diesel jet gasoline xport duties : કેન્દ્ર સરકારે શનિવારે ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) પરની નિકાસ ડ્યુટીમાં ભારે વધારો કરવાની જાહેરાત કરી છે. જ્યારે પેટ્રોલ પરની ડ્યૂટી યથાવત રાખવામાં આવી છે.
નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર ડીઝલની નિકાસ પરની ડ્યૂટી 21.5 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 55.5 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. જ્યારે એટીએફ (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ) પરની ડ્યૂટી 29.5 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 42 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. સુધારેલી કિંમતો તાત્કાલિક અમલમાં આવશે.
સરકારે આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે સરકાર હવાઈ ભાડા પર વધતા બળતણના ખર્ચની અસરને રોકવા માટેના પગલાં પર વિચારણા કરી રહી છે. અસ્થિર વૈશ્વિક તેલના ભાવો વચ્ચે એરલાઇન્સ અને મુસાફરોને સુરક્ષિત રાખવા માટે અધિકારીઓ કર અને ટેરિફના પગલાંની સમીક્ષા કરી રહ્યા છે.
26 માર્ચના રોજ લાદવામાં આવેલા ટેરિફનો હેતુ પશ્ચિમ એશિયામાં સંઘર્ષ દરમિયાન સ્થાનિક ઇંધણની ઉપલબ્ધતાને વધારવાનો હતો અને નિકાસકારોને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે વધતા વૈશ્વિક ભાવ તફાવતથી ફાયદો થતો અટકાવવાનો હતો.
અગાઉ શું કિંમત હતી?
26 માર્ચે સરકારે ડીઝલ પર 21.50 રૂપિયા પ્રતિ લિટર અને એટીએફ પર 29.5 રૂપિયા પ્રતિ લીટરની નિકાસ ડ્યુટી લાદી હતી. આ ટેક્સનો હેતુ સ્થાનિક પુરવઠાને વેગ આપવા અને નિકાસકારોને અયોગ્ય લાભને રોકવાનો પણ હતો.
28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો. જે પછી તેહરાન તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. આ સંઘર્ષે સમગ્ર મધ્ય પૂર્વને અસર કરી અને વૈશ્વિક ઊર્જા બજારમાં અસ્થિરતા પેદા કરી હતી. 8 એપ્રિલે ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે બે અઠવાડિયા માટે સીઝફાયર થયું હતું. ત્યારબાદથી યુદ્ધ બંધ થઈ ગયું છે. પેટ્રોલ પરની નિકાસ ડ્યુટી હજી પણ શૂન્ય છે.
અમેરિકા-ઈરાન સીઝફાયર પછી હોર્મુઝ પાર કરી આવી રહ્યું છે ‘જગ વિક્રમ’
ભારત પર ઈરાન યુદ્ધની અસર
ઈરાન યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં અસામાન્ય વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, અને રિટેલ આઉટલેટ્સ પર ભાવમાં કોઈ વધારો થયો નથી.
કેન્દ્ર સરકારે નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવાની સલાહ આપી છે. ઘરેલું એલપીજી સિલિન્ડરોની ડિલિવરી સામાન્ય છે. ગઇકાલે 51.5 લાખથી વધુ સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 26,000 થી વધુ પીએનજી ગ્રાહકોએ તેમના એલપીજી કનેક્શન સરેન્ડર કર્યા છે. તમામ રિફાઇનરીઓ ક્રૂડ ઓઇલના પર્યાપ્ત ભંડાર સાથે ઉચ્ચ ક્ષમતા સાથે કાર્યરત છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત સ્ટોક જાળવવામાં આવી રહ્યો છે.
