Cotton Garments Stains Washing Ideas : સુતરાઉ કાપડ પહેરવા માટે ખૂબ જ આરામદાયક હોય છે, જેના કારણે તેનો રોજિંદા જીવનમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં સુતરાઉ કાપડનો વધુ ઉપયોગ થાય છે. તે શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કારણ કે, કોટનના કાપડ માંથી હવા સરળતાથી પસાર થઈ જાય છે. આ ફેબ્રિક ભેજ અને પરસેવો શોષી લે છે. ઘણી વખત ચા, કોફી, તેલ, ચટણી અથવા અન્ય ખાદ્ય ચીજોના ડાઘ પડી જાય છે. આ ડાઘ સાફ કરવા માટે લોકો ઘણીવાર હાર્ડ કેમિકલ ક્લીનરનો ઉપયોગ કરે છે અથવા તેને ઘસીને સાફ કરે છે, જેનાથી કાપડનો રંગ ઝાંખો કે કાપડ બગડી જવાનો ડર રહે છે. જો કે, અમુક સરળ ટીપ્સ છે જેની મદદથી તમે કપડાંને નુકસાન પહોંચાડ્યા વિના ડાઘ સરળતાથી સાફ કરી શકો છો.
પ્રથમ રીત
જો શક્ય હોય તો, ડાઘ પડ્યા બાદ તરત જ કાપડને સામાન્ય પાણીથી ધોઈ લો. હકીકતમાં, શરૂઆતમાં ડાઘ કાપડ પર ઉંડા સુધી પડતા નથી. આ કિસ્સામાં, સાદા પાણીથી તરત જ ધોવાથી ડાઘ સરળતાથી દૂર થઈ શકે છે. ઉપરાંત અમુક ડાઘ એવા હોય છે જે ગરમ પાણીથી પાકા થઇ શકે છે. આવા કિસ્સામાં, કોટન કાપડ પરના ડાઘને સામાન્ય પાણીથી સાફ કરવું વધુ સારું માનવામાં આવે છે.
બીજી રીત
સુતરાઉ કાપડ પર ડાઘ સાફ કરવાની બીજી સૌથી સરળ રીત એ છે કે ડાઘ વાળી જગ્યા પર થોડું લિક્વિડ ડિટર્જન્ટ લગાવો અને તેને 10-15 મિનિટ માટે છોડી દો. આ પછી, તેને હળવા હાથે ઘસો અને તેને સામાન્ય પાણીથી ધોઈ લો. આમ ચા, કોફી અને ચટણી જેવા ડાઘને સરળતાથી સાફ કરી શકે છે.
ત્રીજો રસ્તો
બેકિંગ સોડાનો ઉપયોગ સુતરાઉ કાપડ પરના ડાઘને સાફ કરવા માટે પણ થઈ શકે છે. આ માટે થોડું પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. હવે તેને ડાઘવાળી જગ્યા પર 15-20 મિનિટ લગાવીને રહેવા દો. તે પછી, નરમ બ્રશ અથવા હળવા હાથથી કપડાને ઘસીને સાફ કરો. આ ડાઘને ઘણી હદ સુધી સાફ કરી શકે છે.
ચોથો રસ્તો
સફેદ સરકોનો ઉપયોગ ડાઘ, ગંધ અને ચીકાશ દૂર કરવા માટે થાય છે. આ કિસ્સામાં, સુતરાઉ કપડાં પરના ડાઘને પણ તેના દ્વારા સરળતાથી સાફ કરી શકાય છે. આ માટે સરખી માત્રામાં સફેદ સરકો અને પાણી મિક્સ કરી ડાઘવાળા વિસ્તાર પર લગાવી 10 – 15 મિનિટ સુધી રહેવા દો. આ પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો. તે ભોજનના ડાઘ સરળતાથી દૂર કરી શકે છે.
આ પણ વાંચો | ચોમાસામાં બારી કાટ અને ભેજથી સુરક્ષિત રહેશે, આ 5 સરળ ટીપ્સ ટ્રાય કરો
પાંચમો રસ્તો
લીંબુની મદદથી સુતરાઉ કપડા પરના ખાદ્યપદાર્થોના ડાઘને સરળતાથી સાફ કરી શકાય છે. આ માટે હળવા રંગના સુતરાઉ કપડાં પર લીંબુનો રસ લગાવો અને તેને 10-15 મિનિટ સુધી તડકામાં રાખો. તેનાથી ડાઘ હળવા થઈ શકે છે. જો કે, ડાર્ક ફેબ્રિક પર તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી કપડાનો રંગ ઝાંખો થઇ શકે છે.
