને માનતું નથી, આ આંકડો 20 માર્ચની એફઆઈઆરમાં કે ચાર્જશીટમાં નથી. રાજ ઠાકરેએ દલીલ કરી છે કે કથિત ચોરીની જાણકારી મળતા પહેલા દર અઠવાડિયે મળતું દાન 50 લાખ રૂપિયાથી પણ ઓછું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસ હવે ઉકેલાઈ ગયો છે. દાદર પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે આઠ લોકોની ધરપકડ કરી છે, જેમણે 10000 રૂપિયાની ગેરરીતિ કરી હતી. ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જો મંદિર ટ્રસ્ટને લાગે કે આ મામલાની ફરીથી તપાસ થવી જોઈએ, તો તેઓ કોર્ટનો સંપર્ક કરી શકે છે. ”
