ગુજરાતની માંજલપુર વિધાનસભા બેઠક માટે 30 જુલાઈના રોજ યોજાનારી પેટાચૂંટણી ખૂબ જ રસપ્રદ બની ગઈ છે. ચૂંટણી મેદાનમાં ફક્ત બે ઉમેદવારો બચ્યા છે જેના કારણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધાનો માહોલ સર્જાયો છે. એવું નથી કે અન્ય લોકોએ ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો ન હતો. ઘણા વ્યક્તિઓએ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ બે મુખ્ય પક્ષોના ઉમેદવારો સિવાય બાકીના બધાના ઉમેદવારીપત્રો રદ કરવામાં આવ્યા હતા. પરિણામે મુખ્ય લડાઈ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે રહેશે. દરમિયાન રાજ્યનો મુખ્ય વિરોધ પક્ષ હોવાનો દાવો કરતી આમ આદમી પાર્ટી (AAP) આ ચૂંટણીથી દૂર રહી છે અને ઉમેદવાર ઊભો રાખ્યો નથી.
ભાજપે ભૂતપૂર્વ કાઉન્સિલર સતીશ ગોવિંદભાઈ પટેલને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. સતીશ પટેલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)માં અનેક વખત કાઉન્સિલર તરીકે સેવા આપી ચૂક્યા છે અને VMCની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. વધુમાં તેમણે ભાજપના વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે સેવા આપી છે.
બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ આ પેટાચૂંટણી માટે ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા છે જેઓ એક વરિષ્ઠ નેતા અને પાર્ટીના ગુજરાત એકમના વર્તમાન ઉપપ્રમુખ પણ રહી ચુક્યા છે. ભીખાભાઈ રબારી અગાઉ 1990 ના દાયકા દરમિયાન માધવસિંહ સોલંકી સરકારમાં મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.
આ 7 લોકએ કુલ 15 ફોર્મ ભર્યા હતા
- પરેશ વિનોદ કુમાર રાઠોડ (અપક્ષ)
- દિનેશ રમાકાંત વ્યાસ (રાઈટ ટુ રિકોલ પાર્ટી)
- ભીખાભાઈ રબારી (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ)
- રત્નસાગર રાજરાજેશ્વર ધુળાભાઈ (ભાજપ)
- ધર્મેશભાઈ પટેલ (કોંગ્રેસ)
- પરેશ કુમાર બ્રહ્મભટ્ટ (ભાજપ)
- સતેન્દ્ર (સતીશ) ભાઈ પટેલ (ભાજપ)
બે ઉમેદવારોએ 4-4 ઉમેદવારી નોંધાવી હતી
ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આ વ્યક્તિઓમાંથી કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર ભીખાભાઈ રબારીએ ચાર ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જેમાંથી ત્રણ નામંજૂર થયા અને એક સ્વીકારવામાં આવ્યું. ધર્મેશભાઈ પટેલે બે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ બંને નામંજૂર થયા હતા. આ દરમિયાન ભાજપના સત્તાવાર ઉમેદવાર સતેન્દ્રભાઈ પટેલે ચાર ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાંથી એક સ્વીકારવામાં આવ્યું હતું, જ્યારે બાકીના ત્રણ નામંજૂર થયા હતા. પરેશ કુમારે પણ બે ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા.
આ પણ વાંચો: અંબાજી મંદિરના દાનપેટીમાંથી ચોરી બાદ મોટો નિર્ણય, દાનપેટીના ભંડોળની ગણતરી લાઇવ દેખાશે
પેટાચૂંટણીનું કારણ
યોગેશ પટેલ (ઉ.વ.79) આઠ વખત ભાજપના ધારાસભ્ય અને વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની પાછલી સરકારમાં રાજ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા હતા. તેમનું લાંબી બીમારી બાદ 2 જૂનના રોજ અવસાન થયું હતું. આ બેઠક ખાલી પડી જેના કારણે પેટાચૂંટણી જરૂરી બની.
30 જુલાઈએ મતદાન, 3 ઓગસ્ટે મતગણતરી
માંજલપુર વિધાનસભા મતવિસ્તાર માટેની પેટાચૂંટણી 30 જુલાઈએ યોજાશે અને મતગણતરી 3 ઓગસ્ટે થશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ (સોમવાર) હતી.
