Ahmedabad Municipal Company Election 2026 : અમદાવાદ મહાનગરપાલિકામાં મોટાભાગના વોર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જોકે ભાજપને સૌથી મોટો ફટકા તેના ગઢ સમાન ખાડિયા વોર્ડમાં મળ્યો છે. ખાડિયા વોર્ડમાં ભાજપનો પરાજય થયો છે. આ વખતે ચારેય બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. ભાજપના ચારેય ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે.
અમદાવાદની ખાડિયા બેઠક ભાજપનો ઐતિહાસિક ગઢ માનવામાં આવે છે. 1987થી 2021 સુધી જેટલી પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઇ રહી છે તેમાં સતત ભાજપની પેનલ જીતતી આવી છે. એટલે કે તમામ કોર્પોરેટરો ભાજપના જ હોય એવી પરંપરા બની ગઈ હતી. જોકે આ વખતે આ પરંપરા તુટી છે. ખાડિયાની ચારેય બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે અને ભાજપનો પરાજય થયો છે.
સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં સેલિબ્રિટી ઉમેદવારો જીત્યા કે હાર્યા, જાણો
ખાડિયા બેઠક પર કોંગ્રેસના ધ્રુવ કલાપી (6376), બિરજુ ઠક્કર (6331), ઇલિયાસ પઠાણ (6323) અને મીનાબેન નાયક (6095)નો વિજય થયો છે.
ખાડિયા વિસ્તાર એ એક સમયે અમદાવાદ શહેરનો સૌથી પ્રગતિશીલ વિસ્તાર ગણાતો હતો. શહેરમાં સૌથી પહેલા પાણીના નળ આ વિસ્તારમાં નાંખવામાં આવ્યા હતા. આ વિસ્તાર ભાજપનો ગઢ માનવામાં આવે છે. જોકે આ વખતે પ્રથમ વખત આ વોર્ડમાં ભાજપનો પરાજય થયો છે અને કોંગ્રેસને મોટી જીત મળી છે.
ભાજપનો અભેદ કિલ્લો કેમ તૂટ્યો?
દાયકાઓથી ભારતીય જનતા પાર્ટી માટે અભેદ કિલ્લા સમાન કહેવાતો ખાડિયા વિસ્તાર આ વખતે કમળ છોડી હાથમાં આવ્યો છે. આની પાછળના કારણ વિશે વાત કરીએ તો ભાજપની નેતાગીરી સ્થાનિક લોકોની વ્યથા અને ભાવનાઓ સમજી ન શકી.
ખાડિયા બચાવો આંદોલન નડી ગયું?
ભાજપના કારમા પરાજય માટેનું એક કારણ આ વિસ્તારના લોકોનું ખાડિયા બચાવો આંદોલન હોવાનું પણ માનવામાં આવે છે. ઐતિહાસિક પોળો ધરાવતા આ વિસ્તારમાં આડેધડ વધી રહેલા કોમર્શિયલ બાંધકામોથી અહીંના લોકો ભારે નારાજ છે. રજૂઆતો છતાં કોઇ નક્કર કાર્યવાહી ન થતાં છેવટે ખાડિયા બચાવો આંદોલનના આગેવાનો ચૂંટણી જંગમાં આવ્યા અને પરિણામ બદલાઇ ગયા હોવાનું માનવામાં આવે છે.
